મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાની સ્થિતિ કાબુ બહાર જઈ રહી જોતા આજે સવારે જ ગુજરાત હાઈકોર્ટે સરકારને થોડા દિવસ માટે લોકડાઉન લાદવાનો નિર્દેશ કર્યો હતો. જે માટે આજે મુખ્યમંત્રી સહિતના નેતાઓની કોર કમિટિ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. અગાઉ દિવાળી દરમિયાન લોકોને મળેલી છૂટછાટે કોરોનાને હાથમાંથી સરકાવી દીધો હતો તો આ વખતે ચૂંટણી અને અન્ય કાર્યક્રમોના તાયફાઓએ ફરી સ્થિતિ બેકાબૂ બનાવી દીધી છે. 

ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, જામનગર, જુનાગઢ, ભાવનગર, નડિયાદ, આણંદ, મહેસાણા, મોરબી, પાટણ, દાહોદ, ગાંધીધામ, સુરેન્દ્રનગર, ભૂજ, ગોધરા, અમરેલી અને ભરૂચમાં હવેથી રાત્રીના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીનો કરફ્યૂ લાદવામાં આવ્યો છે.

ગુજરાતમાં લાદવામાં આવેલા કરફ્યૂ મામલે થયેલી કોર કમિટિની બેઠક અને નિર્ણયો અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ચર્ચા કરવામાં આવી હતી. તેમના માર્ગદર્શન હેઠળ આ નવા નિયમો તૈયાર કરવામાં આવ્યા હોવાની જાણકારી મળી રહી છે. જેમાં હવેથી લગ્ન સમારંભમાં પણ 100 વ્યક્તિઓને જ પરવાનગી આપવામાં આવી છે એમાં પણ કરફ્યૂના સમયગાળા દરમિયાન લગ્ન, સત્કાર સમારંભ કે અન્ય કાર્યક્રમો યોજવાની સખ્ત મનાઈ ફરમાવાઈ છે. 10મી એપ્રિલથી યોજાનારા લગ્ન અને સત્કાર સમારંભમાં આ નિયમ લાગુ પડશે.  જોકે આજે સવારે જ્યારે હાઈકોર્ટે લોકડાઉન માટે નિર્દેશ કર્યો ત્યારથી જ કેટલાક લોકો માર્કેટમાં પોતાની જરૂરી ચીજો માટે દોડ લગાવી દીધી હતી જેને કારણે ક્યાંક ક્યાંક લાઈનો જોવા મળી હતી. તેઓમાં લોકડાઉનનો ભય જોવા મળી રહ્યો હતો પરંતુ ગુજરાત સરકારના હાલના આદેશમાં સ્પષ્ટ છે કે આ લોકડાઉન નથી. સરકારે ધંધાઓ, રોજગાર અને કોરોનાની ગંભીરતા બધી બાબતો વિચારીને આ નિર્ણય કર્યો છે.

આ ઉપરાંત તા. 7મીથી 30 મી એપ્રિલ દરમિયાન રાજકીય, સામાજીક અને અન્ય મેળાવળા પર પણ સંપૂર્ણ રોક લગાવાઈ છે. મોરવા હડફ વિધાનસભા પેટા ચૂંટણી અને ગાંધીનગર મહાનગરપાલિકા મતવિસ્તારમાં ચૂંટણીઓ દરમિયાન ચૂંટણી પંચની માર્ગદર્શિકાનું અને સૂચનાઓનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. ગુજરાતની ખેત ઉત્પાદન બજાર સમિતિઓ (એપીએમસી)માં પણ કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરવાનું રહેશે. 30મી એપ્રિલ સુધી તમામ સરકારી કચેરીઓ તમામ શનિ અને રવિવારે બંધ રહેશે.  સરકારી કચેરીઓમાં ખુબ અગત્યની કામગીરી હોય તો જ મુલાકાતીઓએ પ્રવેશ કરવાનો રહેશે. કોઈપણ મેળાવડામાં 50થી વધુ વ્યક્તિ એકત્ર થઈ શકશે નહીં અને સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક સહિતની ગાઈડલાઈન્સનું તો પાલન કરવું ફરજિયાત જ છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે એપીડેમીક ડિસીઝ એક્ટ 1897 મુજબ કાર્યવાહી થશે.