મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ હાલમાં જ લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગઈ છે. કોંગ્રેસે પણ પોતાના ઉમેદવારોના બે લીસ્ટ જાહેર કર્યા છે. લોકસભા ચૂંટણી 2019 માટે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ (એનસીપી) તેના 12 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં બારામતીથી એનસીપી અધ્યક્ષ શરદ પવારની દીકરી સુપ્રિયા સુલે અને સતારાથી છત્રપતિ શિવાજી મહારાજના વંશજ ઉદયનરાજે ભોસલેને ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે.

મહારાષ્ટ્રમાં લોકસભાની કુલ બેઠકો 48 છે. જેમાંથી NCPએ ગુરૂવારે 12 સીટો પર તેના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જો કે એનસીપીનું કોંગ્રેસ સાથે રાજ્યમાં ગઠબંધનની કોઇ વાત હજી સુધી જાહેર કરવામાં આવી નથી. અહેવાલ મુજબ એનસીપીએ મહારાષ્ટ્રની રાયગઢ લોકસભા બેઠકથી સુનીલ તટકરે, કોલ્હાપુરથી ધુંજય માદિક, બુલઢાણાથી રાજેન્દ્ર શિંગને, જલગાંવથી ગુલાબરાવ દેવકર, પરભણીથી રાજેશ મિતેકર, મુંબઈ નોર્થ ઈસ્ટથી સંજય દિના પાટિલ, ઠાણેથી આનંદ પરાંજપે, કલ્યાણથી લોકસભા સીટ માટે બાબાજી બલરામ પાટિલને પાર્ટીના ઉમેદવાર બનાવ્યા છે. આવનારા દિવસોમાં NCP વધુ ઉમેદવારોના નામ જાહેર કરે તેવી શક્યતાઓ છે જેમાં ગુજરાતની બેઠકોનો પણ સમાવેશ કવામાં આવે તેવી શક્યતાઓ છે. આપને જણાવી દઈએ કે, ગઇ લોકસભા ચૂંટણી-2014માં NCPને ફક્ત 4 લોકસભા બેઠકો પરથી વિજય મળ્યો હતો.