મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ મહારાષ્ટ્રમાં રાજકીય રસાકસી વચ્ચે ભાજપાએ બાજી મારી દીધી છે. એક તરફ ભાજપે જ્યારથી શિવસેના અલગ સરકાર બનાવવાની વાત કરતી હતી ત્યારથી જ પોતે સરકાર નહીં બનાવવાનું મન બનાવી ચુકી હોવાનું રટણ કર્યું હતું ત્યાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસ સરકાર બનાવવા માટે મથી રહ્યા હતા. દરમિયાન ગવર્નરના સરકાર રચવાના આમંત્રણમાં પણ કોઈની સરકાર રચાઈ નહીં. આખરે આજે ભાજપે બાજી મારતા એનસીપી સાથે હાથ મિલાવીને પોતે જ સરકાર બનાવી દીધી છે. જેમાં મુખ્યમંત્રી બનેલા દેવેન્દ્ર ફડણવીશે આજે સવારે રાજભવનમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના શપથ બીજી વાર લીધા તો સાથે જ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના અજિત પવારને પણ ઉપમુખ્યમંત્રીનું પદ આપવામાં આવ્યું છે. જે સાથે જ શિવસેનાના ઉદ્ધવ ઠાકરેનું સપનું તૂટી ગયું છે.

ફડણવીશે મુખ્યમંત્રી પદના શપથ લીધા પછી કહ્યું કે, મહારાષ્ટ્રની જનતાએ અમને સ્પષ્ટ જનાદેશ આપ્યો હતો, શિવસેનાએ જનાદેશનું અપમાન કર્યું છે. મહારાષ્ટ્રની જનતાને સ્થિર અને સ્થાઈ સરકાર જોઈએ છે. ખિચડી સરકાર નથી જોઈતી. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રના ઉજવળ ભવિષ્ય માટે એનસીપી સાથે મળીને કામ કરીશું.

ત્યાં શરદ પવારે કહ્યું કે, ભાજપા સાથે સરકાર બનાવવાનો અજિત પવારનો નિર્ણય તેમનો અંગત છે. આ એનસીપી પાર્ટીનો નિર્ણય નથી. શરદ પવારે ટ્વીટ કરીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે ભાજપને સમર્થન આપવાના અજિત પવારના નિર્ણયને તેમનો ખાનગી નિર્ણય ગણાવ્યો છે, આ રાકાંપાનો નિર્ણય નથી. અમે આ સ્પષ્ટ કરી દેવા માગઈએ છીએ કે અમે આ નિર્ણયનું સમર્થન કરતાં નથી.

આ પહેલા કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અભિષેક સિંઘવીએ કહ્યું કે, કોંગ્રેસ, શિવસેના અને રાકાંપાને ત્રણ દિવસોમાં જ વાતચિત પુરી કરી લેવી જોઈતી હતી. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મહારાષ્ટ્રમાં બનેલી નવી સરકારને શુભકામનાઓ સોશ્યલ મીડિયા થકી પાઠવી છે. ઉલ્લેખનીય છે કે અજિત પવાર આ રાતોરાત બનેલી સરકારમાં સૌથી મોટો ભાગ ભજવી ગયા છે.