ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): અમેરિકામાં ધારણા કરતા નેચરલ ગેસની પુરવઠા સપ્લાય વધુ રહેશે, એવું યુએસ ઉર્જા મંત્રાલયે જાહેર કર્યા પછી ભાવ વધુ પડતા દબાણમાં આવી ગયા છે. સતત બીજા સપ્તાહે ભાવમાં મોટાપાયે ગાબડા પડ્યા હતા. નેચરલ ગેસના ટાંકામાં મંદી તરફી ઇન્જેક્શન (ટાંકા ભરવા), નકારાત્મક હવામાની આગાહીઓની સંગઠિત અસરે વાયદામાં વેચવાલીની ચિનગારી પેટાવી હતી. આને લીધે પાછલા બે સપ્તાહમાં વાયદામાં અનુક્રમે ૧૨.૩ ટકા અને ૯.૭ ટકાનું ગાબડું પડ્યું હતું.

હળવા અમેરિકન શિયાળાની આગાહીએ ઓક્ટોબર નેચરલ ગેસ વાયદામાં રહીસહી માંગ (લેવાલી)ને પણ અટકાવી દીધી હતી. બુધવારે ઇન્ટ્રાડેમાં નાયમેકસ ઓક્ટોબર વાયદો ૧.૮૧ ડોલર પ્રતિ મીલીયન બ્રિટીશ થર્મલ યુનિટ તળિયે જઈ ૯ ટકાના ઉછાળે ૨.૦૨ ડોલર મુકાયો હતો. ડેટા પ્રોવાઈડર રીફીનીટીવએ બુધવારે કહ્યું હતું કે વર્ષના આરંભે નીચા ભાવને લીધે અનેક દ્રીલરોએ ઉત્પાદનમાં કાપ મૂકી દીધો હતો પરિણામે ૪૮ રાજ્યોમાં દૈનિક સરેરાશ ઉત્પાદન ઘટીને ૮૩.૨ બિલિયન ક્યુબીક ફૂટ રહ્યું હતું. ઓગસ્ટ ૨૦૧૮ પછીનું આ સૌથી ઓછું ઉત્પાદન હતું.

અહી એ નોંધવું રહ્યું કે નવેમ્બર દુરડીલીવરી વાયદો રોકડા/પાકતા ઓક્ટોબર વાયદા કરતા ૦.૭૦ ડોલરના પ્રીમિયમ (સીધો બદલો)થી ૨.૬૬ ડોલર બોલાય છે. સોમવારે પણ એક તબક્કે ફ્રંટમંથ ઓકટોબર વાયદો ૧૧.૪૭ ટકાના ગાબડે ૧.૮૧૩ ડોલર બોલાયો હતો, ૨૧ મહિના પછી આવું એક દિવસીય ગાબડું પહેલી વખત પડ્યું હતું.

અલબત્ત, ૨૦૧૯-૨૦માં ધારણા કરતા હુંફાળા શિયાળો અને કોરોના મહામારીને કારણે વપરાશ સાવ ઘટી જવાથી, ૨૫ જુને ભાવ ૧૯૯૫ પછી પહેલી વખત ૧.૪૩ ડોલરના તળિયે જઈ બેઠા તેના કરતા વર્તમાન ભાવ ૩૫ ટકા વધુ છે. ત્યાર પછી ભાવમાં સુધારો જોવાયો તેનું કારણ, શેલ ઓઈલ ઉત્પાદનમાં ઘટાડો તેમજ જરા આકારો કહી શકાય તેવો ઉનાળો અને એરકંડિશનીગમાં વધુ ગેસ વપરાશ અને એલએનજીની નિકાસમાં સતત વૃદ્ધિ હતું.

ત્યારબાદ કુલ નેચરલ ગેસ સાપ્તાહિક અમેરિકન સ્ટોક ૨૦૧૯ના સમાનગાળા કરતા ૧૭.૪ ટકા અથવા ૫૩૫ બિલિયન ક્યુબીક ફૂટ વધીને ૩.૬૧૪ ટ્રીલીયન ક્યુબીક ફૂટ આવ્યો હતો, પાંચ વર્ષની સરેરાશ કરતા પણ આ સ્ટોક ૧૩.૨ ટકા અથવા ૪૨૧ બિલિયન ક્યુબીક ફૂટ વધુ હતો. ૧૧ સપ્ટેમ્બરે ૪૮ રાજ્યોનો અન્ડરગ્રાઉન્ડ સ્ટોક બજારની અપેક્ષા ૭૭ બીસીએફ કરતા પણ વધુ વધીને ૮૯ અબજ ક્યુબીક ફૂટ નોંધાયો હતો. ગતવર્ષે સમાન સપ્તાહમાં આ સ્ટોક ૮૨ બીસીએફ હતો.

મેક્સિકો ગલ્ફમાં હરિકેન સેલી વધુ સક્રિય થઇ જવાથી એ સપ્તાહમાં સરેરાશ દૈનિક વપરાશ ૧.૨ ટકા ઘટીને ૯૧.૭ બીસીએફ રહ્યો હતો. તેના આગલા સપ્તાહમાં દૈનિક વપરાશ ૮૧.૧ બીસીએફ સ્થિર રહ્યો હતો.

આઈએચએસ માર્કિટ એનાલીસ્ટ માને છે કે નબળી માંગ/પુરવઠા સ્થિતિ, હેન્રી હબ ડીલીવરી સેન્ટર પર સરેરાશ હાજર ભાવ વર્ષાંત સુધીમાં ૨.૫૦ ડોલરની રેન્જમાં રહેશે, ફેબ્રુઆરી/માર્ચ માટે આ અંદાજ ૩.૪૦ ડોલર અને સપ્ટેમ્બર/ઓક્ટોબર સુધી માટે આ અંદાજ ૧.૮૦ ડોલર મુકવામાં આવ્યો હતો. અમેરિકન એનર્જી ઇન્ફોર્મેશન એડ્મીનીસ્ટ્રેશને ૨૦૨૦ના આખા વર્ષ માટેનો હેન્રી હબ હાજર ભાવનું સરેરાશ અનુમાન ૧.૮૭ ડોલર મુક્યું હતું.

(અસ્વીકાર સૂચના: વેબસાઈટ commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલા આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે)