પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): વિધાનસભાની ચૂંટણી પ્રચારમાં આવેલા નરેન્દ્ર મોદી ભુલી જાય છે કે તેઓ ભાજપના નેતા હોવાની સાથે દેશના વડાપ્રધાન પણ છે, ચૂંટણી જીતવા માટે જુમલા કરવા પડે, પણ મોરબીની સભામાં કોંગ્રેસને ગાળો આપવા માટે તેમણે ઈન્દીરા ગાંધીના નામનો ઉપયોગ કર્યો અને મચ્છુ હોનારત વખતે મોરબીની મુલાકાતે આવેલા ઈન્દીરા ગાંધી નાક ઉપર રૂમાલ બાંધી ઊભા હતા તેવો આરોપ તેમણે ઈન્દીરા ગાંધી ઉપર મુકયો હતો.

સામાન્ય રીતે આપણે ત્યાં સ્વર્ગસ્થ લોકોની વાત અને તેમના નામનો ઉપયોગ ટીકા કરવા માટે થતો નથી પણ નરેન્દ્ર મોદી તે સૌજન્ય પણ ભુલી ગયા હતા. ગુજરાતની ચૂંટણીમાં ગુજરાતની વાત કરવાને બદલે તેમણે 22 વર્ષ પહેલાના કોંગ્રેસ શાસન અને નહેરૂ અને ઈન્દીરા ગાંધીની જ વાતો કરી હતી. જેમાં તેમણે એક જુઠ્ઠાણું ચલાવ્યુ કે મોરબી હોનારત વખતે માત્ર આરએસએસના સ્વયં સેવકો જ કામ કરતા હતા જ્યારે ઈન્દીરા ગાંધી મોરબીની મુલાકાતે આવ્યા ત્યારે તેઓ નાક ઉપર રૂમાલ રાખી ઊભા રહ્યા હતા.

જો કે 1979માં થયેલી આ ઘટનાના સાક્ષીઓ હવે ઓછા રહ્યા છે, તેના કારણે સભામાં આવેલા લોકો માટે મોદીએ કહ્યું જ તે જ સત્ય માની લેવા સિવાય છુટકો ન્હોતો પરંતુ મોદીના આ ભાષણ બાદ ચિત્રલેખા દ્વારા મોરબી હોનારત વખતે પ્રસિધ્ધ થયેલા અંકની તસવીર પ્રસિધ્ધ કરવામાં આવી, જેમાં મોદીનો ભાંડો ફૂટયો હતો. મોરબી હોનારતમાં મોટી સંખ્યામાં માણસોની સાથે પશુઓ પણ માર્યા ગયા હતા, જેના કારણે મોરબીમાં મહામારી ફેલાવવાનો ડર હતો.

મોરબીમાં જે સ્વંય સેવકો ગયા હતા. તેમના માટે પણ અસહ્ય દુર્ગઘથી બચવા માટે મોંઢે રૂમાલ બાંધવા સિવાય કોઈ રસ્તો ન્હોતો. ચિત્રલેખાના અંકમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ઈન્દીરા ગાંધી અને સ્વંય સેવકો બંન્ને પોતાના નાક ઉપર રૂમાલ મુકી રહ્યા છે. જાણે ઈન્દીરા ગાંધીએ નાક ઉપર રૂમાલ મુકી જાણે કોઈ અપરાધ ન કર્યો હોય તેમ મોદીએ આરોપ લગાવ્યો હતો. આમ ઈન્દીરા ગાંધીના કૃત્યને નીચા પાડવાનો હિન પ્રયાસ દેશના વડાપ્રધાન કરે તે આપણી કમનસીબી છે.