મેરાન્યૂઝ નેટવર્ક.એટલાન્ટા: અમેરિકાના એટલાન્ટા સિટીમાં સ્થપાયેલી ગોકુલધામ હવેલી ખાતે શનિવારે હેલ્થ કેમ્પના આયોજન સાથે નંદ મહોત્સવની ઉમંગભેર ઉજવણી કરાઇ હતી. નવનિર્મિત ગોકુલધામ હવેલીમાં આયોજિત નંદ મહોત્સવ અને મટકી ફોડના કાર્યક્રમોમાં એટલાન્ટા અને તેની આસપાસના શહેરોમાંથી અંદાજે 700 થી વધુ વૈષ્ણવો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
વડોદરાના કલ્યાણરાયજી મંદિરના ષષ્ઠપીઠાધીશ્વર વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી મહારાજના માર્ગદર્શન હેઠળ એટલાન્ટાની ગોકુલધામ હવેલીમાં શનિવારે સવારે હેલ્થ કેમ્પ તેમજ સાંજે નંદ મહોત્સવનું આયોજન થયું હતું. 

ગોકુલધામ હવેલીમાં શનિવારે સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી યોજાયેલા હેલ્થ કેમ્પમાં 27 જેટલાં ગુજરાતી સ્પેશ્યાલિસ્ટ ડૉકટર્સે ઉપસ્થિત રહી ‘સેવા પરમોધર્મ’ ઉક્તિને સાર્થક કરી હતી. સ્પેશ્યાલિસ્ટ તબીબોએ 160 થી વધુ દર્દીઓની રૂબરૂ પૃચ્છા સાથે બીમારી અંગે નિદાન કરી સારવાર માટેનું સચોટ માર્ગદર્શન આપ્યું હતું.

હેલ્થ કેમ્પને સફળ બનાવવા ગોકુલધામ હવેલીના એક્ઝિક્યુટિવ સેક્રેટરી તેજસ પટવા, હેતલ શાહ, કિન્તુ શાહ, પરિમલ પટેલ સહિત સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી. હેલ્થ કેમ્પ સંપન્ન થયા બાદ ગોકુલધામમાં સાંજે 5.30 થી 7.30 વાગ્યા સુધી નંદ મહોત્સવની ઉજવણી કરાઇ હતી. સાંજે 5.30 કલાકે દર્શન ખુલતાં મંદિરના મુખ્યાજીએ જશોદા મૈયાના રૂપમાં નંદલાલાને પારણે ઝૂલાવી ઉપસ્થિત વૈષ્ણ‌વોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. નંદલાલાના જન્મોત્સવની વધામણી રૂપે સુકામેવા અને ચોકલેટના પ્રસાદનું વિતરણ કરાયું હતું. આ સાથે નંદઘેર આનંદ ભયો, જય કનૈયાલાલકી ના જયઘોષ સાથે મંદિર પરિસર ગુંજી ઊઠ્યું હતું. નંદ મહોત્સવ ટાણે ચણિયા-ચોળી પરિધાન કરીને આવેલી મહિલાઓએ ગરબાનો આનંદ માણ્યો હતો.

નંદ મહોત્સવ અંતર્ગત ગોકુલધામના પ્રાંગણમાં નિજ મંદિરની સન્મુખ સાંજે 6.45 કલાકે મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો હતો. ગોકુલધામમાં આવતાં નાના બાળકોએ નાચગાન સાથે આ કાર્યક્રમમાં ભાગ લઇ મટકી ફોડી હતી. મટકી ફૂટતાં જ બાળકોએ ચોકલેટ લૂંટવાનો આનંદ માણી નંદ મહોત્સવને ઉલ્લાસભેર ઉજવ્યો હતો.