મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના સામે થપ્પડ સંબંધિત ટીપ્પણીને લઈને કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને પોલીસે પકડી લીધા છે. રાણેએ જુલાઈ મહિનામાં જ નરેન્દ્ર મોદીની કેબિનેટમાં સુક્ષ્મ, લધુ અને મધ્યમ ઉદ્યોગોના મંત્રી તરીકે પદભાર સંભાળ્યો છે. પોલીસની ટીમ મંત્રીને પકડવાને લઈને સંગમેશ્વર ગઈ હતી. રાણે 20 વર્ષમાં એવા પહેલા કેન્દ્રીય મંત્રી છે, જેમની ધરપકડ કરવામાં આવી છે. રાણેની ધરપકડની આશંકા તે સમયે વધી ગઈ હતી જેયારે ધરપકડના સંરક્ષણ સંબંધિત તેમની તરફથી દાખલ કરાયેલી અરજી બોમ્બે હાઈકોર્ટે તત્કાલ સુનાવણી કરવાથી ઈન્કાર કરી દીધો હતો. નારાયણ રાણેએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સામે પોતાની ટિપ્પણીને લઈને ફરિયાદને પડકારતાં મંગળવારે બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી પોતાની ધરપકડ સામે સંરક્ષણની વિનંતિ કરી હતી. કોર્ટે અરજી પર તાત્કાલીક સુનાવણીથી ઈન્કાર કરી દીધો.

એડવોકેટ અનિકેત નિકમ મારફતે દાખલ કરવામાં આવેલી રાણેની અરજીમાં એફઆઈઆર રદ કરવાના નિર્દેશો માંગવામાં આવ્યા છે. જસ્ટિસ એસ.એસ. શિંદે અને જસ્ટિસ એન.જે. જમાદારની ખંડપીઠ સમક્ષ દાખલ કરવામાં આવેલી અરજીમાં મંગળવારે જ તાત્કાલિક સુનાવણીની માંગણી કરવામાં આવી હતી. જો કે, ખંડપીઠે તેને સાંભળવાનો ઇનકાર કર્યો અને કહ્યું કે (અરજી) નો ઉલ્લેખ કરવો માન્ય નથી. બેન્ચે કહ્યું હતું કે વકીલે પ્રક્રિયાનું પાલન કરવું પડશે.

કેન્દ્રીય મંત્રી રાણેની ધરપકડ પર પ્રતિક્રિયા આપતા ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું, 'નારાયણ રાણેની બાબત ગંભીર છે. નારાયણ રાણેએ કેટલાક શબ્દોનો ઉપયોગ કર્યો હશે, તે ટાળી શકાય છે. મહારાષ્ટ્રમાં 42 માંથી 27 આવા મંત્રીઓ છે જેમની ઉપર કેસ છે. અનિલ દેશમુખ પર 100 કરોડની ઉચાપત કરવાનો આરોપ છે, શું તે જેલમાં છે? પોલીસ અનિલ પારખને પુછતી પણ નથી. આજે મહારાષ્ટ્રમાં લોકશાહીને શરમજનક સ્થિતિમાં મૂકવામાં આવી છે. સંજય રાઉતે મહિલાઓ વિરુદ્ધ ઘણા નિવેદનો આપ્યા પરંતુ કોઈ એફઆઈઆર નોંધવામાં આવી નથી.

ઉલ્લેખનીય છે કે, રાણેએ દાવો કર્યો હતો કે તેમના સ્વતંત્રતા દિવસના ભાષણમાં ઠાકરે ભૂલી ગયા હતા કે દેશની આઝાદીને કેટલા વર્ષો વીતી ગયા છે. બાદમાં આ સંદર્ભમાં તેમણે ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. સોમવારે રાયગઢ જિલ્લામાં 'જન આશિર્વાદ યાત્રા' દરમિયાન નરેન્દ્ર મોદી સરકારમાં કેબિનેટ મંત્રી રાણેએ કહ્યું હતું કે, "આ શરમજનક છે કે મુખ્યમંત્રીને ખબર નથી કે આઝાદીને કેટલા વર્ષો વીતી ગયા છે. ભાષણ દરમિયાન, તે પાછળ જોતા અને તેના વિશે પુછપરછ કરતા જોવા મળ્યા હતા. જો હું ત્યાં હોત તો મેં તેને એક જોરદાર થપ્પડ આપી હોત. "ખાસ વાત એ છે કે રાણે પોતે એક સમયે શિવસેનામાં રહેતા હતા. રાણે, જે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હતા, અગાઉ શિવસેનામાં હતા, બાદમાં તેમણે કોંગ્રેસમાં પ્રવેશ કર્યો અને પછી, 2019 માં, તેઓ ભાજપમાં જોડાયા.

રાણેના આ નિવેદનની શિવસેનાએ સખત નિંદા કરી હતી. પાર્ટીના કાર્યકરોએ મુંબઈ અને અન્ય ઘણી જગ્યાએ પોસ્ટર લગાવ્યા હતા જેમાં રાણેને 'કોમ્બડી ચોર' (ચિકન ચોર) તરીકે વર્ણવવામાં આવ્યા હતા. રાણે આશરે પાંચ દાયકા પહેલા ચેમ્બુરમાં 'મરઘાં' ની દુકાન ચલાવતા હતા. નાસિક પોલીસ, નાસિક સાયબર અને પુણે પોલીસમાં નારાયણ રાણે વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. 36 એફઆઈઆર નોંધવામાં આવી છે. પહેલા દિવસે 19 FIR અને બીજા દિવસે 17 FIR નોંધાયા હતા.