પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.ભાવનગર): દેશના કોઈ નાગરિકને જ્યારે એવું લાગે કે તેને ન્યાય અપાવવામાં પોલીસ નિષ્ફળ ગઈ છે અથવા ખુદ પોલીસ જ અન્યાયી વ્યવહાર કરી રહી છે ત્યારે તે નાગરિક પાસે પોતાના અધિકાર માટે રાજ્ય માનવ અધિકાર પંચ અને રાષ્ટ્રીય પંચ સામે જવાનો વિકલ્પ છે. આવું જ કાંઈક ભાવનગરના વિમળાબા દાનસંગ મોરીના કેસમાં થયું છે. વિમળાબાએ રાષ્ટ્રીય માનવ અધિકાર સામે પોતાના પતિ અને કુટુંબીજનોને પોલીસ દ્વારા ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે અને તેમના જીવને જોખમ છે તે મતલબની અરજી રાષ્ટ્રીય માનવ અધિકાર પંચને કરી હતી. જેમાં પહેલા જ કથિત આરોપીમાં ભાવનગરના એસપી જયપાલસિંહ રાઠોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, પરંતુ આશ્ચર્ય તે વાતનું છે કે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે આ અરજી એસપી જયપાલસિંહ રાઠોડને જ મોકલી ચાર સપ્તાહમાં આ કેસની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. આમ આ કેસના કથિત આરોપી જ પોતાના વિરુદ્ધની તપાસનો રિપોર્ટ પંચને આપશે. 

છેલ્લા બે વર્ષમાં ભાવનગરમાં કારડિયા રાજપૂત નેતા દાનસંગ મોરી અને ભાજપના પૂર્વ પ્રમુખ જીતુ વાઘાણી વચ્ચે ખટરાગ ચાલી રહ્યો છે. વિમળાબા મોરીએ કરેલી ફરિયાદમાં આરોપ મુક્યો છે કે, આ રાજકીય દુશમનાવટને લઈને તેમના પતિ અને પરિવારજનો સામે ખોટા કેસ કરવામાં આવ્યા છે અને પોલીસ કસ્ટડીમાં તેમને મારી નાખવામાં આવશે તેવી ભીતિ પણ વ્યક્ત કરી હતી. જેના કારણે આ બાબતની તપાસ કરી ન્યાય આપવામાં આવે અને આ કેસની તપાસ સીબીઆઈને સોંપવી જોઈએ. 

આ કેસમાં તેમણે કથિત આરોપી તરીકે ખુદ ભાવનગરના આઈજીપી અશોક યાદવ, ડીએસપી જયપાલસિંહ રાઠોડ, ડીવાયએસપી મનિષ ઠાકર અને એસઓજી પીઆઈ સર્જક બારોટનો ઉલ્લેખ કર્યો છે. આમ આખી ફરિયાદ ભાવનગર પોલીસ અધિકારીઓની વિરુદ્ધની છે.

વિમળાબા મોરીની નારાજગી અને ડર ભાવનગર પોલીસ સામે હોવા છતાં રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે આ મામલાની તપાસ પણ ભાવનગર પોલીસને જ સોંપી છે. તો આ સંજોગોમાં ન્યાય કેવો હશે તે કહેવાની જરૂર નથી...