મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ: વિજય રૂપાણીની સરકારમાં નીતિન પટેલ પાસેથી નાણા ખાતુ લઈ લેવાના ભાજપ હાઈકમાન્ડના નિર્ણયને પહેલા ખુદ નરેન્દ્ર મોદીએ બહાલી આપી હતી, પણ ત્યાર બાદ નરેન્દ્ર મોદીએ જ અમિત શાહને સૂચના આપી કે નીતિન પટેલને નાણા ખાતુ પાછું સોંપવામામં આવે. નીતિન પટેલ પાસેથી નાણા ખાતુ લઈ અને પાછા લેવા પાછળના પણ ચોક્કસ કારણો હતા, જે અંગે હાઈકમાન્ડ દ્વારા નીતિન પટેલને પણ જાણ કરવામાં આવી છે.

વિશ્વનીય સુત્રો પાસેથે મળેલી આંતરિક માહિતી પ્રમાણે આનંદીબહેન પટેલને હટાવ્યા બાદ, વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા, જેના કારણે નીતિન પટેલ ખુબ નારાજ હતા, તેમને નાયબ મુખ્યમંત્રી પદ સોંપી નાણા ખાતુ તેમની પાસે રાખવામાં આવ્યું હતું, જેના કારણે રાજ્યની મહત્વપુર્ણ ફાઈલો તેમના ટેબલ ઉપર જતી હતી, ખાસ કરી મુખ્યમંત્રી વિજય રૂપાણીની કચેરીમાંથી પણ નાણા વિભાગની ફાઈલો તેમની પાસે જતી હતી.

નીતિન પટેલ  મુખ્યમંત્રી કાર્યાલયમાંથી આવેલી ફાઈલો ઉપર પ્રશ્ન ઊભા કરી તે ફાઈલને મંજુરી આપ્યા વગર મુખ્યમંત્રી તરફ પાછી મોકલતા હતા. આમ મુખ્યમંત્રી જે જાહેરાત કરે તેને નાણા વિભાગ દ્વારા મંજુરી મળતી નહીં હોવાને કારણે તેમાં વિલંબ થતો હતો. નીતિન પટેલનો સતત પ્રયાસ એવો હતો કે વિજય રૂપાણી બિનકાર્યક્ષમ પુરવાર થાય. આ બાબત વિજય રૂપાણી દ્વારા ભાજપ હાઈકમાન્ડના ધ્યાન ઉપર મુકવામાં આવી હતી. જેના કારણે નવી સરકારની રચના થતાં નીતિન પટેલ પોતાના વ્યવહારનું પુનરાવર્તન કરે નહીં તે માટે તેમની પાસેથી નાણા વિભાગ લઈ લેવામાં આવ્યો હતો..

જો કે ત્યાર બાદ નીતિન પટેલની નારાજગી બાદ જે સ્થિતિ નિર્માણ થઈ તેની નરેન્દ્ર મોદીએ સમીક્ષા કરી હતી, જેમાં હાર્દિક પટેલ સહિતના મુદ્દે ભાજપે પટેલો સામે નીતિન પટેલને ઊભા કર્યા હતા. જેના કારણે હાર્દિક પટેલ અને નીતિન પટેલ સામ-સામે આવી ગયા હતા. આમ પાર્ટી માટે હાર્દિક સામે જંગ માંડનાર નીતિન પટેલને અન્યાય થઈ રહ્યો છે તેવું ખુદ નરેન્દ્ર મોદીને પણ લાગ્યું હતું, જેના કારણે તેમને અમિત શાહને નીતિન પટેલને નાણા ખાતુ પરત આપવા જણાવ્યું હતું, જો કે નીતિન પટેલને પણ તાકીદ કરવામાં આવી કે તેઓ વિજય રૂપાણી દ્વારા લેવામાં આવતા રાજ્યના નિર્ણયોમાં આડખીલી બને નહીં.