પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): અમદાવાદના પોલીસ કમિશનર અનુપકુમાર સિંગને ભારત સરકારે નેશનલ સીકયુરીટી ગાર્ડના ડીજીપી તરીકે નિયુકત કરવાનો નિર્ણય કરતા હવે અમદાવાદ પોલીસ કમિશનરનું પદ ખાલી પડી રહ્યું હતું, ગુજરાત કેડરમાં આઈપીએસ તરીકે સામેલ થનાર તમામ આઈપીએસની ઈચ્છા હોય છે કે એક વખત અમદાવાદના પોલીસ કમિશનર થવું જોઈએ, અમદાવાદ પોલીસ કમિશનર થવા માટે ભુતકાળમાં અનેક કાવાદાવાઓ પણ થયા છે, પરંતુ હવે એ કે સિંગની ખાલી પડેલી જગ્યા ઉપર ગુજરાત સરકારે નિર્વિવાદ અને પોતાના કામ પ્રત્યે પ્રમાણિક 1985 બેંચના સિનિયર આઈપીએસ અધિકારી આશીષ ભાટીયાને અમદાવાદ પોલીસ કમિશનર તરીકે મુકવાનો નિર્ણય લઈ લીધો છે. ગૃહખાતુ આ અંગેની જાહેરાંત આજે ધનતેરસના દિવસે કરી છે. જો કે સમસ્યા એવી છે કે હાલમાં આશીષ ભાટીયા ગુજરાત સીઆઈડી ક્રાઈમના ડીજીપી તરીકે ફરજ બજાવતા હતા અને વર્ષોથી સુસ્ત થઈ ગયેલી સીઆઈડી આશીષ ભાટીયાને જીવંત બની છે અને હાલમાં તેઓ અનેક મહત્વના કેસ સંભાળી રહ્યા છે તે ચાર્જ પણ હાલ ચાલુ રહેશે.

સ્વભાવે સાલસ, ઓછું બોલનાર આઈપીએસ અધિકારી આશીષ ભાટીયાની તેમના કામને કારણે નોંધ લેવી પડે તેવી સ્થિતિ તેમણે નિર્માણ કરેલી છે. રાજકીય પક્ષોના કાવાદાવાથી દુર અને કોઈ પણ નેતાના આશ્રીત રહેવાને બદલે માત્ર આઈપીસી અને સીઆરપીસી પ્રમાણે કામ કરવાની તેમની ટેવ છે, આમ તેઓ પોતાને રાજનેતાઓથી અળગા રાખી શકયા છે, પરંતુ કાયદો અને વ્યવસ્થા જાળવવી હોય તો કયારેક સરકારનો આદેશ નહીં સાંભળતા અધિકારીને પણ મુકવા પડે તેવું સમજતી સરકારે આશીષ ભાટીયાના માથે અમદાવાદ પોલીસ કમિશનરનો ભાર મુકવાનો નિર્ણય કર્યો છે. આશીષ ભાટીયાની નિમણુખ સાથે ગુજરાત પોલીસ દળમાં વધુ કેટલાંક ફેરફાર થશે, તેમાં સુરતના એડીશનલ પોલીસ કમિશનરની ખાલી પડેલી જગ્યાઓ ભરવા સહિત વલસાડના એસપી સનીલ જોશીને ગુજરાત એટીએસમાં મુકવામાં આવશે જયારે હાલમાં અમદાવાદમા ડીસીપી ક્રાઈમ તરીકે ફરજ બજાવતા દિપેન ભદ્રનને વધુ એક વર્ષ સુધી ક્રાઈમ બ્રાન્ચમાં રાખવાનો નિર્ણય લેવાયો છે.

જ્યારે ડાંગના એસપી શ્વેતા શ્રીમાળીને સ્ટેટ મોનીટરીંગ સેલના એસપી તરીકે મુકવામાં આવશે તેમ પણ જાણવા મળી રહ્યું છે. આમ અગામી દિવસમાં અંદાજે અડધો ડઝન કરતા વધુ આઈપીએસ અધિકારીઓની ફેરબદલ કરવામાં આવશે ખાસ કરી ડીઆઈડી કક્ષાના અધિકારીઓની ફેરબદલની શકયતા વધારે છે.