મેરાન્યૂઝ નેટવર્ક.નર્મદાઃ સરકારી નોકરી મેળવવા યુવાનો કેટલી મહેનત કરતાં હોય છે, રાત દિવસ પલાઠી મારી તેની તૈયારીઓ કરતાં હોય છે કે તેમને તે ખુરશી મળે, આ બાજુ જેમને તે ખુરશી મળે છે તેનો જ મોલ ભાવ કરી નાખતા ખચકાતા નથી તે અત્યંત દુઃખ આપનારું છે. નર્મદામાં એક તલાટીએ માત્ર હજાર રૂપિયા જેવા ભાવે પોતાની ખુરશીને સરેઆમ બજારમાં મુકી દીધી છે. હાલમાં એસીબી દ્વારા પકડાતા અધીકારીઓની સંખ્યામા વધારો થઈ રહ્યો છે. એસીબી ફરિયાદના આધારે અથવા તો ડીકોય દ્વારા ટ્રેપ ગોઠવીને લાંચ લેતા અધીકારીઓને પકડે છે. આજે નર્મદા જીલ્લાના નાંદોલ તાલુકાના ધારીખેડા ગામના રેવન્યુ તલાટીને 1000 રુપીયા લાંચ લેતા એસીબીએ ઝડપ્યા હતા.

Advertisement


 

 

 

 

 

ફરિયાદીના માતાનું મૃત્યુ થતા તેમને જમીનના 7/12 અને 8-અમાંથી માતાનું નામ કમી કરાવવાનું હતું. જેના માટે ગામના રેવન્યુ તલાટી નિમિષાબેન રાવતે 1000 રુપીયાની લાંચની માગણી કરી હતી. સામાન્ય રીતે જ્યારે કોઈનું મૃત્યુ થાય જમીનના દસ્તાવાજ માંથી જે વ્યક્તિનું મૃત્યુ થયું હોય તેનું નામ કમી કરાવવાનું હોય છે. આ કામ માટે તલાટીએ લાંચની માગણી કરી હતી.

ફરિયાદીને આ લાંચ ન આપવી હોવાને કારણે તેમણે એસીબીમાં ફરિયાદ કરી હતી. ફરિયાદના આધારે આજે એસીબી દ્વારા લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યુ હતું. આરોપીએ ફરિયાદી સાથે આ જ લાંચ લેવા બાબતની વાતચીત કરી રૂપીયા ૧,૦૦૦ની લાંચ સ્વીકારી સ્થળ પર પકડાઈ ગયા હતા. આરોપીને ડીટેઈન કરી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. નર્મદા એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર બી.ડી.રાઠવાએ આ ટ્રેપ ગોઠવ્યું હતું.