પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ):  ગુજરાતમાં ત્યારે શંકરસિંહ વાઘેલાની સરકાર હતી. કોંગ્રેસના ટેકાથી ચાલતી સરકાર સામે ભાજપ આંદોલન કરી રહ્યું હતું. અમદાવાદના નહેરૂબ્રીજ પાસે ભાજપ દ્વારા ધરણા રાખવામાં આવ્યા હતા. આ કાર્યક્રમની આગેવાની ભાજપના સાંસદ હરીન પાઠક લઈ રહ્યા હતા, ધરણાને કારણે નહેરૂબ્રીજ અને આશ્રમરોડ ઉપર ટ્રાફિક જામ થવા લાગ્યો હતો. ફરજ ઉપર ડેપ્યૂટી પોલીસ કમિશનર જે સી પટેલ વાંર-વાંર હરીન પાઠકને રોડ ખુલ્લો કરવા માટે વિનંતી કરી રહ્યા હતા, પણ ભાજપનું ટોળુ જોઈ હરીન પાઠક ગેલમાં આવી ગયા હતા. તેઓ પોલીસ સાથે તુ તારીની ભાષામાં વાત કરી રહ્યા હતા, ત્યારે આ વખતે ત્યાં હાજર આસીસ્ટન્ટ પોલીસ કમિશનર અમથાભાઈ દેસાઈને પોલીસના થઈ રહેલા અપમાનને કારણે માઠું લાગ્યું અને તેમણે આગળ વધી હરિન પાઠકને એક લાફો ઝીંકી દીધો અને તરત રસ્તો ખાલી થઈ ગયો હતો.

ત્યાર બાદ થોડા મહિનામાં સરકાર બદલાઈ કેશુભાઈ મુખ્યમંત્રી થયા, હરેન પંડયા ગૃહમંત્રી થયા. થોડા દિવસમાં હરીન પાઠક પોતાને લાફો મારનાર પોલીસ અધિકારી અમથાભાઈ દેસાઈ સામે પગલા ભરવામાં આવે તેવી માગણી લઈ ગૃહમંત્રી હરેન પંડયા પાસે ગયા, પંડયાએ કાર્યવાહી થશે તેવી ખાતરી આપી, પણ તે દિવસે ખરેખર શું બન્યુ હતું તે જાણવા હરેન પંડયાએ અમથાભાઈ દેસાઈ સહિતના સિનિયર પોલીસ અધિકારીઓને પોતાની ચેમ્બરમાં બોલાવ્યા, તેમણે પોલીસ અધિકારીને સાંભળ્યા અને તેમણે અમથાભાઈ દેસાઈને કહ્યું મને લાગે છે કે તમારો વાંક ન્હોતો, ચિંતા કરતા નથી, પણ તમારૂ કામ સારી રીતે કરજો.

આ જ પ્રકારની બીજી ઘટના અમદાવાદના નવાવાડજ વિસ્તારમાં થઈ હતી. એક સ્કુલ સામે દેખાવો ચાલી રહ્યા હતા. નારણપુરા પોલીસ ઘટના સ્થળે પહોંચી ટોળાએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો  અને તેમાં પોલીસ ઈન્સપેકટર જાદવ પડી ગયા અને તેમનું મોત નિપજ્યું, પછી પોલીસે લોકોને શોધી શોધી પકડવાની શરૂઆત કરી, ત્યારે ત્યાં સ્થાનિક ધારાસભ્ય યતીન ઓઝા આવી પહોંચ્યા, બીજી તરફ સિનિયર આઈપીએસ અધિકારી અતુલ કરવાલ, સતીષ વર્મા, એ કે સુરોલીયા અને પી કે ઝા આવી પહોંચ્યા હતા. ભાજપના ધારાસભ્ય યતીન ઓઝાએ પોલીસને ગાળો ભાંડવાની શરૂઆત કરી, થોડીવાર પછી આઈપીએસ અધિકારી સતીષ વર્મા, અતુલ કરવાલ અને પી કે ઝાએ પિત્તો ગુમાવ્યો અને તેમણે યતીન ઓઝાની ધોલાઈ કરી નાખી.

યતીન ઓઝા હાઈકોર્ટના સિનિયર કાઉન્સીલ હોવાની સાથે ભાજપના ધારાસભ્ય પણ હતા. તેમણે તમામ આઈપીએસ અધિકારીઓ સામે પગલા ભરવાની માગણી કરી, હરેન પંડયાએ મામલાની તપાસ કરાવી અને કહ્યું મારા પોલીસ અધિકારીનો કોઈ વાંક નથી તેમને સામે કોઈ પગલાં ભરવામાં આવશે, નારાજ યતીન ઓઝાએ આખરે ભાજપ છોડી દીધુ, પણ કેશુભાઈ પટેલ અને હરેન પંડયાએ પોલીસ અધિકારીનો જ પક્ષ લીધો. આમ  પ્રમાણિક પોલીસ અધિકારીઓની પડખે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી રહ્યા હતા.

જ્યારે તાજેતરમાં આવી જ બે ઘટના બની, જેમાં મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેકટર જયદીપ બારોટે કોર્ટના વોંરટના આધારે ભાજપના સ્થાનિક નેતાને પકડી કોર્ટમાં રજુ કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ભડક્યા, તેમણે તત્કાલ ઈન્સપેકટર જયદીપ બારોટની બદલી કરાવી, જો કે ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ઈન્સપેકટર બારોટનો પક્ષ લીધો પણ નીતિન પટેલે મમતનો મુદ્દો બનાવ્યો, આખરે મામલો વિજય રૂપાણી પાસે ગયો અને બારોટની બદલી કરવામાં આવી, જ્યારે બીજી ઘટના મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજકોટની છે, રાજકોટ કોર્પોરેશનના અધિકારી દબાણ દુર કરી રહ્યા હતા, જેમાં ભાજપના નેતા દિનેશ કારિયા પણ આવી જતા, તેઓ ભડકયા અને અધિકારીઓને ગાળો આપવા લાગ્યા.

ત્યારે ત્યાં પોલીસ ઈન્સપેકટર બી પી સોનાર આવી ગયા, તેમણે પણ કારિયાને સમજાવ્યા, પણ કારિયા માન્યા નહીં, તેમની ઉધ્ધતાઈ ચાલુ રહી, ઈન્સપેકટર સોનારે તેમને એક લાફો ફટકારી દીધો અને કારિયાને પોતાની હેસીયત સમજાઈ ગઈ, મામલો ગયો વિજય રૂપાણી પાસે મુખ્યમંત્રી વિજય રૂપાણીના મત વિસ્તારમાં પોલીસ અધિકારીને ગાળો ખાવી પડી, ખરેખર રૂપાણી પોલીસ અધિકારી સોનારની સાથે ઊભા રહેવાની જરૂર હતી, પણ તેવું થયુ નહીં સોનારની બદલી પણ જયદીપ બારોટની જેમ આઈબીમાં કરી દેવામાં આવી હતી.