મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈ: મહારાષ્ટ્રના પંઢરપુર -મંગલવેધ વિધાનસભા મત વિસ્તારના રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના ધારાસભ્ય ભરત ભાલકેનું શનિવારે પૂણેની રૂબી હોસ્પિટલમાં નિધન થયું હતું. તેમને કોવિડ -19 પછીની સમસ્યાઓની સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. 30 ઓક્ટોબરના રોજ કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો. ત્યારબાદ તેમને રૂબી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ ચાર દિવસમાં સ્વસ્થ થઈ ગયા હતા અને તેમના ઘરે પરત ફર્યા હતા.

આ પછી તે કિડનીની સમસ્યાથી પીડિત થયા હતા. આ કારણે તેમની હાલત કથળતી ગઈ હતી અને તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. શુક્રવારે એનસીપી અધ્યક્ષ શરદ પવારે હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને ભાલકેની સ્થિતિ વિશે પૂછપરછ કરી હતી.

પંઢરપુર -મંગલવેધ બેઠકથી સતત ત્રણ વખત વિજય 

60 વર્ષના ભાલકેનું મોત એનસીપીને આંચકો સમાન છે. તેઓ સતત ત્રણ વખત પંઢરપુર-મંગલવેધ વિધાનસભા મત વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ભાલકે 2019 માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઇ ગયા હતા, પરંતુ ટિકિટ મળી નહોતી. ત્યારબાદ તે એનસીપીની ટિકિટ પર લડ્યા અને વિજય મેળવ્યો. ભાલકેનું અંતિમ સંસ્કાર રવિવારે પંઢરપુરના સરકોલી ખાતે કરવામાં આવશે.