મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: નેશનલ હેરાલ્ડ હાઉસ ખાલી કરાવવા સાથે જોડાયેલ અપીલની સુનાવણી કરતા દિલ્હી હાઇકોર્ટે બે અઠવાડિયામાં હેરાલ્ડ હાઉસ ખાલી કરાવવાનો આદેશ આપ્યો છે. એસોશિયેટેડ જનરલ લિમિટેડ (એજેએલ)એ લેન્ડ એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીના 30 ઓક્ટોબરે હેરાલ્ડ હાઉસ ખાલી કરાવવાના આદેશને પડકાર્યો હતો. કેન્દ્ર સરકારે પબ્લિશરના અખબાર નેશનલ હેરલ્ડ દ્વારા લીઝના નિયમોનું ઉલ્લંઘન કરવા પર તેને ખાલી કરવાનો આદેશ કર્યો હતો.  

આ પહેલા એજેએલની અપીલ પર બધા પક્ષોને સાંભળ્યા બાદ હાઇકોર્ટે 22 નવેમ્બરે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.  અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપના નેતા સુબ્રમણ્યન સ્વામીએ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં નેશનલ હેરલ્ડ મામલે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં સ્વામીનો આક્ષેપ હતો કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ, યુપીએ અધ્યક્ષા સોનિયા ગાંધી અને અન્યએ કાવરુ ઘડી 50 લાખ રૂપિયાની ચુકવણી કરી છેતરપિંડી કરી છે. જેના દ્વારા યંગઇંડિયા પ્રાઇવેટ લિમિટેડે 90.25 કરોડ રૂપિયાની તે રકમ વસૂલવાનો અધિકાર હાંસલ કર્યો, જેને એસોશિયેટેડ જર્નલ્સ લિમિટેડે કોંગ્રેસને આપવાનો હતો. આ મામલે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મોતીલાલ વોરા, ઓસ્કાર ફર્નાંડિંસ, સુમન દુબે, સામ પિત્રોડા અને યંગ ઇંડિયા કંપની આરોપી છે. હાલ આ તમામ જામીન પર છે.