બિનીત મોદી (મેરાન્યૂઝ.અમદાવાદ): સ્વતંત્ર અને પ્રજાસત્તાક ભારતના નાગરિક લેખે આ વાંચનારા હું અને તમે ચુંમોતેરમા સ્વાતંત્ર્ય દિવસની રાહ જોઈ રહ્યા છીએ. કોરોના વાઇરસની વૈશ્વિક મહામારીને કારણે તેની જાહેર ઉજવણી અગાઉ કરતા તદ્દન જુદી હશે તેની વિગતો રોજેરોજ મળતી રહે છે. તાલુકા સ્તરથી લઇને લાલ કિલ્લા ખાતે થતી પ્રમુખ ઉજવણીનું સ્વરૂપ કેવું હશે એ તો પંદરમી ઑગસ્ટની સવારે જ ખબર પડશે, માહિતી મળશે. આ સિવાય જે ખબર છે તેના કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે છે.

પંદરમી ઑગસ્ટની સવારે નવી દિલ્લી સ્થિત લાલ કિલ્લા ખાતે સવારે સાડા સાત કલાકે તેઓ સાતમી વાર ધ્વજવંદન કરશે. ધ્વજ વંદન કરવાના આ ક્રમમાં તેઓ બીનકૉંગ્રેસી વડાપ્રધાનોમાં પહેલા ક્રમે આવી પહોંચશે. અગાઉ અટલ બિહારી વાજપેયીને આ અવસર 1998 થી 2003 સુધી એમ છ વખત મળ્યો છે. ‘બીનકોંગ્રેસી વડાપ્રધાન’ એવો કોઈ હોદ્દો નથી પરંતુ કેન્દ્રમાં લાંબો સમય કૉંગ્રેસ પક્ષનું શાસન રહ્યું છે એટલે આવી વ્યાખ્યા જનતા પાર્ટીના સમયથી ચાલી આવે છે. જનતા પાર્ટીનું હવે રાજકીય અસ્તિત્વ રહ્યું નથી અને અત્યારે દેશમાં ચારેકોર ફેલાયેલા ભારતીય જનતા પક્ષના નરેન્દ્ર મોદી તેના બીજા વડાપ્રધાન છે. કૉંગ્રેસ પક્ષે સીત્તેર વર્ષમાં છ વડાપ્રધાનો આપ્યા છે.

સાતમી વાર ધ્વજવંદન કરતા નરેન્દ્ર મોદી સમયગાળાની રીતે આ દિવસે અટલ બિહારી વાજપેયીથી એક ક્રમ આગળ આવશે. 1996માં તેર દિવસ, 1998માં તેર મહીના અને 1999માં પાંચ વર્ષની મુદત પૂર્ણ થાય તે અગાઉ નવી લોકસભા ચૂંટણીનું આહ્વાન કરીને સત્તા ગુમાવનાર અટલ બિહારી વાજપેયી આ ત્રણ મુદતના વડાપ્રધાન પદ દરમિયાન કુલ છ વર્ષ એંસી દિવસ હોદ્દા પર રહ્યા હતા. નરેન્દ્રભાઈ મોદી આ ક્રમમાં એક દિવસ તો ખરા જ પણ એથી આગળ વધશે. લાંબા સમયગાળાની રૂએ મે 2014થી તેમનું સળંગ શાસન ચાલ્યું આવે છે એ પણ નોંધવું રહ્યું. હાલમાં મે 2019થી વડાપ્રધાન પદની તેમની બીજી મુદત ચાલી રહી છે.

પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂ ભારતના સ્વાતંત્ર્ય સાથે 1947 થી 1964માં તેમનું હોદ્દા પર રહેતા અવસાન થયું ત્યાં સુધી કુલ ચાર મુદતમાં આશરે સત્તર વર્ષ હોદ્દા પર રહ્યા. તેમના એક માત્ર પુત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધી 1966, 1967, 1971 અને 1980માં એમ ચાર વાર વડાપ્રધાન પદ સંભાળતા સોળ વર્ષ હોદ્દા પર રહ્યા. પ્રથમ નાણા પ્રધાન અને પછી વડાપ્રધાન લેખે દેશની આર્થિક દિશા નિર્ધારિત કરવામાં જેમનું સૌથી મોટું યોગદાન છે એ ડૉ. મનમોહન સિંહ મે 2004 થી મે 2014 એમ બે મુદતમાં સળંગ દસ વર્ષ વડાપ્રધાનના હોદ્દા પર રહ્યા. આ ક્રમમાં હાલના વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદી હવે ચોથા ક્રમે આવશે.સદગત અટલ બિહારી વાજપેયી હવે પાંચમા ક્રમે રહેશે. આ ક્રમમાં ભારતની હાલની રાજકીય સ્થિતિ જોતા વર્ષ 2030 સુધી કોઈ ફેરફાર આવે તેમ નથી. ઉલ્લેખનીય છે કે સ્વાતંત્ર્ય દિવસના બીજે દિવસે 16મી ઑગસ્ટે વાજપેયીજીની બીજી પૂણ્યતિથિ છે જેઓ 2018માં અવસાન પામ્યા.

ચુંમોતેરમા સ્વાતંત્ર્ય દિવસની સૌ નાગરિકોને, ‘મેરાન્યૂઝ (MeraNews)’ના વાચકોને શુભેચ્છાઓ.

જય હિન્દ...જય હિન્દ કી સેના...જય હિન્દ.