મેરાન્યૂઝ નેટવર્ક.નવસારીઃ રાજયના કેટલાંક વિસ્તારોમાં  કહેવાતા પત્રકારો અને પોલીસ સાથે મળી તોડ કરતા હોવાની હકિકત બહાર આવી છે, પોલીસના ખબરી તરીકે કામ કરતા કહેવાતા પત્રકારો પોલીસને ખબર પહોંચાડે અને પછી કહેવાતા પત્રકારો અને પોલીસ ટોળી બનાવી તોડ કરવા પહોંચી જાય છે. આવી જ એક ઘટના નવસારીમાં બહાર આવી છે. જેમાં નવસારીના એલસીબીના કોન્સટેબલ જેની સજા રૂપે ડાંગમાં બદલી થઈ ગઈ હોવા છતાં તેણે કહેવાતા પત્રકારો સાથે મળી મૂળ અમેરિકાની સર્વેલન્સ કંપની જેની નવસારીમાં બ્રાન્ચ છે તેનો તોડ કર્યો હતો. આ કામમાં નવસારીના મહિલા પીએસઆઈ પણ ભાગીદાર બન્યા હતા. જો કે મહિલા પીએસઆઈ એક આઈપીએસ અધિકારીના સગા થતાં હોવાને કારણે પોલીસે પરાણે નોંધેલી ફરિયાદમાં મહિલા પીએસઆઈને બાદ કરતા પોલીસ સહિત કહેવાતા પત્રકારો મળી છ વ્યકિતઓ સામે ગુનો નોંધાયો છે.

ઘટના તા 17 ઓકટોબરની છે. નવસારીના સયાજી રોડ ઉપર આવેલી આઈ વર્યુઅલ સર્વેલન્સ કંપનીમાં રાતના એક વાગ્યાના સુમારે અગાઉ નવસારી ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પોલીસ કોન્સટેબલ ઉમેશ મીશ્રા અને તેની સાથે કહેવાતા પત્રકાર મહેરનોશ ખંભાતા, હાર્દિક અજમેરા, અતુલ રાઠોડ અને પત્રકાર ખંભાતાનો માણસ આમ કુલ છ વ્યકિતઓ કંપનીમાં આવી કંપના સંચાલક પાર્થ પટેલને ગાળો આપી તોડ ફોડ શરૂ કરી કોલ સેન્ટર ચલાવો છો કહી ધમકી આપવાની શરૂઆત કરી હતી. પાર્થ પટેલે તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો કે તેઓ કોલ સેન્ટર ચલાવતા નથી પણ અમેરિકન સર્વેન્સ કંપની છે. જેની આ બ્રાન્ચ છે. આમ છતાં ક્રાઈમ બ્રાન્ચના સજાના ભાગ રૂપે ડાંગ મુકવામાં આવેલા કોન્સટેબ ઉમેશે આતંક બચાવ્યો હતો.

જ્યારે સાથે આવેલા પત્રકાર ખંભાતાએ પાર્થને ધમકી આપી હતી કે કેસ થશે તો તકલીફ થશે તેમ કરી રૂપિયા 20 લાખમાં પતાવવાની વાત કરી હતી. પાર્થનને તેમને કહ્યું હતું આ અમેરિકાની કંપની છે જેના માલિક નીશાંત ગર્ગ છે અને તેઓ અમેરિકામાં છે, એટલે કોન્સટેબલ ઉમેશે નીશાંત ગર્ગનો ફોન નંબર લઈ તેમની સાથે ધમકીભરી વાતો શરૂ કરી હતી. આ દરમિયાન ઉમેશને ખ્યાલ આવ્યો કે ઓફિસમાં સીસી ટીવી કેમેરા છે એટલે તેણે તરત સાથે રહેલી વ્યકિતઓની કેમેરાના વાયર કાપી નાખવાનો આદેશ આપ્યો હતો. જો કે આ આખી ઘટના અમેરિકામાં બેઠેલા નીશાંત ગર્ગ જોઈ રહ્યા હતા. આ દરમિયાન કોન્સટેબલ ઉમેશે એલસીબીના પીએસઆઈ મીતા જોશીને ફોન કરતા તેઓ પણ પાર્થ પટેલની ઓફિસમાં આવ્યા હતા અને તેમણે પણ પાર્થને ધમકાવ્યો હતો.

જો કે પાર્થે પીએસઆઈ મીતા જોશીને સમજાવ્યા હતા કે આ કંપની કાયયદેસરની છે અને તેના કાગળો પણ છે. પાર્થે તેમને જરૂરી દસ્તાવેજ પણ બતાવ્યા હતા. જો કે મીતા જોશી ત્યાંથી નિકળી ગયા પરંતુ તેમણે ત્યાં રહેલા પત્રકારો અને પોલીસને ત્યાંથી જતા રહેવાનો આદેશ આપ્યો ન્હોતો. ત્યાર બાદ પૈસાની વાટાઘાટો શરૂ થઈ હતી વાત દોઢ લાખ ઉપર આવી હતી. જો કે પાર્થ પાસે ત્યારે પૈસા જ ન્હોતા આથી ઉમેશે એટીએમમાંથી પૈસૈ ઉપાડી લેવાનો આદેશ આપતા રાતના પાર્થ દ્વારા એટીએમમાંથી 25 હજાર ઉપાડી આપ્યા હતા. આ ઘટનાથી પાર્થ ખુબ ડરી ગયા હતા પણ અમેરિકામાં બેઠેલા નીશાંત ગર્ગે આ અંગે સંબંધીત અધિકારીઓને જાણ કરતા પાર્થની માત્ર અરજી લઈ પોલીસ અરજી અરજી રમી રહી હતી. કારણ મીતા જોશી આઈપીએસ અધિકારીના સગા છે.

આ દરમિયાન રજા ઉપરથી પરત ફરેલા રેન્જ આઈજીપી રાજકુમાર પાંડીયનના ધ્યાન ઉપર આ અરજી આવતા તેમણે ગુનો નોંધવાનો આદેશ આપ્યો હતો. જેના આધારે કોન્સટેબલ મીશ્રા અને કહેવાતા પત્રકારોની ટોળી સામે ગુનો નોંધાયો છે. જો કે પોલીસે સીફતપુર્વક મીતા જોશીનું નામ ફરિયાદમાંથી કાઢી નાખ્યું છે, જો કે ફરિયાદ નોંધાઈ તેની સાથે મીતા જોશીની ક્રાઈમ બ્રાન્ચમાંથી ટાઉન પોલીસ સ્ટેશનમાં બદલી કરી દેવામાં આવી છે. પાર્થ પટેલની અરજી સાથે ફોટો અને વીડિયો પણ રજુ કર્યા જેમાં પીએસઆઈ મીતા જોષી, પોલીસવાળા અને પત્રકારો સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.