મેરાન્યૂઝ નેટવર્ક.નવસારીઃ નવસારીના ગણદેવી તાલુકાના એક ગામની બે બહેનો સાથે તાંત્રિકે તાંત્રિક વિધિ કરવાને નામે દુષ્કર્મ કરતાં બંને બહેનો ગર્ભવતી થઈ ગઈ છે. એક યુવતી અને એક સગીર વયની દીકરી સાથે તાંત્રિકે દુષ્કર્મ કરતાં બંને બહેનોના પિતાએ પોલીસને જાણ કરી તાંત્રિક સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે તાંત્રિક અને તેના બે સાગરિતો સામે કાવતરું ચરવા, અપહરણ, દુષ્કર્મ અને પોક્સો એક્ટ અંતર્ગત ગુનો નોંધી તેમને પકડી પાડયા છે.

ચા-નાસ્તાની લારી ચલાવી પોતાના પરિવારનું પેટીયું રળતા ગણદેવી તાલુકાના એક ગામના રહેવાસી વ્યક્તિ થોડા મહિનાઓ અગાઉ સુરેશ રામસેવક પટેલ (ઉં. 30) (રહે. માણેકપોર, ચીખલી) તાંત્રિક લાખાપોર તા. તલોદ. નંદુરબાર, મહારાષ્ટ્રના વિષણું મહરાજ ઉર્ફે વિષણું ચતુર નાઈક (ઉં. 37)ની પાસે લઈ ગયો હતો. તે વ્યક્તિએ પોતાની પરિણિત દીકરીની સમસ્યા અંગે જણાવતા તાંત્રિકે તેના હલ પ્રમાણે વિધિ કરવી પડશે અને 50 હજારનો ખર્ચ થશે તેવું કહ્યું હતું.

તાંત્રિકની વાત માની પોતાની દીકરીની સુખાકારીમાં અંધ થઈ ગયેલા વ્યક્તિએ પોતાની દીકરીને તાંત્રિક પાસે મુકી તંત્રિકના એકાઉન્ટમાં 49500 રૂટપિયા પણ ટ્રાન્સફર કર્યા હતા. તાંત્રિક વિષ્ણુંએ દીકરી સાથે વિધિના બહાને દુષ્કર્મ આચર્યું હતું. જેટલા દિવસ સુધી દીકરી તેની પાસે રહી તેણે તેટલી વાર તેના પર દુષ્કર્મ કરવાનું ચાલુ રાખ્યું હતું.


 

 

 

 

 

થોડા દિવસ થયા પછી પિતા દીકરીને પાછી લેવા આવ્યા ત્યારે તાંત્રિકે કહ્યું કે અમુક વિધિ બાકી છે તેના માટે ફરી લઈને આવજો તેવું કહ્યું હતું. શરમ અને ગભરાહટને કારણે દીકરીએ દુષ્કર્મની વાત પરિવારને કરી નહીં. થોડા દિવસો ગયા અને વિષ્ણુએ ફરી દીકરીને બોલાવી, પણ આ વખતે દીકરીએ જવાની ના પાડી. જોકે તાત્રિકે વિધિ પુરી નહીં થાય તો મુશ્કેલી થશે તેવું કહી ડરાવ્યા જેને કારણે વિષ્ણું પાસે પિતા દીકરીને ફરી લઈ ગયા.

તાંત્રિક વિષ્ણું માત્ર તેની સાથે જ નહીં પણ સગીર વયની દીકરીને તાંત્રિક વિધિને બહાને અને તેની સાથે લગ્ન કરશે તેવો વિશ્વાસ આપી તેને પણ દુષ્કર્મનો ભોગ બનાવી હતી. તાંત્રિકે તે 17 વર્ષની દીકરીને કહ્યું કે, તારા પિતા ઘર માટે કેટલું કરે છે, તમારા ઘર પર શેતાનની છાયા દુર કરવા વિધિ કરવાની છે. તેમાં તારે પાર્વતી અને મારે મહાદેવ શંકરજી બની લગ્ન કરવાના છે પછી શેતાન ભાગશે તેવી વાતો કરીને દીકરીને ફસાવી લીધી. તેને નવવધુ જેવો શણગાર કરાવ્યો અને પોતે મહાદેવ જેવું રુપ ધારણ કર્યું, પછી બનાવટી લગ્ન કર્યા અને પતિ પત્ની છીએ તો સુહાગ રાત કરીએ તેમ કહી પોતાની હવસ સંતોષી હતી.

જોકે બાદમાં બંને દીકરીઓ ગર્ભવતી બનતા આખો મામલો સામે આવ્યો અને તાંત્રિક વિષ્ણું, તેનો સાગરિત સુરેશ પટેલ અને અબ્દુલ પઠાણની સંડોવણી હવે બહાર આવી. બનાવને પગલે પિતાએ પોલીસને જાણ કરતાં પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી ત્રણેયને પકડી પાડ્યા હતા. આ શખ્સો પૈકીનો અબ્દુલ નવસારીમાં જ રહે છે.