ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): પશ્ચિમના તમામ દેશો અને અને ઉધ્યોગ ગૃહો આધુનિક મેગ્નેટ ટેકનોલોજીમાં ચીનની ઇજારાશાહી તોડવાની હોડમાં ઉતર્યા છે. વિરોધી દેશ ચીન સામે અમેરિકા રેઅર-અર્થ મેટલ (મેગ્નેટ) ક્ષેત્રે સ્પર્ધા કરવામાં હાંફી ગયું છે. ઇલેક્ટ્રિક કાર અને વિન્ડ ટર્બાઇન જેવા અનેક ક્ષેત્રે વપરાતા મહત્વના કાચામાલ રેઅર-અર્થ મેટલના ઉત્પાદન અને તેની પ્રોસેસિંગ એમ બંને પ્રક્રિયામાં પશ્ચિમના દેશો ખૂબ પાછળ રહી ગયા છે.

મ્યાંમારથી ચીનને પૂરો પાડવામાં આવતો રેઅર-અર્થ મેટલ પુરવઠો ત્યાં ચાલતી સિવિલ વોરને કારણે મુશ્કેલીમાં મુકાઇ જવાના ભયે ભાવમાં નવેસરથી ઉછાળો આવ્યો છે. અલબત્ત, હજુ સુધી સપ્લાયમાં કોઈ ખાંચરો પડ્યો નથી. ગતવર્ષથી શરૂ થયેલી તેજી આ વર્ષે પણ આગળ વધી રહી છે. મેગ્નેટ બનાવવાના કાચા માલ ટેરબયુઅમ ઓકસાઈડ અને ડાયસ્પોર્સીયમ ઓકસાઈડના ભાવ આ મહિને અનુક્રમે ૩૬ ટકા અને ૫૮ ટકા વધીને ૨૦૧૨ પછીની નવી ઊંચાઈએ પહોંચી ગયા છે.


 

 

 

 

 

એનાલિસ્ટો કહે છે કે જગતની કૂલ રેઅર-અર્થ મેટલમાંથી એકલું ચીન ૭૦ ટકા ઉત્પાદિત કરે છે અને વિશ્વના ૯૦ ટકા રેઅર-અર્થ મેટલમાંથી મેગ્નેટ બનાવવાની જટિલ પ્રોસેસિંગ કરે છે, તેથી ભાવ પર   ઇજારાશાહી પણ છે. તમે જોઈ શકો છો કે વેગથી વિકસતી નવી નવી ટેકનોલોજી પર પણ બીજિંગ પોતાની આગવી છાપ છોડવામાં અગ્રેસર છે. ચાઈનીસ રેઅર-અર્થ મેટલ એસોસિયેશન, જે ભાવ ઇંડેક્સ પણ પ્રસિધ્ધ કરે છે તેણે ઓક્ટોબરથી જાન્યુઆરી એન્ડ સુધીમાં ૪૦ ટકાનો ભાવ વધારો જાહેર કર્યો હતો. અને ત્યાર પછી સપ્લાય ખોરંભાવાના જોખમના પ્રીમિયમ તરીકે અત્યાર સુધીમાં બીજા ૨૫ ટકા વધાર્યા છે.

એક ભારતીય રેઅર-અર્થ મેટલ આયાતકારે કહ્યું કે ભાવ વધારાના બે કારણો છે, એક તો માંગ વેગથી વધવા લાગી છે અને બીજી તરફ ચીને પોતાના વ્યૂહાત્મક ઉધ્યોગો માટે નિકાસ પર વધુ નિયંત્રણો લાધયા છે. ભારતમાં ટેકનિકલ ગ્રેડ યુરોપીયમ મેટલ અને ઓકસાઈડ વેક્યૂમ શિલ્ડ ફ્લાસ્ક બોટલના ભાવ પ્રતિ કિલો રૂ.૨૫,૦૦૦, જર્મેનિયમ ઓકસાઈડ પાઉડર પ્રતિ ગ્રામ રૂ. ૨૮૫ અને સેમેરિયમ ઓકસાઈડ પાઉડર રૂ. ૫ પ્રતિ ગ્રામ મૂકી શકાય.

ગ્રીનલેન્ડમાં વિશ્વની સૌથી મોટી યુરેનિયમ ખાણ વિકસાવવા સંદર્ભે ૬ એપ્રિલે યુરોપિયન દેશ ગ્રીનલેન્ડની સંસદીય ચૂંટણીના પરિણામો આવ્યા તેની ચીન અને અમેરિકાના હિતો પર શું અસર પડશે? એવો એક મહત્વનો પ્રશ્ન પૂછાઈ રહ્યો છે. ચીનની સહાયથી બનેલી એક ઓસ્ટ્રેલિયન ખાણ કંપનીને ગ્રીનલેન્ડમાં યુરેનિયમની ખાણ વિકસાવવાની નવી દરખાસ્ત સંસદમાં મુક્તાની સાથે જ સયુમુટ આગેવાનીવાળી સરકાર તૂટી પડી હતી. નવી ચૂંટણીમાં પરિયાવરણવાદી ડાબેરી પક્ષ એઆઈ ચૂંટાઈ આવ્યો હતો.


 

 

 

 

 

આ ચૂંટણીને લીધે ગ્રીનલેન્ડમાં ચીનના પાર્ટનર અને વિશ્વના સૌથી મોટા રેઅર અર્થ મેટલ ઉત્પાદક શેનઘે કંપનીને ભારે પીછેહઠનો સામનો કરવો પડ્યો હતો. ગ્રીનલેન્ડમાં આ કંપની ખણીજ ખાણોમાં ૯ ટકા હિસ્સો ધરાવે છે. ચીનના પાર્ટનર સાથે મળીને ગ્રીનલેન્ડમાં યુરેનિયમ પ્રોસેસ કરવાની ટેકનોલોજી અને ખાણ પ્રોજેક્ટમાં ૧૦૦૦ લાખ ડોલર ખર્ચી નાખ્યા છે. સયુમુટ સરકારે આ અગાઉ ચીનની ભાગીદારીવાળી કંપનીને પ્રાથમિક પરવાનગી આપી દીધી હતી.

રેઅર અર્થ મેટલના ભાવમાં ઉછાળો આવ્યો, તેના લીધે ગ્રીનલેન્ડમાં રાજકીય વિવાદ વકાર્યો, કારણ કે અહી જગતની સૌથી વધુ રેઅર અર્થ મેટલની ડિપોજીત ધરબાયેલી પડી છે. એકલી કુઆનેરુસ્તી ખાણમાં જ આગામી ૨૫ વર્ષ સુધી, દર વર્ષે ૪૩૦૦૦ ટન ઉત્પાદન કરી શકાય તેટલી ડિપોજીત છે. જ્યારે વૈશ્વિક વાર્ષિક ઉત્પાદન ૧.૨૦ લાખ ટન થાય છે. ચીન પણ જગતના સૌથી વધુ રેઅર અર્થ મેટલ ડિપોજીજના ઢગલા પર બેઠું છે.     

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)