મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી સિરિયલથી ખુબ લોકપ્રિય બની ગયેલા નટુકાકાનું કિરદાર નિભાવનારા ઘનશ્યામ નાયકનું નિધન થયું છે. છેલ્લા ઘણા સમયથી કેન્સરની બીમારીથી તેઓ પીડાઈ રહ્યા હતા. ગુજરાતી ફીલ્મો અને ચરિત્રોમાં પોતાના અભિનયથી જીવ પુરનારા રંગભૂમિના જાણિતો ચહેરો બનેલા ઘનશ્યામ નાયક 77 વર્ષના હતા. 

ઘનશ્યામ નાયકનો જન્મ 12 મે, 1945ના રોજ મહેસાણા જિલ્લાનાં વડનગર તાલુકાના ઊંઢાઈ ગામમાં થયો હતો.. નાનપણથી જ તેમણે એક્ટિંગનો શોખ હતો અને તેઓએ ભવાઇમાં પણ સ્ત્રીનું પાત્ર ભજવ્યું છે. જે બાદ તેમને મુંબઇ જઇ રામલીલામાં બાળ કલાકાર તરીકે કામ શરૂ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે તેઓ અગાઉ પણ કોરોના કાળમાં જ્યારે શૂટિંગ બંધ હતું ત્યારે અભિનય કરવા માટે અત્યંત ઉત્સુક હતા. કામ વગર બેસી રહેવું તેમના સ્વભાવમાં ન્હોતું તેઓ પોતાની જાતને સતત વ્યસ્ત રાખતા હતા.

નટુકાકા 13 દિવસ હોસ્પિટલમાં રહ્યા હતા અને ઓપરેશનમાં 8 ગાંઠ બહાર કાઢવામાં આવી હતી. ઓપરેશન બાદ નટુકાકાએ રેડિયેશન તથા કિમોથેરપી લીધી હતી. હાલમાં જ નટુકાકાના દીકરા વિકાસ નાયકે સો.મીડિયામાં કેન્સરે ઊથલો માર્યો હોવાની વાત કરી હતી. વિકાસ નાયકની સો.મીડિયા પોસ્ટ પ્રમાણે, ગયા સપ્ટેમ્બર મહિનામાં નટુકાકાનું કેન્સરનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ રેડિયેશનના 30 તથા કિમોના પાંચ સેશન લીધા હતા. ઓક્ટોબર મહિના સુધી નટુકાકાની કેન્સરની સારવાર ચાલી હતી. આ સારવારના છ મહિના બાદ નટુકાકાનો પેટ સ્કેન કરાવવામાં આવ્યો હતો.