દિવ્યકાંત ભટ્ટ (મેરાન્યૂઝ. એટલાન્ટા): અમેરિકાના એટલાન્ટા સિટીમાં આવેલી ગોકુલધામ હવેલીમાં રવિવાર તા.28 નવેમ્બરે વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી મહારાજના જન્મદિન નિમિત્તે નંદ મહોત્ત્સવની સાથે દ્વારિકાધીશજીની ધજાજીના પધરામણી ઉત્ત્સવની આનંદ અને ઉલ્લાસપૂર્વક ઉજવણી કરાઇ હતી. આ બંને ઉત્ત્સવમાં એટલાન્ટા અને આસપાસના શહેરોમાંથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

વડોદરાના કલ્યાણરાયજી મંદિરના ષષ્ઠપીઠાધિશ્વર દ્વારકેશલાલજી મહારાજના 54 મા જન્મદિન નિમિત્તે એટલાન્ટાની ગોકુલધામ હવેલીમાં રવિવારે ઠાકોરજી સન્મુખ પલના અને નંદ મહોત્ત્સવના મનોરથનું આયોજન કરાયું હતું. સાંજે 5.30 થી 7.30 સુધી આયોજિત આ નંદ મહોત્ત્સવ પ્રસંગે ભજન-સત્સંગ-કિર્તનમાં ભાગ લઇને તેમજ ઠાકોરજીના દર્શન કરીને વૈષ્ણવ શ્રદ્ધાળુઓ ભાવવિભોર બન્યા હતા. વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી મહારાજને જન્મદિનની વધાઇ સાથે વૈષ્ણવોએ નંદ ઘેર આનંદ ભયો.. જય કનૈયા લાલકીનો જયઘોષ કરીને દર્શનચોક ગજવી દીધો હતો. આ પ્રસંગે ગોકુલધામના એક્ઝિક્યુટિવ સેક્રેટરી તેજસ પટવા અને ટ્રસ્ટી ડૉ. ઇન્દ્ર શાહ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement


 

 

 

 

 

આ ઉપરાંત ગોકુલધામ હવેલીમાં એટલાન્ટાના વૈષ્ણવ શ્રદ્ધાળુ છભાયા પરિવાર દ્વારા દ્વારિકાધીશજીની ધજાજીની પધરામણીનો મનોરથ કરાયો હતો. શાંતાબહેન છભાયા, સંગીતા-અતુલ છભાયા, જયશ્રી-જયસુખ છભાયા, સંધ્યા-ચતુરભાઇ છભાયા, સવિતાબહેન-બાબુભાઇ છભાયા અને શારદાબહેન-ધીરુભાઇ છભાયા દ્વારા આયોજિત આ મનોરથ અંતર્ગત ધજાજીના આગમન બાદ હવેલીના પ્રાંગણમાં શોભાયાત્રા યોજાઇ હતી. ત્યારબાદ રાસ-ગરબા પણ યોજાયા હતા. આ મનોરથ વેળા મોટી સંખ્યામાં વૈષ્ણવ શ્રદ્ધાળુઓ ધજાજીના દર્શન કરી ધન્ય થયા હતા.

અતુલ છભાયાએ જણાવ્યું હતું કે, દ્વારિકાથી વિજયાબહેન-અલ્પેશ પેથાણી દ્વારા ધજાજી એટલાન્ટા લાવવામાં આવ્યા બાદ ટેક્સાસ, ન્યૂજર્સી અને એટલાન્ટામાં કુલ-25 સ્થળોએ ધજાજીની પધરામણી કરાઇ હતી. આ ધજાજી તા.22 ડિસેમ્બરે દ્વારિકામાં દ્વારિકાધીશને અર્પણ કરી ધજારોહણ કરાશે.

નંદ મહોત્ત્સવ અને ધજાજીના પધરામણી મનોરથ બાદ વૈષ્ણવ શ્રદ્ધાળુઓએ મહાપ્રસાદનો લ્હાવો લીધો હતો. મહાપ્રસાદ સેવામાં ભાનુબહેન પટેલ, મનુભાઇ પટેલ, સોહિણીબહેન પટેલ, જશુબહેન પટેલ, અશ્વિનભાઇ પટેલ, ગિરિશ શાહ, નિક્સન પટેલ, પ્રકાશ પટેલ, રજનીભાઇ શેઠ સહિત સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી.