દેવલ જાદવ (મેરાન્યૂઝ.ગાંધીનગર): છેલ્લા 48 કલાકમાં ગુજરાતમાં રાજકીય નવાજુની થઈ જેના બીજ ઘણા લાંબા સમયથી રોપાયા છે. ગત બપોરે મુખ્યમંત્રી પદ પરથી વિજય રુપાણીએ રાજીનામું આપ્યું ત્યારથી જ નવા નામ પર ઘણી ચર્ચાઓ ચાલી હતી. જોકે હવે સત્તાવાર રીતે ભાજપ હાઈકમાન્ડ અને સ્થાનીક નેતાગીરીની સહમતી સાથે મુખ્યમંત્રી પદ માટે ભૂપેન્દ્ર પટેલ ના નામ પર મહોર લગાવી છે.

ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં ભાજપની સરકાર ચૂંટણી સહીતના કાર્યોમાં આગળ વધશે. ગુજરાત ભાજપ સંગઠનમાં નામના ધરાવતા ભૂપેન્દ્ર પટેલના નામ પર મહોર લગાવાઈ છે. ઉલ્લેખનીય છે કે, જ્યારથી વિજય રુપાણીએ રાજીનામું આપ્યું ત્યારથી ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે કોણ બિરાજમાન થશે તેની અટકળો લગાવાઈ હતી. કોઈએ કહ્યું રુપાલા, તો કોઈએ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાનું નામ આપ્યું. કોઈએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તો કોઈએ પ્રફુલ પટેલના નામની ચર્ચા કરી. કોઈએ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા તો કોઈએ જયેશ રાદડિયાનું પણ નામ આગામી મુખ્યમંત્રી તરીકે ચર્ચ્યું. જોકે ભાજપે મુખ્યમંત્રી તરીકેના નેતાની પસંદગી માટે ભૂપેન્દ્ર પટેલના નામ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે.

Advertisement


 

 

 

 

 

ભૂપેન્દ્ર પટેલની રાજકીય કારકિર્દી પર એક નાનકડી નજર કરીએ તો.. 2017માં પહેલી વખત ધારાસભ્ય બન્યા હતા. ઘાટલોડિયામાં તેમણે હાલની જ ચૂંટણીમાં સૌથી મોટી લીડ સાથે જીત મેળવી હતી. તેઓ ઘાટલોડિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે. અગાઉ તેઓ અગાઉ અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન પણ રહી ચુક્યા છે.

ગુજરાતમાં મુખ્યમંત્રી પદનું રાજીનામું આપી દીધા પછી વિજય રુપાણીએ જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે જ ભાજપના હાઈકમાન્ડનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. આ પછી ખુદ ભાજપના કદાવર નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાત્રે ગુજરાત આવી પહોંચ્યા હતા. અહીં વહેલી સવારથી જ વિવિધ ચર્ચાઓ વચ્ચે બેઠક શરૂ થઈ ત્યારથી જ સસ્પેન્સ અને વિવિધ ચર્ચાઓ થઈ રહી હતી. છેલ્લે છેલ્લે ચર્ચામાં આર સી ફળદુનું પણ નામ આગળ આવ્યું હતું.