તુષાર બસિયા (મેરાન્યુઝ.રાજકોટ) : સંગીતની દુનિયા ખુબ વિશાળ છે, પણ વિશાળ દુનિયામાં કોઈ પ્રકારના વાડા નડતા નથી. એક કહેણી છે કે દુનિયાની તમામ ભાષા કરતા ચડિયાતી ભાષા સંગીત છે, કેમકે તે દરેકને સમજાય છે. ગુજરાતના આંગણે રાજકોટના કલાકારે તૈયાર કરેલુ આ ભોલેનાથની સ્તુતી કરતા આ ભજનની કહાણી પણ કંઈક આવી છે. આ ભજનનું મધુર સંગીત અને તબલાના તાલ સિમાડા પાર એટલે કે પાકિસ્તાનના કલાકારો દ્વારા તૈયાર કરી મોકલવામાં આવ્યા છે. આ વાત જ આ ભજનને વધારે મજેદાર બનાવે છે. કદાચ આ પહેલો કિસ્સો હશે જેમાં બંને કલાકારો રૂબરૂ મળ્યા વિના જ કોઈ ભજન તૈયાર કર્યું હશે.

ગુજરાતના કલાકાર શોહિલ બ્લોચના આવાજમાં ભોલેનાથની સ્તુતીમાં તબલાના તાલ તબલા પાકિસ્તાનના મશહુર ઉસ્તાદ વાજીદ અલી તાફુ એ પુર્યા છે, જ્યારે હાર્મોનીયમનું મધુર સંગીત અરબાઝ તાફુ દ્વારા નિર્મિત છે. 100ની સ્પિડે કહી શકાય તેમ હાર્મોનિયમ પર આંગળી રેલવી શૂર આપતા અરબાઝ તાફુ વાજીદ તાફુના ભત્રીજા છે. રાજકોટના ગાયક કલાકારે ભોલેનાથનું આ ભજન બનાવવાનો વિચાર કર્યો ત્યારે તેને તબલાના તાલ માટે કોઈ ખાસ કલાકાર નક્કી કરવાના હતા. તેમને ફેસબુકના માધ્યમથી એ જ અરસામાં પાકિસ્તાની તબલાના ઉસ્તાદ વાજીદ અલી સાથે સંપર્ક થયો. શોહિલે આ પ્રસ્તાવ વાજીદની પાસે ખચકાટ સાથે મુક્યો પણ વાજીદે ખુબ હર્ષ પુર્વક વધાવી લીધો. એ તબલાના તાલ પુરવા તૈયાર તો થઈ ગયા સાથે તેમણે હાર્મોનીયમનું સંગીત પણ પોતાના ભત્રીજા ઉસ્તાદ અરબાઝ તાફુ પાસે કરાવી આપવાનો કોલ આપ્યો. ભજનમાં સંગીત આપતા હારમોનિયમ ઉસ્તાદનો પણ ઉત્સાહ વિડીયોમાં જોઈ શકાય છે. આ બાદ શોહિલે પણ દિલ ખોલીને ભગવાન શિવની સ્તુતીનું ગાયન કરી તેમાં સંગીતના તાર જોડવાનું કામ ઉઠાવી લીધું.

પાકિસ્તાન બેઠેલા કલાકારો સાથે સંપર્ક કરવામાં ઈન્ટનેટનો પણ ખુબ મોટો ફાળો રહ્યો. હાલ ભોલેનાથની સ્તુતીને આખરી ઓપ આપવામાં શોહીલ બ્લોચ અને વાજીદ અલી કાર્યરત છે. બંને વચ્ચેની દુરી આ કામની ગતીને ઘટાડી રહી છે છતાં તેમના સંગીતમાં કોઈ કચાશ રહેશે નહીં તેવું શોહિલ બ્લોચ જણાવે છે. શોહિલ અને વાજીદ અલી દ્વારા રેકોર્ડ થયેલા ભોલેનાથના ભજનની એક ઝલક અહીં લેખના અંતે પ્રસ્તુત કરી છે. શોહિલ અગાઉ બોલિવુડના વિખ્યાત કલાકારો ઉષા મંગેશકર અને અનુરાધા પૌડવાલ સાથે પણ કામ કરી ચુક્યા છે.

ભારત-પાકિસ્તાનના સંબંધો ભારતની આઝાદી કાળથી જ ખરડાયેલા રહ્યા છીએ પરંતુ સંગીતે આ ખરડાયેલા ઘા પર મલમ લગાવી ઘા રૂઝાવવાનો પ્રયત્નો કર્યા છે. સિયાસતના ગલીયારામાં સિયાસદ્દાનો ભલે વાકબાણ ચલાવતા હોય પણ કલાના સાધકો આજે પણ સંગીતના માધ્યમથી આ ઉંડી ખાઈ ભરવાનું કાર્ય કરી રહ્યાં છે. આપણે એ વિવાદોની વાત નહીં કરતા ભગવાન ભોલેનાથનું આ ભજન સાંભળી દેવાધી દેવ મહાદેવને માનવ કેન્દ્રી નેતાઓ આપવા પ્રાર્થના કરીએ.