મેરાન્યૂઝ નેટવર્ક.અમેરિકા : પત્રકાર પોતે જે અખબાર-ન્યૂઝ ચેનલ માટે કામ કરતો હોય તેની સામે બાયો ચઢાવે તે જવલ્લે જ બનતી ઘટના છે. અમેરિકામાં અશ્વેતોના અન્યાય માટે જે લડાઈ ચાલી રહી છે તે દરમિયાન આવી ઘટના બની. બન્યું એમ કે અમેરિકાના પ્રતિષ્ઠિત અખબાર 'ન્યૂયોર્ક ટાઇમ્સ'ના તંત્રીલેખમાં અમેરિકાના આર્કસાન્સ સ્ટેટના સેનેટર ટોમ કોટને અશ્વેત વિરોધી ટિપ્પણી કરતો એક લેખ લખ્યો. આ લેખ 'ન્યૂયોર્ક ટાઇમ્સ'માં પ્રકાશિત થયો. આ લેખનું મથાળું હતું : “સેન્ડ ઇન ધ ટ્રુપ્સ”. ટોમ કોટને આ લેખમાં લખ્યું છે કે, અમેરિકાના શહેરોમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનને અટકાવવા તત્કાલ સૈન્યને તૈનાત કરવી જોઈએ. આગળ એમ પણ લખ્યું કે કાયદો વ્યવસ્થાનો ભંગ કરનારની તુરંત ધરપકડ કરવી. સ્વાભાવિક છે કે કોટનના આ લેખમાં નિશાના પર અશ્વેતો હતા.

25 મેના રોજ જ્યોર્જ ફ્લોઈડ નામના અશ્વેતની ગોરા પોલીસ કર્મચારી દ્વારા થયેલી હત્યાથી આ વિરોધ પ્રદર્શન શરૂ થયા હતા, જે હવે હિંસક બન્યા છે. સેનેટર ટોમ કોટનની અશ્વેત વિરોધી  ટિપ્પણીથી તેમના પર સોશિયલ મીડિયા પર ખૂબ માછલાં ધોવાયા. ઇવન, 'ન્યૂયોર્ક ટાઇમ્સ' પર પણ કોટનનો લેખ પ્રકાશિત કરવા બદલ સવાલ ઊઠ્યા. શરૂઆતમાં કોટનના લેખનો વિરોધ થયો ત્યારે 'ન્યૂયોર્ક ટાઇમ્સ'ના તંત્રીએ અખબારનો પક્ષ આ રીતે મૂક્યો : “આ પ્રકારના વિચાર પર ચર્ચા થવી જોઈએ.  જો કોઈ સંવાદ ન થાય તો લોકો સત્ય શું છે જાણી ન શકે”.

અખબારની આ ટિપ્પણી પછી પણ કોટનનો અને 'ન્યૂયોર્ક ટાઇમ્સ'નો વિરોધ જારી રહ્યો. 'ન્યૂયોર્ક ટાઇમ્સ'ના પત્રકારો અને લેખકોએ પણ અખબારમાં પ્રકાશિત થયેલાં આ લેખ પ્રત્યે પોતાનો વિરોધ જતાવ્યો. કેટલાંકે તો ખુલીને ટ્વિટર પર અખબારની નીતિની ટીકા કરી.  સામાન્ય રીતે આમ બનતું નથી. પત્રકારો પોતાના જ અખબાર-ન્યૂઝ ચેનલ સામે વિરોધ દર્શાવવાનું હંમેશા ટાળતા હોય છે. પરંતુ 'ન્યૂયોર્ક ટાઇમ્સ'ના પત્રકારોએ પોતાના અશ્વેતભાઈઓ માટે કોઈ પરવા કર્યા વિના સાથે ઊભા રહ્યા. પત્રકાર પોતે જે વિચારે છે તે બેબાક રીતે લખે-બોલે તે જ તેનો ધર્મ છે. પરંતુ આજે મોટા ભાગના અખબાર-ન્યૂઝ ચેનલો કોર્પોરેટ જગતના હાથમાં જતા રહ્યા છે, જ્યાં પત્રકારો પસંદગીના મુદ્દાઓ પર જ વિચાર રજૂ કરે છે. ઘણાં કિસ્સામાં તે સત્ય જાણતો હોવા છતાં બોલવા-લખવાની ખુમારીને અભિવ્યક્ત નથી કરતો.

અમેરિકામાં કટોકટીનો સમય ચાલી રહ્યો છે, તે દરમિયાન 'ન્યૂયોર્ક ટાઇમ્સ'ના પત્રકારોએ સત્યના પડખે રહેવાની હિંમત દાખવી છે. આવી ઘટનાઓ જ ખરાં પત્રકારત્વને આજ દિન સુધી જીવંત રાખતી રહી છે.