મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગુજરાતના પૂર્વ સીએમ અને એવા એક માત્ર નેતા કે જેઓ ભાજપ, કોંગ્રેસ, એનસીપી, રાજપા જેવી ચાર પાર્ટીઓના પ્રમુખ રહી ચુક્યા છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી તેમને તાવ અને અન્ય લક્ષણો દેખાતા તેમનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો જે પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને પ્રથમ તો ઘરે જ ક્વોરંટાઈન કરીને સારવાર કરવાનું નક્કી કરાયું હતું પરંતુ હવે બાદમાં તેમને હોસ્પિટલમાં 108 એમ્બ્યૂલન્સ મારફતે દાખલ કરવામાં આવ્યા છે.

ત્રણ દિવસ પહેલા NCPમાંથી રાજીનામું આપતા પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી. એટલું જ નહીં કોરોના દરમ્યાન સતત તેઓ અલગ અલગ વિસ્તારમાં લોકો વચ્ચે ફર્યા હતા.  વર્ષ 1996માં ગુજરાતના મુખ્યમંત્રી રહી ચુકેલા શંકરસિંહ વાઘેલા અને નરેન્દ્ર મોદી વચ્ચે ઘાઢ સંબંધો હતા. તેઓ એક જ વાહન પર ફરીને પાર્ટીના કાર્યો કરતા હતા. રાજકારણમાં કોઈ કાયમી મિત્ર કે દુશ્મન હોતું નથી. આજે નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે. આજે જ્યારે તેમને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો ત્યારે તુરંત આ અંગે જાણીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન કરીને તેમના ખબર પણ પુછ્યા હતા. તેમની વચ્ચે થયેલી ઘણી સ્પર્ધાઓ હાલના સમયે ગૌણ બાબત છે. રાજ્યમાં કોરોના પોઝિટિવનો કુલ આંક 30,770ને પાર પહોંચ્યો છે. જ્યારે મોતનો કુલ આંક 1,790 અને ડિસ્ચાર્જનો કુલ આંક 22,417 પર પહોંચ્યો છે.