સુભાન સૈય્યદ (મેરાન્યૂઝ.નડિયાદ): કોરોનાની આ કટોકટીના કાળમાં માનવી સહિત પશુઓની સ્થિતિ કફોડી બની છે. સામાન્ય રીતે માનવી સાથે સહજીવન જીવતાં પશુ-પ્રાણીઓનો જીવન નિર્વાહ ચાલી જતો હતો, પરંતુ લોકડાઉનમાં આવા પ્રાણી-પશુઓને પૂરતો આહાર મળે છે કે કેમ તે પણ કહેવું મુશ્કેલ છે. માનવી માટેની કપરો આ સમય પશુ-પ્રાણીઓ માટે મુશ્કેલી લઈને આવ્યો છે. આ સ્થિતિમાં નડિયાદમાં આવેલાં મુસ્લિમ ભાઈઓએ એક ઉમદા કાર્ય હાથ ધર્યું છે. મુસ્લિમ ચિસ્તિયા ખીદમત નામના આ ગ્રૂપ દ્વારા મૂંગા પશુઓને લીલો ચારો પૂરો પાડાઈ રહ્યો છે. અત્યારે અનેક ગ્રૂપ દ્વારા અલગ-અલગ રીતે સેવાના કાર્ય હાથ ધર્યા છે, ત્યારે મુસ્લિમ સમાજના આ ગ્રૂપને આપણી આસપાસના મૂંગા પશુઓ નજરે ચઢ્યા છે.

એક એક દિવસ છોડીને નડિયાદભરમાં જ્યાં ગાય દેખાય ત્યાં ઉભા રહીને તેમને ચારો નાખે છે. એકાંતરે દિવસે કરાતી આ સેવામાં ગ્રૂપ તરફથી અંદાજે એક હજારથી પંદરસો કિલો ચારો ખરીદવામાં આવે છે અને પૂરા નડિયાદમાં જ્યાં પણ ગાય કે અન્ય પશુ દેખાય ત્યાં તે મુંગા પશુઓને આપે છે.

કોરોનાનો આ સમય આપણા સૌ માટે પડકારભર્યો છે, ત્યારે તેમાંથી કેટલીક સારી બાબત પણ નીપજી રહી છે, તેમાંનું જ આ એક ઉદાહરણ છે. એક બીજાના પગ ખેંચવા કરતાં એક બીજાને હાથ લંબાવી મદદ આપનારા આવા ઘણા લોકો છે. ઘણા ગરીબો અને જરૂરિયાત મંદોને જમાડે છે, ઘણા નાણાકીય મદદ કરે છે. ઘણા સરકારને દાન કરે છે વગેરે રીતે હાલ ભારત આ મહામારી સામે એક માનવીય અભિગમ સાથે લડી રહ્યો છે તે એક ઉમદા બાબત છે.