પ્રશાંત દયાળ, (મેરાન્યૂઝ.અમદાવાદ ) : નરેન્દ્ર મોદી અને અમિત શાહનું રાજકીય શ્રેત્ર ભલે હવે વિશાળ થઈ ગયું હોય તેમ છતાં તેઓ ગુજરાતમાં ચાલતી બારીક રાજકીય ગતીવિધીઓ ઉપર સતત નજર રાખે છે. તાજેતરમાં ગુજરાતમાં યોજાઈ ગયેલી પેટા ચૂંટણીના પરિણામ પછી ગુજરાત ભાજપની સ્થિતિને આ રીતે વધુ યથાવત રાખી શકાય નહીં તેની ગંભીરતા ભાજપ હાઈકમાન્ડને સમજાઈ છે. જેના કારણે 2019નું વર્ષ પૂર્ણ થાય તે પહેલા અથવા તેની નજીકના ગાળામાં ગુજરાત સરકાર અને સંગઠનમાં વ્યાપક ફેરફાર થવાના એંધાણ મળી રહ્યા છે. મળી રહેલી માહિતી પ્રમાણે હાઈકમાન્ડ હવે ગુજરાતના નવા મુખ્યમંત્રીનો કળશ કોઈ પાટીદાર નેતાના માથે મુકવા માગે છે. જેના કારણે ભાજપમાં રહેલા પાટીદાર નેતાઓએ હાઈકમાન્ડ તરફ પોતાનું ધ્યાન દોરવાના પ્રયત્ન શરૂ કરી દીધા છે.

નરેન્દ્ર મોદી બાદ આનંદીબહેન પટેલ ગુજરાતની ધુરા સંભાળી પણ અમિત શાહ અને આનંદીબહેન વચ્ચે છત્રીસના આંકડાને કારણે ગુજરાતમાં સતત કોઈને કોઈ વિવાદ ઉભા થતાં હતા અને આનંદીબહેન પટેલ વિરૂધ્ધમાં સારી એવી ખબરો નેશનલ મીડિયા સુધી જતી હતી, પાટીદાર આંદોલન સહિતના વિવિધ મુદ્દા ઉપરાંત આનંદીબહેન પટેલના દીકરી અનાર અને પુત્ર સંજય સરકારી કામકાજમાં ખુબ રસ લઈ રહ્યા છે તેવો આરોપ પણ આનંદીબહેન ઉપર મુકવામાં આવતો હતો, આનંદીબહેન પટેલને ખસેડી વિજય રૂપાણીને મુકવામાં આવ્યા પણ રૂપાણીની સાલસતા મતોમાં રૂપાંતરીત થતી નથી તેવુ હાઈકમાન્ડ માની રહ્યુ છે અને જે આરોપોનો આનંદીબહેન પટેલે સામનો કર્યો હવે તેવા જ આરોપ વિજય રૂપાણી ઉપર થઈ રહ્યા છે કે સરકારી કામકાજની બાગડોર રૂપાણીના પત્ની અંજલી રૂપાણી સંભાળે છે. આવી વ્યાપક ફરિયાદ હાઈકમાન્ડ સુધી પહોંચી છે.

જેના કારણે કીચન કેબીનેટને કારણે જેમને પોસ્ટીંગ મળ્યાની ચર્ચા છે, તેવા આઈએએસ વિક્રાંત પાંડે ગુજરાતમાંથી રવાના થયા અને ત્યાર બાદ હવે અમદાવાદ મ્યૂનિસિપલ કમિશનર વિજય નહેરાનો પણ વિવાદ ઉભો થયો તે ખુબ સૂચક છે. જો કે આ મામલે અચાનક મધ્યસ્થીની ભૂમિકામાં આવી ગયેલી પ્રદીપસિંહ જાડેજાએ કોર્પોરેટર્સને મનાવી લીધા હોવાનો દાવો તેમનું જુથ કરી રહ્યું છે. હવે પછી મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ બજાવતા આઈએએસ ચોક્કસ જુથના નિશાના ઉપર હોવાનું જાણવા મળી રહ્યું છે. છેલ્લાં આવેલા પેટા ચૂંટણીમાં ત્રણ બેઠકો ભાજપ જીતી હોવાનું ગુજરાત ભાજપ ભલે જશ્ન મનાવે પણ હાઈકમાન્ડ તેનાથી જરા પણ રાજી નથી જેના પગલે વિચારણમાં લેવામાં આવેલા ફેરફારમાં ગુજરાતની બાગડોર ફરી કોઈ પાટીદાર નેતાને સોંપવાની ચર્ચા ચાલી રહી છે.

સંભીવત મુખ્યમંત્રીના દાવેદાર અથવા પસંદગી થઈ શકે તેવામાં જેમને ગુજરાતમાં પાછા આવવાની ઈચ્છા છે તેવા આનંદીબહેન પટેલ પણ પ્રયત્નમાં છે. જો કે હવે હાઈકમાન્ડ તેમની ઉમંર અને અમિત શાહ સાથેના જુના વિવાદને કારણે આનંદીબહેનનું નામ વિચારે તેવી શકયતા બહુ ઓછી છે પરંતુ નરેન્દ્ર મોદીના સ્વભાવ પ્રમાણે  તેઓ કાયમ અનઅપેક્ષીત વ્યવહાર કરવા માટે જાણિતા છે તેનો લાભ આનંદીબહેનને મળે તો નવાઈ નહીં, આનંદીબહેન પટેલને જ્યારે હટાવવામાં આવ્યા ત્યારે નીતિન પટેલનું નામ નક્કી થઈ ગયું હતું અને નીતિન પટેલે તો પેંડા પણ વહેંચી દીધા હતા પણ છેલ્લી ઘડીએ અમિત શાહે બાજી બદલી અને રૂપાણી મુખ્યમંત્રી થઈ ગયા હતા, એટલે નીતિન પટેલની પણણ તીવ્ર ઈચ્છા મુખ્યમંત્રી થવાની છે પરંતુ ખાતાની ફાળવણી મુદ્દે તેમણે જે પ્રકારનું ત્રાગુ કર્યુ તે અમિત શાહ અને નરેન્દ્ર મોદી આટલી જલદી ભુલી શકે નહીં તેવું માનવામાં આવે છે, ત્યાર બાદના ક્રમે મનસુખ માંડવીયા પણ વિચારણમાં છે. તેઓ પણ સ્વભાવે સાલસ છે તેમની સાલસતા ગુજરાત ભાજપને કેટલો ફાયદો કરાવી શકે તે મદ્દે હાઈકમાન્ડ સ્પષ્ટ નથી.

ફાયર બ્રાન્ડ પાટીદાર નેતા પુરૂષોત્તમ રૂપાલા છે  તેઓ નરેન્દ્ર મોદીની ખાસ્સા નજીક છે, પણ  રૂપાલાને રાજકીય સમજ હોવી જોઈએ તેના કરતા વધારે સમજ ધરાવે છે, તે તેમનો માઈન્સ પોઈન્ટ છે તેમને  વહિવટ કરતા વિરોધીઓને સંભાળી લેતા પણ આવડે છે પણ હાઈકમાન્ડ અપેક્ષા કરતા વધુ લાયકાત વાળા મુખ્યમંત્રીની જરૂર છે કે નહીં તે કહેવું મુશ્કેલ છે. આવી જ સ્થિતિ દિવ-દમણના પ્રસાશક પ્રફુલ પટેલની છે તેઓ પણ નરેન્દ્ર મોદીના અંગતની યાદીમાં આવે છે. તેઓ ગુજરાત છોડી ગયા પણ તેમણે ગુજરાતના મામલો તરફ નજર કરવાની છોડી દીધી છે. તેઓ શાસન સંભાળી શકે છે તેવી નરેન્દ્ર મોદીને ખબર છે પણ પ્રફુલ પટેલ માટે અમિત શાહનો મત પણ અગત્યનો રહેવાનો છે. 2010માં પ્રુફલ પટેલ ગૃહરાજય મંત્રી રહી ચુકયા છે, જે પાટીદાર નેતાની વધુ સંભાવના રહેલી છે તેમાં મંત્રી કૌશીક પટેલનો ક્રમ ઉપર આવે છે.

કૌશીક પટેલ એકદમ પાર્ટી લાઈનના કાર્યકર અને અમિત શાહની વિશ્વાસુ છે, અમિત શાહની આંખ ફરે તેમની ઈચ્છા સમજી શકે તે પ્રકારના નેતા છે મીત ભાષી અને લોકોની વચ્ચે રહેવાવાળો નેતા છે. 2017માં અમિત શાહની વિધાનસભા બેઠક ઉપર તેઓ ચૂંટણી જીત્યા છે. પાટીદારોમાં પણ તેઓ બીન વિવાદાસ્પદ છે હાઈકમાન્ડ તેમના માથે રાજયની જવાબદારી સોંપે તેવી સંભના પ્રબળ છે, આ ઉપરાંત સંગઠનમાં પણ જીતુ વાઘાણીનું જવુ નિશ્ચીત છે પણ વાઘાણી હવે સરકારનો હિસ્સો બનવા માગે છે તેમની પ્રબળ ઈચ્છા ગૃહ વિભાગ મળે તેવી છે કારણ નવા ફેરફારમાં પ્રદીપસિંહ જાડેજા પાસેથી ગૃહ વિભાગ લઈ અન્ય વિભાગમાં બઢતી મળે તેવી છે પ્રદીપસિંહ જાણે છે કે પેટા ચૂંટણીમાં અમરવાઈડીમાં તેમની જે ભૂમિકા હતી તેનાથી  નરેન્દ્ર મોદી નારાજ છે જેના કારણે પ્રદીપસિંહ હાઈકમાન્ડની નજરમાં સતત પોતાની પ્રમાણિકતા સાબીત કરવાના પ્રયત્ન કરી રહ્યા છે., જો કે પ્રદીપસિંહ તેની આવડત સારી છે એટલે વાંધો આવશે નહીં વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદ્દી પણ કેબીનેટનો હિસ્સો થવા માગે છે પણ ભાજપ પાસે  અત્યારે રાજેન્દ્ર ત્રીવેદ્દી જેવા સક્ષમ અધ્યક્ષ નથી આમ રાજેન્દ્ર ત્રીવેદ્દીને તેમની જ કાબેલીયત મંત્રી બનતા અટકાવી રહી છે.