મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી કંગના રનૌટએ ટવીટમાં મુંબઈની તુલના પીઓકે સાથે કરી હતી. જે પછી વિવાદ વધી ગયો અને શિવસેનાએ અભિનેત્રી સામે જોરદાર પ્રદર્શન કર્યું. કંગનાએ દાવો કર્યો કે શિવસેના સાંસદ સંજય રાઉતે તેમને મુંબઈ પાછા ન આવવા કહ્યું છે. જે પછી અભિનેત્રીએ પડકાર આપતા કહ્યું કે તે 9 સપ્ટેમ્બરે મુંબઈ આવી રહી છે. હવે આ મામલામાં હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજએ કહ્યું કે પોલીસે અભિનેત્રીની સુરક્ષા કરવી જોઈએ.

અનિલ વિજે કહ્યું, 'કંગના રાનૌટએ પોલીસ સુરક્ષા મેળવી લેવી જોઈએ. તેમને મુક્તપણે (સુશાંત સિંહ રાજપૂત મૃત્યુના કેસમાં) ખુલાસા કરવાની છૂટ હોવી જોઈએ. વિજે આ નિવેદન ત્યારે આપ્યું જ્યારે શિવસેનાના ધારાસભ્ય પ્રતાપ સારનૈકે કહ્યું કે કંગના સામે દેશદ્રોહનો કેસ દાખલ થવો જોઈએ. સરનૈકના જણાવ્યા મુજબ સંજય રાઉતે સલાહ આપી છે કે જો 9 સપ્ટેમ્બરે કંગના મુંબઇ આવશે તો શિવસેનાની મહિલા કાર્યકરો તેને થપ્પડ મારી દેશે. શિવસેનાના ધારાસભ્યના આ નિવેદન બાદ રાષ્ટ્રીય મહિલા આયોગના પ્રમુખ રેખા શર્માએ તેમની ધરપકડની માંગ કરી છે.

સંજય રાઉતે કંગનાનો જવાબ આપતા 'સામના' માં લખ્યું, 'અમે તેમને વિનંતી કરીએ કે તેઓ મુંબઈ ન આવે. આ મુંબઈ પોલીસનું અપમાન કરવા સિવાય કંઇ નહીં હોય. ગૃહ મંત્રાલયે આ અંગે કાર્યવાહી કરવી જોઈએ. આપને જણાવી દઈએ કે, કંગના રાનૌટ પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપની સમર્થક છે. સુશાંત રાજપૂતના મોતના મામલે તે મહારાષ્ટ્ર સરકાર, પોલીસ અને બોલિવુડ પર સતત શાબ્દિક હુમલો કરી રહી છે.

કંગનાના જે ટ્વીટ પર વિવાદ થઈ રહ્યો છે, તેમાં તેણે લખ્યું છે કે, શિવસેના નેતા સંજય રાઉત મને ખુલ્લેઆમ ધમકી આપી રહ્યા છે અને મુંબઈ પાછા ન આવવાની સલાહ આપી રહ્યા છે. મુંબઈની ગલીઓમાં આઝાદી પછી હવે આ ખુલ્લી ધમકીઓ. મુંબઈ પાકિસ્તાન અધિકૃત કશ્મીર જેવું કેમ લાગી રહ્યું છે?