પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): તમે આવું ઘણી વખત સાંભળ્યું હશે, જો તમે ચાલીસી વટાવી ગયા હશો તો તમે પોતે પણ આવું બોલતા હશો, આવું જેઓ પણ માને છે કે હવે પહેલા જેવું રહ્યું નથી અને નવી પેઢી પોતાના કામમાં ગંભીર નથી તો પહેલા આપણે તેમને સમજવાની જરૂર છે. હું ત્રીસ વર્ષ પહેલા પત્રકારત્વમાં આવ્યો ત્યારે મને કામ કરતો જોઈએ મારા અનેક સિનિયર મારા માટે આવું બોલતા હતા, આજે મારા સમવસ્યક પત્રકારો છે તેઓ નવી પેઢીના પત્રકારો માટે આવું બોલે છે, આવું માત્ર પત્રકારત્વમાં થયું નથી સરકારી ઓફિસોમાં, સ્કુલોમાં અને વ્યવસાયો સહિતના ક્ષેત્રોમાં પણ થયું છે. જેઓ ચાલીસી વટાવી ગયા છે તેમને સતત એવું લાગ્યા કરે છે કે પહેલા જેવું થતું નથી, જો તમે તેમને પુછો કે પહેલા શું થતું હતું અને હવે શું થતું નથી કદાચ તેઓ તમને સારી રીતે સમજાવી શકશે નહીં કારણ તેઓ પોતે આખી વાતને સારી રીતે સમજી શકયા નથી. જેના કારણે તેમના મનમાં થતી પીડામાંથી હવે પહેલા જેવું રહ્યું તેવા શબ્દો સરી પડે છે. 

ઘણી વખત માતા પિતા પોતાના બાળકોને કહે છે અમે તો પાંચ કિલોમીટર ચાલીને સ્કૂલે જતા હતા, હું તો કોલેજમાં આવ્યો ત્યારે પણ એમટીએસ બસમાં જતો હતો અને તમારે તો હવે ઘરની બહાર પગ મુકો એટલે તરત સ્કૂટર... મને લાગે છે આવુ દરેક ઘરમાં થાય છે. આપણને જે તકલીફો અને અગવડો પડી તે આપણા બાળકોને નથી પડી રહી તેનો આનંદ હોવો જોઈએ તેના બદલે આપણે જાતે જ આપણા બાળકોને જે સગવડો આપી છે તેનો આપણને આનંદ થવાને બદલે જાણે રંજ થઈ રહ્યો છે તેવુ ફલીત થાય છે. આમ ઘર હોય કે ઓફિસ, જુની પેઢીને સતત તેવું લાગે છે કે નવી પેઢી બરાબર નથી, પણ મારા અનુભવમાંથી મને ખબર પડી કે આવું ત્યારે જ થાય જ્યારે જુની પેઢી પોતાને અસુરક્ષીત સમજવા લાગે છે. ત્યારથી આ રંજની શરૂઆત થાય છે, આજે આપણે  જે કામ કરીએ છીએ તે ઉત્તમ કામ છે તેવુ આપણે દરેક પોતાના કામ માટે માનીએ છીએ.

સમય અને શરિર પોતાનું કામ કરે છે સમય આગળ વઘે છે અને શરિર ઘરડુ થવા લાગે છે. ત્યારે આપણા ઘર અને ઓફિસમાં નવા યુવાનો સામેલ થવા લાગે છે, નવા આવેલા યુવાન અને આપણી વચ્ચે એક જ ફર્ક છે કે આપણે તેના કરતા વહેલો જન્મ લીધો તે આપણી પહેલી લાયકાત છે અને પહેલી લાયકાતના ફળ સ્વરૂપે આપણી પાસે અનુભવનું ભાથુ છે. જે તેની પાસે નથી પણ સમય જતા તેની પાસે પણ તે ભાથુ આવવાનું છે, જ્યારે પણ કોઈ યુવાનની આપણા ઘર અથવા ઓફિસમાં એન્ટ્રી થાય છે તેની સાથે જુની વ્યકિતને એવું લાગે છે કે હમણાં સુધી તે એકલા હાથે જ બધુ સંભાળતો હતો અને ઘર અને ઓફિસમાં તેના કામને કારણે તેની નોંધ લેવાતી હતી. હવે તેની નોંધમાં ભાગ પડશે આ એક અજાણ્યો ડર હોય છે. જે ડર જુની પેઢીને યુવાનોથી દુર રાખે છે. નવી પેઢી અને જુની પેઢી તેવી સરખામણી ક્યારેય કરવી જોઈએ નહીં, જુની પેઢી પાસે અનુભવ છે તો નવી પેઢી પાસે સ્માર્ટ પ્રોફેશનાલીઝમ છે.

જ્યારે પણ નવી પેઢી આવે છે ત્યારે જુની પેઢી અજાણતા પોતાના અસ્તીત્વનો ડર લાગવા લાગે છે, એટલે જુની પેઢી પોતાની પાસે જે આવડત, સમજ અને કામ કરવાની કુનેહ છે તે નવી પેઢીને આપવા માગતી નથી અને સતત તમે કામમાં ગંભીર નથી, અમારા જમાનામાં તો આવી રીતે કામ કરતા હતા તેવું રટણ કર્યા કરે છે. આવુ મારી સાથે મારા સિનિયર્સે પણ કર્યું હતું પણ મારી મક્કમતાએ મને ટકાવી રાખ્યો અને એકલવ્યની જેમ હું કામ શીખતો ગયો, આજે આપણી આસપાસ આવા એકલવ્યોની ફૌજ છે. જુની પેઢી એવું માને કે અમે તેમને અમારા વિશ્વમાં પ્રવેશ કરવા દઈશું નહીં તો તે જીવનના ઉત્તાર્થની સૌથી મોટું ભુલ હશે. કારણ નવી પેઢી આપણે હતા તેના કરતા વધુ સજ્જ થઈને આવે છે. તે કોઈ પણ રીતે આપણા વિશ્વમાં દાખલ થવાની છે અને જ્યારે પણ આપણે તમને ખબર પડતી નથી તેવું કહીને રોકવાનો પ્રયત્ન કર્યો હશે તો તેઓ જ્યારે આપણા વિશ્વમાં દાખલ થશે ત્યારે ખરેખર આપણા જ અસ્તિત્વ સામે ખતરો ઊભો થશે.

જો આપણને લાગે છે કે આપણા ઘર અને ઓફિસમાં આપણે જે પણ કંઈ કરીએ છીએ તે ઉત્તમ છે તો તે ઉત્તમ કામ કાયમ જળવાઈ રહે તેવી આપણી ઈચ્છા તો રહેવાની છે. એટલે આપણી પાસે જે સમજ, જ્ઞાન આવડત  અને કુનેહ છે તે આવનારી નવી પેઢીને આપવી પડશે કારણ આપણે તેમને આપણો વારસો આપતા નથી તો આપણને તેમની સામે ફરિયાદ કરવાનો પણ અધિકાર નથી.

આપણી સંસ્કૃત ભાષા ઉપર બ્રાહ્મણોએ એકાધિકાર રાખ્યો ના હોત તો આજે સંસ્કૃત જીવીત રહી હોત પણ સંસ્કૃત બ્રાહ્ણણો શીખી શકે તેવા એકાધિકારને કારણે સંસ્કૃત ભાષા જાણનાર શોધ્યો જડતો નથી. ઘરમાં પણ નવી વહુ આવે ત્યારે સાસુને અજાણ્યો ડર લાગે છે કે જે પુત્ર માટે પોતે જ વહુ શોધે છે તે જ વહુ પોતાનું સ્થાન લઈ લેશે તેવું તે માને છે. ઓફિસ હોય કે ઘર સાસુ-વહુનો ખેલ સતત ચાલ્યા કરે છે. જે પ્રેમથી છોડવા તૈયાર થાય છે તે ક્યારેય ગુમાવતો નથી અને જે છોડવા માગતો નથી તેની પાસે ક્યારેય કંઈ રહેતુ નથી.