મેરાન્યૂઝ નેટવર્ક.ધોરડો (કચ્છ): કચ્છનાં ધોરડો ખાતે દુનિયાનાં સૌથી મોટા સોલાર પાર્કનો શિલાન્યાસ કરવા માટે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કિસાન આંદોલન અંગે તેમની સરકાર કોઈપણ શંકાનું સમાધાન કરવા તૈયાર હોવાનું જણાવ્યું હતું. તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે, દેશનાં ખેડૂતોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. આ વાત તેમણે કચ્છનાં માલધારીઓ તેમજ ડેરી ઉદ્યોગના વિકાસનો દાખલો આપીને કરી હતી. મંગળવારે પીએમ મોદી કચ્છમાં ધોરડો ખાતે સોલાર પાર્ક ઉપરાંત પાણી શુદ્ધિકરણના પ્લાન્ટ તેમજ ડેરી ઉદ્યોગના ઓટોમેટિક પ્લાન્ટનો વર્ચ્યુઅલ શિલાન્યાસ કરવા માટે આવ્યા હતા. અને તે વેળાએ તેમના ભાષણના અંતિમ ભાગમાં તેઓ દિલ્હીનાં કિસાન સંદભે ઉપરોક્ત વાત કહી હતી. તેમના ભાષણ અગાઉ તેઓ કચ્છમાં ખેતી કરતા શીખ કિસાનોને પણ મળ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છનાં ધોરડો ખાતે આવેલા ટેન્ટ સિટીમાંથી સોલાર પાર્ક સહિતનાં જુદા જુદા ત્રણ મોટા પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. પોતાની 37 મિનિટની સ્પીચમાં મોદીએ અંતિમ બે-ત્રણ મિનિટ દરમિયાન દિલ્હીમાં ચાલી રહેલા કિસાન આંદોલન અંગે બોલ્યા હતા. કચ્છનાં માલધારીઓ અને ડેરી ઉદ્યોગનો દાખલો આપીને મોદીએ દિલ્હીનાં કિસાન આંદોલનની વાત છેડી હતી. તેમણે કહ્યું કે, જો ડેરી ઉદ્યોગમાં માલધારીઓ ડેરીવાળા સાથે કરાર કરે છે ત્યારે શું તેમનું પશુધન કે જમીન લઈ લેવામાં આવે છે ? આવો પ્રશ્ન કરીને તેમને કિસાન આંદોલન કરી રહેલા ખેડૂતોને ભ્રમિત કરવામાં આવી રહ્યા હોવાનું આક્ષેપ કર્યો હતો. તેમને એમ પણ કહ્યું કે, જે કૃષિ સુધાર તેમની સરકારે કર્યા છે તેની વર્ષોથી કિસાન સંગઠનો દ્વારા માંગણી કરવામાં આવી રહી હતી. વિપક્ષ પોતે જયારે સરકારમાં હતો ત્યારે તેઓ પણ આ સુધાર કરવા માંગતા હતા. પરંતુ તેમની હિંમત ન થયી. અને એ કામ અમે કર્યું છે ત્યારે હવે તેઓ વિરોધની રાજનીતિ કરી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કિસાન આંદોલન અંગે તેમની સરકાર સકારાત્મક વલણ ધરાવે છે તેવો સંકેત આપતા એમ પણ જણાવ્યું હતું કે, કિસાનોની કોઈપણ શંકાનું સમાધાન કરવા માટે તેમની સરકાર 24 કલાક તૈયાર છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ખેડૂતોના આર્થિક ઉત્થાન માટે અમારી સરકારનું મન હંમેશા ખૂલ્લું છે અને એ અમારી ટોચની પ્રાથમિકતા છે જ, એટલે ખેડૂતોએ સહેજ પણ ગભરાવાની કે ગેરમાર્ગે દોરાવવાની જરૂર નથી. દેશના નાના અને સીમાંત ખેડૂતોના કલ્યાણ માટે અમારી સરકારે જે કૃષિ કાયદાઓમાં જે સુધારાઓ કર્યા છે તે નુકશાનકારક નહી પણ ફાયદાકારક છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ આજે દેશ પૂછી રહ્યો છે કે, અનાજ અને દાળ ઉત્પન્ન કરવાવાળા નાના ખેડૂતોને તેમનો પાક બજારમાં વહેંચવાની આઝાદી શા માટે ન મળવી જોઇએ ?“ વિપક્ષ આજે ખેડૂતોના ખંભે બંદુક ફોડીને રાજનીતિ કરવા નીકળ્યો છે, તેને મારા દેશના જાગૃત ખેડૂતો જાકારો આપશે તેવો મને દ્રઢ વિશ્વાસ છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

કાર્યક્રમની શરૂઆતમાં ગુજરાત સરકારમાં ઊર્જામંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌર ઊર્જાના જન્મદાતા છે. તેમના નેતૃત્વ અને દીર્ઘદ્રષ્ટિ પૂર્ણ આયોજનના પરિણામે ઓછા સમયમાં દેશમાં ૩૬ હજાર મેગાવોટથી વધુ સૌર ઊર્જાની ક્ષમતા હાંસલ કરી શકયા છીએ. વર્ષ ૨૦૦૯માં તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સૌર ક્રાંતિની શરૂઆત કરી હતી અને ત્યારે કોઈ એ વિચાર્યું ન હતું. આજે વિશ્વની મોટી મોટી કંપનીઓ સૌર ઉર્જા માટે આગળ આવી રહી છે એ માત્રને માત્ર વડાપ્રધાનના કારણે જ શક્ય બન્યું છે.

તેમણે ઉમેર્યું કે વર્ષ ૨૦૦૨માં ગુજરાતમાં ૧૪૯ મેગાવોટ પવન ઊર્જાની ક્ષમતા હતી તે સમયે માત્ર રિન્યુએબલ એનર્જી જ એક સોર્સ હતો. પીએમ મોદીએ ગુજરાતમાં સત્તાનાં સૂત્રો સંભાળ્યા ત્યારે નવીનીકરણીય ઊર્જાનો વધુ ઉપયોગ કરીને ઇન્વેસ્ટર સોલર પોલિસી માધ્યમ દ્વારા ગુજરાતમાં બદલાવ આવ્યો અને અન્ય રાજ્યો તેનું અનુકરણ કરી રહ્યા છે. આજે દેશમાં રિન્યુએબલ એનર્જીને આગળ વધારવા માટે નવી સ્ટ્રેટેજીક પોલીસી પણ છે.

ઉર્જામંત્રી બાદ ગુજરાતનાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પણ કચ્છનાં વિકાસમાં મોદી તેમજ તેમની સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસ કામોની વાતો હિન્દી પ્રવચનમાં કરી હતી. કચ્છનાં વિકાસ સંદર્ભે તેમણે એમ પણ કહ્યું હતું કે, આજે એક પણ ઉદ્યોગ એવો નથી જે કચ્છમાં ન હોય. પાણી અંગેની 'સૌની' યોજના તથા નર્મદા પાણીનું કચ્છમાં કરવામાં આવેલું વિસ્તરણ અંગે પણ સીએમ રૂપાણીએ જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં ગુજરાત સરકારનાં મંત્રીઓ, ઉચ્ચ અધિકારીઓની સાથે સાથે બોર્ડર સિક્યોરિટી ફોર્સ(BSF) ગુજરાતનાં વડા આઈજી જી.એસ.મલિક, ઉર્જા વિભાગનાં અગ્ર સચિવ સુનયના તોમર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 

કેવો છે સોલાર પાર્ક

ઇન્ડો પાક બોર્ડરની પાસે કચ્છમાં ઉભો કરવામાં આવેલો દુનિયાનો સૌથી મોટો સોલાર પાર્ક 72,600 હેક્ટરમાં ફેલાયેલો છે. જેમાં સૌર ઊર્જા તથા પવન ઉર્જા દ્વારા 30GW(ગીગા વોટ) ઉત્પન્ન કરવામાં આવશે. જેમાં ઉચ્ચ કક્ષાનું ટ્રાન્સમિશન કોરિડોર પણ ઉભું કરવામાં આવશે. ઉજ્જડ પડેલી સરકારી જમીનનો ઉપયોગ કરીને ભારત સરકાર આગામી વર્ષ 2030 સુધીમાં 450GW ગ્રીન ઉર્જા ઉત્પન્ન કરવાની તૈયારી કરેલી છે. સિંગાપોર અને બહેરીન જેવા દેશો જેટલા વિસ્તારમાં એટલે કે 70,000 હેકટરમાં આ પાર્ક બનવાનો છે. કચ્છમાં “રીન્યુએબલ એનર્જી પાર્ક”નો શિલાન્યાસ થઇ રહ્યો છે તેમા ૩૦,૦૦૦ મેગાવોટ ઉર્જા ઉત્પાદિત થશે. રૂ. ૧.૫૦ લાખ કરોડના રોકાણથી બનનાર આ પાર્ક વિકાસની નવી દિશાઓ કંડારશે. એટલુ જ નહી પરંતુ રાષ્ટ્રની સલામતીની સાથે પર્યાવરણની સુરક્ષા પણ કરશે. પ્રતિવર્ષ ૫ કરોડ ટન કાર્બન ડાયોકસાઇડને પેદા થતો અટકાવશે એટલું જ નહી ૧ લાખથી વધુ લોકોને રોજગારી પણ મળશે.

માંડવી ખાતે આવો બનશે પાણી શુદ્ધિકરણનો પ્લાન્ટ

માંડવીમાં બનનારા ડી-સેલીનેશન પ્લાન્ટથી પ્રતિદિન સમુદ્રના 10 કરોડ લીટર પાણીનું પીવા યોગ્ય બનાવવાની ક્ષમતા છે. માંડવી ઉપરાંત દહેજમાં દસ કરોડ લીટર, દ્વારકા અને ઘોઘા એમ પ્રત્યેકમાં ૭ કરોડ લીટર અને ગીર સોમનાથમાં ૩ કરોડ લીટર પાણીની ક્ષમતાવાળા ડી-સેલીનેશન પ્લાન્ટ આગામી સમયમાં બનશે. તેના પગલે પ્રતિદિન દરિયાનું ૩૭ કરોડ લીટર પાણીને પીવાલાયક બનાવાશે.

સરકાર ઉપર દેખાયો સંગઠનનો પ્રભાવ

કચ્છમાં વડાપ્રધાન મોદીનાં કાર્યક્રમ દરમિયાન ભાજપ સંગઠનનો દબદબો જોવા મળ્યો હતો. ખાસ કરીને સરકારમાં સંગઠન કેવું વજન ધરાવે છે તે વાત ઉડીને આંખે વળગી હતી. ગુજરાત ભાજપનાં પ્રમુખ સી.આર.પાટીલ જયારે સ્ટેજ ઉપર આવ્યા ત્યારે રાજ્ય કક્ષાનાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તેમના માટે ખુરસી ખાલી કરીને તેઓ બાજુની ચેર ઉપર ચાલ્યા ગયા હતા. તેવી જ રીતે વીઆઇપી બેઠકમાં બિરાજમાન કચ્છનાં ધારાસભ્યો અને પદાધિકારીઓ પણ કચ્છ ભાજપનાં પ્રમુખ કેશુભાઈ પટેલ માટે અલગથી ખુરશીની ગોઠવણ કરી આપી હતી. જેને પગલે સરકાર ઉપર સંગઠનનો કેટલો પ્રભાવ છે તે જોવા મળ્યું હતું. 

ભાજપનાં કાર્યકરોમાં અંજારના મહિલા કાર્યકર આકર્ષણનું કેન્દ્ર બન્યા

આમ તો પીએમ મોદીનો કચ્છનો કાર્યક્રમ હોય ત્યારે જિલ્લાનાં મોટાભાગનાં નેતાઓ તથા કાર્યકરો તેમાં ભાગ લેતા હોય છે. ગણતરીના લોકો સાથે માત્ર 700 જેટલા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેમાં કચ્છનાં પાંચ ધારાસભ્યો ઉપરાંત સાંસદ વિનોદભાઈ ચાવડા સહિતનાં જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. તેવામાં અંજારના મહિલા કાર્યકર જ્યોત્સનાબેન પણ પીએમનાં કાર્યક્રમમાં અન્ય મહિલાઓ સાથે જોવા મળતા તેઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.