મેરાન્યૂઝ નેટવર્ક.નવસારીઃ નવસારી ખાતેના બિલિમોરા નજીકથી રૂ.3.50 કરોડની જુની ચલણી નોટો સાથે 4 શખ્સો પકડાયા છે. ઉલ્લેખનીય છે કે નોટબંધી લાગુ કરાયાને બે વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો છે છતાં જુની નોટો પકડાવાનો સિલસિલો અટકતો જ નથી, જેનાથી ચર્ચાઓ ઉઠી છે કે ક્યાંક કેટલીક ટોળકી છે કે જે જુની નોટો કમિશન કે ભાગ મુજબ બદલી આપવાનું કહી લોકોને લલચાવતી હશે કે પછી શું ખરેખર ક્યાંક નોટો બદલાતી પણ હશે? વગેરે ચર્ચાઓ વચ્ચે પોલીસે આ શખ્સો સામે વધુ કાર્યવાહી ચાલુ કરી છે. જોકે પોલીસ નોટો ક્યાં બદલવાના હતા, કોણ તેમને મદદ કરવાનું હતું વગેરે શખ્સો સુધી પહોંચી શકશે કે કેમ તે એક પ્રશ્નનો જવાબ આવનારા સમયમાં જ મળી શકશે?

બિલિમોરા પાસે ઉંડાય ગામ નજીકથી કારમાં આ શખ્સો 3.50 કરોડની જુની નોટો લઈને જઈ રહ્યા હતા. મોડી રાત્રે ચારે શખ્સો પોલીસના હાથે લાગ્યા હતા. બાબત એવી હતી કે નવસારીમાં એલસીબી પોલીસ રાત્રીના સમયે પેટ્રોલીંગમાં હતી ત્યારે આ ચાર શખ્સો જુની નોટો સાથે ત્યાંથી પસાર થયા હતા. પોલીસને જોકે અગાઉથી જ આ શખ્સો અંગે બાતમી હતી જ. પોલીસે બાતમી આધારેની આ કારને રોકી તેની તપાસ કરી તો તેમાંથી રૂ.500ની 43400 અને 1000ની 13432 નોટો મળી કુલ રૂ. 3,50,82,000નું જુનુ રદ્દ કરાયેલું ચલણી નાણું મળી આવ્યું હતું.

પોલીસે આ શખ્સોને તુરંત ઝડપી પાડ્યા હતા. કારમાં જૂની ચલણી નોટની હેરાફેરી કરનાર જીતેન્દ્ર પાણીગ્રહી, મહમદ મોબીન(મુંબઈ), ફકીર મોટરવાલા(જલાલપોર) અને અલતાફ શેખ(વલસાડ)ની અટક કરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આરોપીઓની ધરપકડ કરી નોટ ક્યાથી લાવ્યા હતા? અને કોને આપનાર હતા એ રેકેટને શોધવા માટે કવાયત હાથ ધરી છે.