ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ):  પ્રોત્સાહક ઇંવેનટરી (સ્ટોક) નંબર, સાથોસાથ હવામાન આધારિત વધુ વપરાશની સંભાવના અને મજબૂત હાજર માંગ પર નેચરલ ગેસની તેજી સવાર થઈ છે. અમેરિકન ઊર્જા મંત્રાલયનો સાપ્તાહિક સ્ટોક અહેવાલ કહે છે કે નેચરલ ગેસની સપ્લાય ધારણા કરતાં ઓછી થઈ છે. ફ્રન્ટમંથ રોકડો ઓગસ્ટ નાયમેક્સ વાયદો મંગળવારે ૩.૭૬ ડોલર પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ, ગત સપ્તાહાંતની ડિસેમ્બર ૨૦૧૮ની ઊંચાઈ ૩.૮૨ ડોલર નજીક સરકી ગયો હતો.

આગામી બે સપ્તાહ સુધી અમેરિકન હવામાન અપેક્ષા કરતાં ઓછું ગરમ રહેશે અને એરકન્ડિશનિંગ માંગ જરા ઘટશે, એવું આગાહી પર તેજીમાં ખાંચરો પડ્યો હતો. અલબત્ત, જાગતિક બજારમાં નેચરલ ગેસની ધૂમ માંગ નીકળશે અને યુએસ નિકાસ નવા વિક્રમો આંબી જશે, એવા અનુમાન પર, તો ગત સપ્તાહ સુધીમાં સતત છઠા સપ્તાહે તેમના ફ્યુચર્સ એન્ડ ઓપશન પ્લેટફોર્મ પર તેજીના ઓળીયામાં ધરખમ વધારો કરી દીધો હતો. આવી ઘટના મે ૨૦૧૭ પછી પહેલી વખત બની હતી. 

જો કે બેંક ઓફ અમેરિકાના એનાલિસ્ટ આ બાબતે અસહમતી દાખવી કહે છે કે ભાવને ઉપર જવા માટે અમને હજુ સુધી કોઈ ધરખમ ફન્ડામેનટલ્સ જણાતા નથી. તમે જુઓ ગત સપ્તાહે હવામાન એકદમ ગરમ થઈ ગયા પછી પણ નેચરલ ગેસની માંગમાં ઘટાડો નોંધાયો હતો. છેલ્લામાં છેલ્લા હવામાન વરતારા મુજબ ૪૮ ડિગ્રી ફેરનહિટ કરતાં સહેજ નીચાના તાપમાને પણ ટ્રેડરો એવું માનવા લાગ્યા હતા કે ટૂંકાગાળામાં માંગ પુષ્કળ નીકળશે, અને તેણે આધારે ભાવ ખેંચી ગયા હતા. 

Advertisement


 

 

 

 

 

હા અન્ય ટ્રેડરો એમ કહે છે કે તંદુરસ્ત એલએનજી નિકાસનો ટેકો અમેરિકન નેચરલ ગેસને જરૂર મળશે, આ સીનારિયો, શક્ય છે કે તેજીના ઊંબાડિયા કરે. કેટલાંક ફંડામેન્ટલ્સ એવા પણ છે કે જે તેજીને બ્રેક મારતા રહેશે. આમ જોવા જઈએ તો ફેબ્રુઆરી ૧૦૧૬ પછી પહેલી વખત નેચરલ ગેસમાં આવા ક્રાંતિકારી કહી શકાય તેવા, હકારાત્મક ફન્ડામેનટલ્સનું સર્જન થયું છે.

ટ્રેડરો કહે છે કે આ સપ્તાહે અમેરિકન ઈસ્ટ કોસ્ટ પર પસાર થનારા ટ્રોપિકલ વાવાજોડુ એલસા ઠંડા પવનો અને વરસાદ લાવશે, જે ટેક્સાસમાં કુલિંગ ડિમાન્ડમાં ઘટાડો લાવશે. આ ઘટના બજારને વોલેટાઇલ બનાવી શકે છે. ગ્લોબલ પ્લાટસના સર્વે મુજબ ૩૩ અબજ ક્યુબિક ફૂટ સ્ટોરેજ વધવાની સંભાવના હતી. તેને સ્થાને બે જુલાઇએ પૂરા થયેલા સપ્તાહમાં ૪૮ અમેરિકન રાજ્યોમાં અંડરગ્રાઉન્ડ સ્ટોરેજ ૧૬ અબજ ક્યુબિક ફૂટ જ વધ્યો હતો. 

ગતવર્ષના સમાન સપ્તાહમાં સ્ટોરેજ વૃધ્ધિ ૫૭ અબજ ક્યુબિક ફૂટ થઈ હતી, પાંચ વર્ષની આ સપ્તાહની સરેરાશ ૬૩ અબજ ક્યુબિક ફૂટ હતી, આ જોતાં પણ સમીક્ષા હેઠળના સપ્તાહનો વધારો સાવ જ ઓછો છે. ઉત્પાદનમાં ઘટાડાને પગલે નેચરલ ગેસની કૂલ સપ્લાય સાંપતાહિક ધોરણે ૦.૫ ટકા ઘટીને દૈનિક સરેરાશ ૯૭.૧ અબજ ક્યુબિક ફૂટ રહી હતી. 

Advertisement


 

 

 

 

 

વુડમેકેંજીના એનાલિસ્ટ કહે છે કે જો હવામાન ડિગ્રી દિવસો અને સામાન્ય મોસમની સરખામણી કરીએ તો તાજા ઇન્જેકશન આંકડા પાંચ વર્ષની સરેરાશ કરતાં દૈનિક લગભગ ૪ અબજ ક્યુબિક ફૂટ ઓછા છે. અગાઉના સપ્તાહની તુલનાએ જો વધારાના ૧૮ ડિગ્રી ડે હવામાન સાથે ગણતરી કરીએ અને ૧ દૈનિક અબજ ક્યુબિક ફૂટનો ઘટાડો સાથે ગણીએ તો સ્ટોક વૃધ્ધિ ૬૦ અબજ ક્યુબિક ફૂટ જેટલો ધરખમ ઘટાડો દાખવે છે. આનો અર્થ એ થાય કે સપ્લાય ડિમાન્ડ તુલા, અત્યંત ગંભીર બની ગઈ છે. જે આગામી શિયાળા સુધીમાં જોખમી રીતે બજાર પર અસર ઊભી કરશે.         

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)