મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વારાણસી ખાતેથી પોતાનું લોકસભાનું નોમિનેશન ફોર્મ ભર્યું છે. આ દરમિયાન તેમણે સોગંદનામામાં પોતાની આવક દર્શાવી છે. ઘણા લાંબા સમયથી લોકોને તેમના ફોર્મમાં તેઓ કેટલી ઈન્કમ બતાવે છે તે જાણવાની ઉત્સુક્તા જાગી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોગંદનામામાં જણાવ્યા પ્રમાણે, વર્ષ 2013-14માં તેમની આવક રૂ. 9,69,711 હતી. વર્ષ 2014-15માં તેમની આવક રૂ. 8,58,780 હતી, તેમની આવક વર્ષ 2015-16માં અગાઉ કરતાં ઘણી વધી ગઈ હતી. તે વર્ષે તેમની આવક રૂ. 19,23,160 હતી. વર્ષ 2016-17માં તેમની આવક રૂ. 14,59,750 હતી અને વર્ષ 2017-18માં તેમની આવક રૂ. 19,92,520 હતી.

તેમના હાથ પર માત્ર રૂ. 38,750 જ તેમણે રાખ્યા છે. તેમની પાસે સ્ટેટ બેન્કનું એક એકાઉન્ટ છે જેમાં બેલેન્સ રૂ. 4,143 છે પરંતુ આ જ બેન્કમાં તેમની રૂ.1,27,81,574ની એફડી છે. તેમની પાસે એલએન્ડટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના 20 હજાર રૂપિયાના બોન્ડ છે. ઉપરાંત નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ્સ રૂ. 7,61,466ના અને લાઈફ ઈન્સ્યોરન્સ માત્ર રૂ. 1,90,347 નો છે.

તેઓ પાસે સોનું પણ છે જેનું વજન 45.00 ગ્રામ છે. જેની કિંમત રૂ. 1,13,800 થાય છે. તેમની પાસે રહેલી જંગમ મિકલતોની કુલ કિંમત રૂ. 1,41,36,119 છે.

આ ઉપરાંત તેમની પાસે ગુજરાતના ગાંધીનગર ખાતેના સેક્ટર 1માં 401/એનો 3531.45 સ્કવેરફીટનો પ્લોટ છે જેનો ઓરીજીનલ પ્લોટ સર્વે નં. 411 છે જેની કુલ જગ્યા 14125.80 સ્વેરફીટની છે. હાલ તેની અંદાજીત માર્કેટ વેલ્યુ 1,10,00,000 થઈ ગઈ છે. તેમણે જ્યારે તેને ખરીદ્યો ત્યારે તેનો ભાવ રૂ. 1,30,488 હતો. તેમને હાલ કોઈ લોન કે દેવા નથી.

તેમના અભ્યાસ પર નજર કરીએ તો તેમણે એસએસસી એટલે કે ધોરણ 10- 1967માં ગુજરાતમાં કર્યું હતું. બાદમાં 1978માં તેમણે આર્ટ્સમાં કોલેજ કરી દિલ્હી યુનિ.થી બેચલર ડિગ્રી મેળવી હતી. જે પછી 1983માં તેઓ આર્ટ્સમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી શક્યા હતા. જે તેમણે ગુજરાત યુનિવર્સિટી અમદાવાદમાંથી મેળવી હતી.