પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): અહેમદ પટેલના નિધનને કારણે કોંગ્રેસે એક સારો માણસ ગુમાવ્યો છે, દિલ્હીના દરબારમાં તેમનો વર્ષોથી દબદબો હોવા છતાં તેમના પગ કાયમ ધરતી ઉપર રહ્યા હતા, સત્તાનો કયારેય અતિરેક થાય નહીં અને સત્તાનો ઉપયોગ રાજકીય હિસાબ પુરો કરવા માટે થવો જોઈએ નહીં તેવું દ્રઢપણે માનતા હતા. 2001માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી થયા અને 2002માં વ્યાપક પ્રમાણમાં કોમી તોફાન ફાટી નિકળ્યા હતા. ગુજરાતના એક સમુદાયના લોકો અને કર્મશીલનો આરોપ હતો કે ગુજરાતના તોફાનો માટે નરેન્દ્ર મોદી જવાબદાર છે.

ગુજરાતના તોફાનોનો મામલો ગુજરાત હાઈકોર્ટથી લઈ સુપ્રીમકોર્ટ સુધી પહોંચ્યો હતો  2008માં સુપ્રીમકોર્ટના આદેશના પગલે સીબીઆઈ અને ગુજરાતના અધિકારીઓ સાથે મળી એક એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું હતું. આ તપાસદળનું કામ તોફાનમાં સંડોવાયેલા રાજકીય અને બીનરાજકીય લોકોની સંડોવણી શોધી તેમની ધરપકડ કરવાનું હતું, એસઆઈટીન ગઠન પછી જેઓ નરેન્દ્ર મોદી સામે આરોપ મુકી રહ્યા હતા તેમને આશા જન્મી હતી કે એસઆઈટી આ મામલે નરેન્દ્ર મોદીની ધરપકડ કરશે.


 

 

 

 

 

કેન્દ્રમાં યુપીએની સરકાર હતી, જેના કારણે કોંગ્રેસના નેતાઓનો એક મોટો વર્ગ એવા મતનો હતો કે તોફાન માટે નરેન્દ્ર મોદી જ જવાબદાર છે અને તેમની ધરપકડ થવી જોઈએ, જયારે ભાજપના નેતાઓ આરોપ મુકી રહ્યા હતા કે, કેન્દ્રમાં યુપીએની સરકાર હોવાને કારણે સીબીઆઈ યુપીએના ઈશારે રાજકીય હિસાબ પુરો કરવા માગી રહી છે, નરેન્દ્ર મોદીની આ મામલે ધરપકડ થવી જોઈએ તેવું માનનાર દિલ્હી અને ગુજરાત કોંગ્રેસના અનેક નેતાઓ માની રહ્યા હતા અને કોંગ્રેસ હાઈકમાન્ડ સામે માગણી કરી રહ્યા હતા.

આ મામલે એસઆઈટી દ્વારા નરેન્દ્ર મોદીને સમન્સ પાઠવી તેમનો પક્ષ રજુ કરવાની તક આપવામાં આવી ત્યારે નરેન્દ્ર મોદીની ધરપકડ થશે તેવું માનવામાં આવી રહ્યું હતું, પણ એસઆઈટી સામે જે પુરાવાઓ આવ્યા હતા. તેમાં માત્ર આરોપો હતા, પણ નરેન્દ્ર મોદીની સંડોવણી સાબીત થાય તેવા કોઈ પુરાવા મળ્યા ન્હોતા.યુપીએ પાસે આ તક હતી, એક તબ્બકે તેઓ નરેન્દ્ર મોદીની ધરપકડ કરી જેલમાં મોકલી આપે, ત્યાર બાદ વર્ષો પછી ટ્રાયલ વખતે પુરાવાના અભાવે નરેન્દ્ર મોદી ભલે છુટી જાય, નરેન્દ્ર મોદીને કોઈ પણ ભોગે જેલમાં મોકલી આપવા હાઈકમાન્ડ ઉપર યુપીએના સાથી પક્ષો અને ખુદ કોંગ્રેસના સિનિયર નેતાઓ દબાણ કરી રહ્યા હતા.

આ વખતે કોંગ્રેસ પ્રમુખના રાજકીય સલાહકાર રહેલા અહેમદ પટેલે કોંગ્રેસ પ્રમુખને સલાહ આપી હતી કે એસઆઈટી સામે જે પુરાવા આવ્યા છે, તે પુરાવા જો અપુરતા હોય તો નરેન્દ્ર મોદીની ધરપકડ કરવી ન જોઈએ, ખુદ અહેમદ પટેલ પણ નરેન્દ્ર મોદીની વિચારધારાના કટ્ટર વિરોધી રહ્યા હતા. આમ છત્તાં જ્યારે તેમને કોંગ્રેસ પ્રમુખને નરેન્દ્ર મોદીની ધરપકડના મામલે સલાહ આપવાનો વખત આવ્યો ત્યારે રાજકીય હિસાબના ધોરણે કાર્યવાહી કરવાને બદલે માત્ર ગુણદોષના આધારે કાર્યવાહી થવી જોઈએ તેવી સલાહ આપી હતી. જેના કારણે કેન્દ્ર સરકારનો પોપટ ગણાતી સીબીઆઈએ નરેન્દ્ર મોદીને ક્લીનચીટ આપી ત્યારે ખુદ કોંગ્રેસીઓ અને કોંગ્રેસના સમર્થકોને આધાત લાગ્યો હતો. અહેમદ પટેલના આ વલણને કારણે અહેમદ પટેલ ઉપર ખાનગીમાં એવો પણ આરોપ થતો હતો કે તેઓ નરેન્દ્ર મોદી માટે કુણુ વલણ રાખે છે.

અહેમદ પટેલ હવે રહ્યા નથી પણ સત્તા જ્યારે પણ મળે ત્યારે કઈ રીતે એક રાજનેતા પોતાની સત્તા અને તાકાતને નિયંત્રિત કરવી જોઈએ તેનું તેઓ ઉત્તમ ઉદાહરણ રહ્યા છે.