મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ એનડીએની ગત સરકારમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) રહેલા અજીત ડોભાલ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફરી ભરોસો મુક્યો છે. તેમને ફરી આગામી 5 વર્ષ માટે એનએસએ નિયુક્ત કરી દેવાયા છે. એક્સટેન્શનના ઉપરાંત ડોભાલને પ્રમોશન પણ મળ્યું છે. રાષ્ટ્રીય સુરક્ષામાં યોગદાનને જોતાં ડોભાલને કેબિનેટ મંત્રી કક્ષાનો દરજ્જો મળ્યો છે.

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે ડોભાલનું કદ હવે એક કેબિનેટ મંત્રીની બરાબરનું હશે. ડોભાલ ફરી એનએસએ બનતા કહેવાય છે કે મોદી સાથે નવા ગૃહમંત્રી અમિત શાહ પણ તેમના કામથી ઘણા સંતુષ્ઠ છે. આ પહેલા સોમવારે સવારે દેશના નવા ગૃહમંત્રી બનેલા અમિત શાહે એનએસએ અજીત ડોભાલ સાથે બેસીને આંતરિક સુરક્ષાની સમિક્ષા કરી બેઠકમાં આઈબી ચીફ રાજીવ જૈન, ગૃહ સચિવ રાજીવા ગાવા પણ હાજર હતા.

અજીત ડોભાલ 1968 બેચના આઈપીએસ અધિકારી છે. અજીત ડોભાલે પોતાની કારકિર્દીનો મોટાભાગનો સમય આઈબી (ઇન્ટેલીજન્સ બ્યૂરો)માં પસાર કર્યો છે. તેઓ પૂર્વ આઈબી પ્રમુખ પણ રહી ચૂક્યા છે. તેઓ 6 વર્ષ સુધી પાકિસ્તાનમાં રહ્યા. પોતાના કારકિર્દીની શરૂઆતના દિવસોમાં તેઓ પોલીસ અધિકારી રહ્યા અને તેમને 1998માં કીર્તિ ચક્રથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. સૂત્રો દ્વારા મળતી જાણકારી મુજબ, આ વખતે એડિશનલ કેબિનેટ સચિવ પી કે સિન્હાને મુખ્ય સચિવ બનાવવામાં આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ આ પદ માટે રાજીવ ગૌબાનું નામ પણ ચર્ચામાં છે. તે પણ એક સીનિયર બ્યૂરોક્રેટ છે. પીએમ મોદીના કામ કરવાના અંદાજ વિશે પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પણ પોતાની મત વ્યક્ત કર્યો હતો. તેઓએ બ્યૂરોક્રેસીને લઈને ઉઠાવવામાં આવેલા પીએમ મોદીના પગલા વિશે કહ્યું હતું કે, પીએમ મોદીએ ભારતની બ્યૂરોક્રેસીને સક્રિય કરી દીધી છે.