ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): આગામી થોડા સપ્તાહ સુધી અમેરિકા અને યુરોપનું હવામાન વધુ પડતું હુંફાળું રહેશે એવા અનુમાન પર ઈસ્ટર તહેવારો પછી નેચરલ ગેસમાં નાટ્યાત્મક ગાબડાં પડ્યા હતા. હવામાન ખાતું કહે છે કે એપ્રિલ મહિનામાં સામાન્ય કરતાં હુંફાળું હવામાન રહેશે, નાયમેક્સ વાયદો સોમવારે ઘટીને ૨.૫૧ ડોલર પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ બંધ થયો, જ્યારે જૂન ઘટીને ૨.૫૮ ડોલર થયો. સોમવારે મે વાયદો પાંચ ટકા ઘટીને ઇન્ટ્રાડેમાં ૨.૫૦ ડોલર સુધી ઘટ્યો હતો. 

બેસ્પોક વેધર સર્વિસિસના એનાલિસ્ટ કહે છે કે યુરોપ અને અમેરિકામાં વીક એન્ડની ત્રણ દીવસની રજાઓમાં હવામાન મોડેલ સૂચિત કરતું હતું કે હવામાન ઓછી માંગવાળું હુંફાળું હતું. હવામાનના આવા વ્યાપક ઉતાર ચઢાવને લીધે ભાવ વેગથી ઘટયા હતા. હૂંફાળા હવામાન ઉપરાંત, ઉત્પાદનમાં વૃધ્ધિ, ફ્રીજિંગ પાવર માટે ઓછો વપરાશ જેવા ફંડામેન્ટલ કારણો પણ ભાવને નીચે જવામાં મદદરૂપ થયા હતા. 

દરમિયાન વૂડ મેકેનજીના એનાલિસ્ટ કહે છે કે યુએસ એનર્જી ઇન્ફોર્મેશન એડમિનિસ્ટ્રેશનનો સાપ્તાહિક સ્ટોરેજ અહેવાલ સૂચવે છે કે પાંચ વર્ષની સરેરાશ સ્ટોરેજ સામે ગત સપ્તાહમાં સ્ટોરેજ દૈનિક માત્ર ૦.૪ બિલિયન ક્યુબિક ફૂટ ઘટીને ૧૪ બીસીએફ મુકાયો હતો. એનાલિસ્ટ કહે છે કે જો સામાન્ય મોસમના દૈનિક હવામાન ડિગ્રીને ગણતરીમાં લઈએ તો પણ ભાવ ઘટવા શક્ય હતા.


 

 

 

 

 

બે એપ્રિલે પૂરા થયેલા સપ્તાહના ઇઆઈએનો સાપ્તાહિક ઇન્જેકશન રિપોર્ટ રજૂ થાય તે પહેલા બજારનો પ્રાથમિક અંદાજ ૨૩ બીસીએફનો છે. ગતવર્ષે આ સમાંતર સપ્તાહમાં ૩૦ બીસીએફ સ્ટોરેજ ઇન્જેકશન થયા હતા. પાંચ વર્ષની સાપ્તાહિક ઇન્જેકશન સરેરાશ ૮ બીસીએફની છે. એનાલીસ્ટોનું અનુમાન છે કે હવામાનની આગાહી બદલાતા, નેચરલ ગેસની સાપ્તાહિક માંગ ઘટીને ૧૮ બીસીએફ અંદાજાઈ છે. આગામી બે સપ્તાહમાં ૪૮ અમેરિકન રાજ્યોમાં ૧૭૪ કુલિંગ ડિગ્રી ડેઝ રહેવાનો રીફીનીતિવ એજન્સીનો અંદાજ છે.

બેસ્પોક વેધર સર્વિસિસની નવી આગાહી કહે છે કે વર્તમાન સપ્તાહમાં પણ અમેરિકામાં વિક્રમ કહી શકાય તેવો ઓછામાં ઓછો ગેસ વપરાશ થશે. અલબત્ત, આ સમયગાળામાં હવામાનમાં ઉતાર ચઢાવ આવી શકે છે, નેચરલ ગેસ વાયદાને વધુ સમય દબાણમાં રહી શકે છે. મે મધ્ય આવતા સુધીમાં રેફ્રિજરેટિંગના કુલિંગ ડિગ્રી દિવસો શરૂ થવા સુધીમાં આગાહી આધારિત ભાવના દિશાનિર્દેશ મળવા શરૂ થશે. 

ભારતમાં ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ઓએનજીસી) અને ઓઇલ ઈન્ડિયા લિમિટેડ માટે ૧ એપ્રિલથી શરૂ થતાં આગામી છ મહિના માટે, પેટ્રોલિયમ મંત્રાલયે એનાલિસિસ કર્યા બાદ ઓઇલ ફિલ્ડમાંથી ગેસ ઉત્પાદનનો ભાવ ૧.૭૯ ડોલર પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ ટકાવી રાખ્યો હતો. આ અગાઉ મંત્રાલયે ૧ ઓકટોબરથી શરૂ થયેલા છ માસ માટેના ભાવમાં પરિવર્તન કર્યું ત્યારે અગાઉના છ મહિના માટેના ભાવ ૨.૩૯ ડોલરથી ૨૫ ટકા ઘટાડીને ૧.૭૯ ડોલર કર્યા હતા.        


 

 

 

 

 

આમ જોવા જઈએ તો છેલ્લા એક વર્ષમાં આ ત્રીજો ભાવ ઘટાડો કહી શકાય. ભારતમાં નેચરલ ગેસના ઉત્પાદકો માટેના ભાવ પુરાંતવાળા દેશ અમેરિકા, કેનેડા, અને રશિયામાં છેલ્લા એક વર્ષના પ્રત્યેક ત્રિમાસિક ભાવને આધાર બનાવીને નિર્ધારિત કરવામાં આવે છે. 

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)