પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): સમાચારનું વિશ્વ મોટું બનતું જાય છે, સમાચારની ગળાકાપ હરીફાઈમાં આપની આસપાસના સામાન્ય માણસો ભુલાતા જાય છે. રાજનેતા, અધિકારીઓ અને સેલિબ્રિટી સમાચારનું કેન્દ્રબિંદુ બનતા જાય છે. જગતમાં ખરાબ થાય છે તેના કરતાં અનેક ઘણું સારું વિશ્વભરમાં આપણી આસપાસ બનતું હોય છે અને કદાચ સારી ઘટનાઓ અને સારા માણસોને કારણે જ વિશ્વ હજુ ટક્યું છે.

એક સારી ઘટના અથવા એક સારી બાબત એક માણસના જીવનમાં પણ ઉત્તમ કામ કરી જાય છે. આવો જ એક પ્રયાસ ગાંધીજી સ્થાપિત નવજીવન ટ્રસ્ટ કરી રહ્યું છે. નવજીવન ટ્રસ્ટ અમદાવાદની સાબરમતી જેલમાં કેદીઓના શિક્ષણ, રોજગાર અને પુનઃસ્થાપનમાં અનેક પ્રયાસ અને પ્રયોગ કરી રહ્યું છે. તેની સાથે છેલ્લા બે વર્ષથી ગાંધીજીએ 100 વર્ષ પહેલા શરૂ કરેલા પત્રકારત્વના માર્ગે નવજીવને સ્કૂલ ઓફ જર્નાલિઝમ પણ શરૂ કરી છે. જેનો ઉદ્દેશ સારા પત્રકાર તૈયાર કરવાની સાથે સારો માણસ બનાવવાનો પણ છે.

જાયન્ટ મીડિયા હાઉસીસની સામે નવજીવનનો એક પ્રયાસ ખુબ જ નાનો છે છતાં એક જુદા જ પ્રકારના પ્રયોગ તરફ નવજીવન આગળ વધ્યું અને નક્કી થયું છે કે રોજ બરોજ બનતી ઘટનાઓને બદલે રોજબરોજ આપણી આસપાસ બનતી સારી ઘટનાઓ જેની કદાચ લોકોને ખબર સુદ્ધા પડતી નથી તેવી ઘટનાઓને લોકો સુધી પહોંચાડવી. ખરાબ ઘટનાના સમાચાર સોળ પગે દોડે છે, પણ સારી ઘટનાઓને માધ્યમમાં સ્થાન મળતું નથી અથવા જુજ મળે છે. નવજીવન એક એવા પોર્ટલનો પ્રારંભ કરી રહ્યું છે જેનું સંચાલન સાબરમતી જેલના કેદીઓ અને નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમના વિદ્યાર્થીઓ કરશે. 

નવજીવનના મેનેજીંગ ટ્રસ્ટી વિવેક દેસાઈ કહે છે કે આ એક જુદા જ પ્રકારનો પ્રયોગ છે જેમાં સ્ટારડમ નહીં હોય પણ આસપાસ રહેલા એવા સ્ટાર્સ કે જેમને આપણે કદી ઓળખ્યા નથી તેવા સ્ટાર્સને અહીં સ્થાન મળશે. નવજીવનનું આ પોર્ટલ એ માત્ર સિમિત લોકોનું જ નહીં પણ સમાજમાં સારું કરનાર અને સારાની જાણકારી આપનાર તમામ તેના હિસ્સેદારો છે. આ એક સામુહીક પ્રયાસ છે જેમાં અમારે અનેક લોકોનો સહયોગ જોઈશે. ગાંધીના શબ્દોમાં લોકોના જીવનમાં બદલાવ લાવવાનો આ એક પ્રયાસ છે.

સાબરમતી જેલમાં કેદી તરીકે રહી ચુકેલો મિલન ઠક્કર અને મિલન જેવા હજારો યુવાનો સમય અને સંજોગના શિકાર બની જેલની ઊંચી દીવાલોની પાછળ પહોંચી જાય છે. સમાજ અને પોતાના સાથેનો નાતો વર્ષો સુધી તૂટી જાય છે. કેદી જ્યારે પોતાની સજા પુરી કરી બહાર નીકળવાનો હોય છે ત્યારે તેના માટે સૌથી મોટો પ્રશ્ન સમાજની સ્વીકાર્યતાનો હોય છે.

સત્યમાં ગજબની તાકાત હોય છે, આવું આપણે અનેક વખત સાંભળ્યું છે પણ વર્તમાન સમયમાં તે શબ્દો પર ભરોસો કરવો મુશકેલ છે પણ મિલન સાબરમતી જેલમાં ગાંધી અને પત્રકારત્વ ભણ્યો અને ગાંધીના શબ્દોમાં રહેલી સચ્ચાઈ તેને સ્પર્શી ગઈ. અમદાવાદ સેશન્સ કોર્ટે તેને દસ વર્ષની સજા ફટકારી હતી. ગાંધીને વાંચ્યા અને અનુભવ્યા પહેલા પોતે નિર્દોષ હોવાનું રટણ કરતા મિલને ગુજરાત હાઈકોર્ટમાં હાજર થઈ અરજ કરી અને કહ્યું હું ગુનેગાર છું, મેં પૂર્વયોજીત ગુનો કર્યો છે. મને તેના પરિણામ અને સજાની ખબર હતી. હું મારી નિર્દોષતાના કોઈ દાવા કરતો નથી. મારી ઉંમર અને ઘરે રહેલા વૃદ્ધ માં-બાપને ધ્યાનમાં લેવામાં આવે. હાઈકોર્ટને પણ તેના શબ્દોમાં રહેલી સત્યતાનો રણકો સંભળાયો અને તેની સજામાં પાંચ વર્ષનો ઘટાડો થયો. આવી અનેક કથાઓ છે જે તમને અહીં વાંચવા અને જોવા મળશે. માત્ર સાબરમતી જેલ જ નહીં, કદાચ તમારા પડોશમાં તમારા શહેરમાં આવા અનેક સ્ટાર્સ રહે છે જેને અમે તમારી સામે શબ્દો અને વીડિયોમાં રજૂ કરીશું. અમે તમારી સામે પૂર્ણ સ્વરૂપે આવીએ તે પહેલા મિલનનો આ વીડિયો જુઓ...