પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): 2019ની લોકસભાની ચૂંટણી નરેન્દ્ર મોદી સહિત ભાજપ માટે કાંટાની ટક્કર છે. એક તરફ ભાજપ સામે તમામ પક્ષો એક થઈ રહ્યા છે, બીજી તરફ 2014માં નરેન્દ્ર મોદી જે મુદ્દાને લઈ દેશના લોકો સામે ગયા હતા, તે મુદ્દે ખાસ કરી નરેન્દ્ર મોદી કરી કાંઈ શક્યા નથી, તેમ દેશની બહુમતી પ્રજા માની રહી છે. જો કે સામા પક્ષે ભાજપથી નારાજ મતદારો હજી કોંગ્રેસ તરફી થયા નથી તે ભાજપનું જમા પાસું છે. આ સ્થિતિમાં સમગ્ર દેશમાં ભાજપના ગગડતા ગ્રાફ પછી પણ સત્તામાં યથાવત રહેવા માટે ભાજપ એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. ભાજપના નેતાઓ માને છે કે હાલમાં પ્રવાહી દેખાતી સ્થિતિને નરેન્દ્ર મોદી પોતાની તરફ કરી લેશે.

ભાજપની આવી જ સ્થિતિ નરેન્દ્ર મોદી અને અમિત શાહના હોમગ્રાઉન્ડમાં પણ છે. 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન થાય પણ પ્રજા ઉપર પક્કડ રાખી શકે તેવો કોઈ નેતા ભાજપ પાસે ન્હોતો. પહેલા આનંદીબહેન પટેલ અને બાદમાં વિજય રૂપાણીએ સત્તાના સુકાન સંભાળ્યા, 2017ની ચૂંટણીમાં ગુજરાત ભાજપ સત્તા જાળી રાખવામાં સફળ તો રહ્યું પણ તે સફળતાની ઉજવણી થઈ શકે તેવી સ્થિતિ ના રહી, 2017ના ચૂંટણી પરિણામની અસર 2019 લોકસભા ઉપર થવાની છે તે નિશ્વીત છે. આમ છતાં ગુજરાતમાં ભાજપની લોકસભા બેઠકોમાં ઘટાડો થાય તે નરેન્દ્ર મોદી અને અમિત શાહને પાલવે તેમ નથી. ગુજરાત મોડલમાં જ ગાબડુ પડે તો કેન્દ્રમાં રહેલા મોદી અને શાહના વિરોધીઓ તેમની ઉપર હાવી થઈ જાય તેમ છે.

2014ની ચૂંટણી જીત્યા પછી નરેન્દ્ર મોદીએ પોતાનું ધ્યાન પોતાના મત વિસ્તાર વારાણસીમાં કેન્દ્રીત કર્યું, વારાણસીની શકલ બદલાવા માટે તેમણે ઘણા વિકાસ કામો ત્યાં કર્યા, જેના ભાગ રૂપે વારાણસીનાં ઘણા મંદિર તોડી પાડવામાં આવ્યા છે. આવું જ નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં પણ કર્યું હતું. જો કે ગુજરાત અને ઉત્તર પ્રદેશના મતદારોની માનસીકતા જુદી છે. ગાંધીનગરના મતદારો રસ્તામાં ઉપર રહેલા મંદિરો તોડી પાડવામાં આવ્યા ત્યારે કંઈ બોલ્યા નહીં, પરંતુ વારાણસીના મતદારો આ મામલે વધુ પડતા સંવેદનશીલ છે. તેઓ પોતાના મંદિર તોડી પાડવાની ઘટનાને કારણે ખાસ્સા નારાજ છે. ભાજપના વારાણસીના નેતાઓ માને છે કે આ મામલો નરેન્દ્ર મોદીની મુશ્કેલી વધારી શકે છે. તેના કારણે નરેન્દ્ર મોદીએ વારાણસીમાં ચૂંટણી લડવાનો વિચાર પડતો મુકવો જોઈએ.

આમ પણ 2001થી નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા ત્યાર બાદ 2014 સુધી તેઓ જેટલી વિધાનસભાની ચૂંટણી લડ્યા તેમાં તેમણે પણ મત વિસ્તાર બદલયા છે. હવે તેઓ બીજી વખત લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે.  આમ તો નરેન્દ્ર મોદીનું મન ભાજપના રાષ્ટ્રીય નેતા પણ કળી શકતા નથી, છતાં તેઓ માને છે કે નરેન્દ્ર મોદી વારાણસી બેઠક છોડી અન્ય બેઠક ઉપરથી ચૂંટણી લડશે. તેઓ એક સંભાવના એવી પણ જોઈ રહ્યા છે કે, નરેન્દ્ર મોદી દેશની બે બેઠકો ઉપર ચૂંટણી લડશે. જે પૈકી એક બેઠક ગુજરાતમાંથી હશે, ગુજરાતમાંથી ચૂંટણી લડવાનું કારણ જો મોદી ગુજરાતમાંથી ચૂંટણી લડે તો ગુજરાતનો માહોલ બદલાઈ શકે તેમ છે. સંભવત્ તેઓ ગાંધીનગર બેઠક ઉપર પોતાની પસંદગી ઉતારશે  આ બેઠક પર હાલમાં લાલકુષ્ણ અડવાણી છે.