ઈબ્રાહીમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ) : યૂરોપમાં નેચરલ ગેસની તીવ્ર અછત સર્જાઇ છે. વધુ પડતો કડક શિયાળો, રૂમને ગરમ રાખવાનો ખર્ચ યુરોપીયનનોના ખીસા કાતરી નાંખશે. આટલુ જ નહીં કોરોના મહામારીમાંથી માંડ ઊભરી રહેલી ઇકોનોમીને પાછી મુશ્કેલીમાં મૂકી દેશે. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને યુરોપને વચન આપ્યું છે કે તેઓ ઊંચા ભાવે યુરોપના ગેસ સ્ટોરેજ ભરવામાં મદદ કરશે. પરંતુ પુરવઠા અછત અને રાજકિય સમસ્યાઓ, એનર્જી બજારમાં નકારાત્મક ભૂમિકા કરશે અને ભાવને ઊંચે જાળવવામાં મદદ કરશે. 

આ તબક્કે તો એવું લાગે છે કે પાંચ ડોલર પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ ઉપરના ભાવ મેળવવા બજાર સંઘર્ષ કરી રહી છે, પણ જો આમ થાય તો તેજીની નવી સાયકલ માટેનો માર્ગ મોકળો થઈ જશે. સાથોસાથ એ પણ જોવું રહ્યું કે બજારના અન્ય ફંડામેન્ટલ્સ નબળા છે, તેથી ભાવને નીચે જવા માટેના દરવાજા ખૂલી શકે છે. જો આમ થવાની શક્યતા વધે તો ૪.૫ કે ૪ ડોલરનો સ્ટોપલોસ રાખવો પણ વાજબી રહેશે.

અમેરિકાની ધરખમ નિકાસ અને વધુ પડતાં ઠંડા શિયાળાની ગણતરીએ છેલ્લા પાંચમાંથી ચાર ટ્રેડિંગ સત્રમાં નાયમેક્સ નેચરલ ગેસ વાયદો વધ્યો હતો. શુક્રવારે ડિસેમ્બર નાયમેનક્સ ૩.૫૭ ટકાના ઉછાળે ભાવ ૫.૦૭ ડોલર મુકાયો હતો. જાન્યુઆરી વાયદો ૫.૧૫ ડોલર હતો. અલબત્ત, કોરોના મહામારી જાગતિક અને ખાસ કરીને યુરોપ માટે વાઇલ્ડકાર્ડ પુરવાર થઈ શકે છે. 

Advertisement


 

 

 

 

 

આગામી સપ્તાહ માટે એનર્જી ઇન્ફોર્મેશન એડમિનિસ્ટ્રેશન સૂચવે છે કે અમેરિકન ગેસ વિદ્રોઅલ સપ્તાહ દર સપ્તાહ દૈનિક પાંચ અબજ ક્યુબિક ફૂટ વધીને ૨૮ બિલિયન ક્યુબિક ફૂટ રહેશે. અલબત્ત પાંચ વર્ષની સરેરાશ જોઈએ તો માંગ, અંદાજે સરેરાશ દૈનિક ૨.૨ અબજ ક્યુબિક ફૂટ ઓછી છે. એનાલિસ્ટો કહે છે કે વધતાં હીટિંગ ડિગ્રી ડે (ઘરને ગરમ રાખવાના દિવસો) સાથે જ કદાચ નેચરલ ગેસની ફિઝિકલ માંગ પણ વધશે, જે હાજર બજારમાં તેજીનું ઈંધણ પુરવાર થશે. આગામી હવામાનના વલણો શિકાગો વાયદાના ડિલિવરી પોઈન્ટ પર હાજર ભાવને ૪.૮૧ ડોલરની ઊંચાઈએ લઈ ગયા છે.

ગત સપ્તાહે અમેરિકન એનર્જી ઇન્ફોર્મેશન એડમિનિસ્ટ્રેશને કહ્યું હતું કે ૪૮ ગેસ સ્ટોક પોઈન્ટ પર ૧૨ નવેમ્બરે ઈંજેક્શન (ટાંકામાં માલ ભરવો) ૨૬ અબજ ક્યુબિક ફૂટ જેટલૂ ઓછું થયું હતું. બજારની અપેક્ષા અને ટાંકામાંથી ગેસ ઉપાડ પછી સર્વાંગી સ્ટોક ૩,૬૪૪ અબજ ક્યુબિક ફૂટ રહ્યો હતો. અલબત્ત, નવેમ્બરના આરંભથી જ ઇન્જેકશન ઓછું થવાથી, પાંચ વર્ષની સરેરાશ ૩,૭૨૫ અબજ ક્યુબિક ફૂટ કરતાં તે બે ટકા ઓછો હતો.

ઇઆઈએ એજન્સી કહ્યું કે આગામી વર્ષે અમેરિકામાં નેચરલ ગેસનું ઉત્પાદન ૪ ટકા વધવાનો અંદાજ છે. એજન્સી કહે છે કે મહામારી દરમિયાન ઓઇલની તુલનાએ ગેસનું ઉત્પાદન વધવાની ગતિ વેગવાન હતી, અને ૨૦૨૪ સુધીમાં તે મહામારી પહેલાના સ્તરે પહોંચી જશે. નવેમ્બર ૨૦૧૯ અને મે ૨૦૨૦ દરમિયાન અમેરિકામાં ઓઇલ ઉત્પાદન, ૨૫ ટકા ઘટ્યું હતું પણ ત્યાર પછી ઓઇલ અને ગેસ ઉત્પાદન પ્રવૃત્તિ પુન:સ્થાપિત થવા લાગી છે. 

Advertisement


 

 

 

 

 

વર્તમાન ભાવે નેચરલ ગેસ આધારિત ડ્રિલિંગ પ્રવુત્તિઓ સારી એવી વધી છે. પરંતુ અમેરિકન ગલ્ફ કિનારાઓથી નિકાસ પ્રવૃત્તિ અને કેમિકલ આધારિત ઉધ્યોગમાં હજુ પણ મૂડીરોકાણ આકર્ષણ નબળા રહ્યા છે. દરમિયાન સપ્ટેમ્બર ૨૦૨૧માં રીગ કાઉન્ટ, ઓગસ્ટ ૨૦૨૦ની મહામારી કરતાં બમણા થઈને ૫૦૮ સુધી પહોંચ્યા છે. પણ જો ૨૦૨૮ અને ૨૦૧૯ વચ્ચેના રીગ કાઉન્ટની સરખામણી કરી તો આ સંખ્યા હજુ પણ અડધી છે.          

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)