Edited by: ફૈઝાન રંગરેજ (મેરાન્યૂઝ.અમદાવાદ): કેહવાય છે કે સત્તા આગળ શાણપણ નકામું પણ જ્યારે સત્તાધીશો જ ભાન ભૂલી જાય ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાય તે અત્યારે ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં જોવા મળી રહ્યું છે. લગભગ છેલ્લા ૨ મહિનાથી મ્યાનમારના સૈન્યના વડાએ ત્યાંના મોટા નેતાઓને કેદી બનાવ્યા છે અને શાસન પોતાના હસ્તક લીધું છે. મ્યાનમારની પ્રજા સેનાનો વિરોધ કરી રહી છે અને ફરી લોકશાહી સ્થાપવા માટે સેનાની સામે રસ્તા પર ઉતરી ગઈ છે. અમેરિકા, ફ્રાન્સ, રશિયા, ચીન, ભારત આ એવા દેશો છે જે ઈચ્છે તો મ્યાનમારને મદદ કરી શકે છે અને ત્યાં ફરી એકવાર લોકશાહીની સ્થાપના કરાવી શકે છે.

અંદાજિત સાડા પાંચ કરોડની વસ્તી ધરાવતા મ્યાનમારને સેનાના કમાન્ડર ઇન ચીફ જનરલ મીને લગભગ છેલ્લા ૨ મહિનાથી બંધક બનાવી લીધો છે. આધુનિક હથિયારો અને સેનાના બળથી મ્યાનમારમાં શાસન ચાલી રહ્યું છે. ૨ દિવસ પહેલા સેનાએ સવાસૌ આંદોલનકારીઓને મોતને ઘાટ ઉતારી દીધા. મ્યાનમારની જનતા કોઈ શાસ્ત્રો કે સાધન વગર સેનાની સામે ઊભી છે પણ કોઈ દેશ તેમને મદદ કરવા આગળ નથી આવતો. આવી પરિસ્થતિમાં મ્યાનમારના લોકો ત્યાંથી પલાયન કરીને ભારત અને થાઇલેન્ડ તરફ જઈ રહ્યા છે. ભારતના પૂર્વોત્તરના રાજ્યો તરફ મ્યાનમારની સરહદ આવેલી છે જેથી ઘણા લોકો પલાયન કરી આ રાજ્યો તરફ આવી રહ્યા છે.


 

 

 

 

 

અમેરિકાએ પેહલા મ્યાનમાર પર પ્રતિબંધ લાદવાની ચિમકી આપી હતી પણ તેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અફઘાનિસ્તાન, ઈરાક, ઈરાન, સીરિયા વગેરે જેવા દેશોના મુદ્દે વિશ્વના મોટા દેશો આંતરિક મુદ્દો ગણ્યા વગર મદદ કરવા પહોંચી જાય છે, જોકે તેની પાછળના કારણો પણ ઘણા ફાયદાકારક હોઈ શકે છે. જ્યારે મ્યાનમારમાં ૨ મહિના જેટલા સમયથી આવી પરિસ્થિતિ છે તો પણ કોઈ દેશ મ્યાનમારની પ્રજાને મદદ કરવા પહોંચ્યા નથી. 

ભૂતકાળમાં ભારતે પણ આવી રીતે બીજા દેશોની મદદ કરી છે. જેમ કે બાંગ્લાદેશની આઝાદીની લડાઇમાં તે સમયના પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ ભારતનું સૈન્ય બાંગ્લાદેશ મોકલીને તેમને મદદ કરી હતી. તેવી જ રીતે શ્રીલંકામાં પણ LTTEના મામલે લડવા માટે પણ ભારતએ પોતાના સૈનિકોને શ્રીલંકા મોકલ્યા હતા. મ્યાનમારમાં પણ અત્યારે એવી જ કઈક સ્થિતિ છે. આને આંતરિક મામલો ન સમજીને માનવતાની દ્રષ્ટીએ અન્ય દેશોએ મ્યાનમારની પડખે ઊભા રેહવું જોઈએ અને ત્યાં ફરીથી લોકશાહીની સ્થાપના થાય તેવા કોઈ પગલાં લેવા જોઈએ.