મેરાન્યૂઝ નેટવર્ક. મુંબઈ: મુંબઈમાં દુષ્કર્મ અને ક્રૂરતાનો ભોગ બનેલી પીડિતાનું શનિવારે હોસ્પિટલમાં મોત થયું હતું. શુક્રવારે મુંબઈના ઉપનગરીય સાકીનાકામાં એક ટેમ્પોની અંદર 32 વર્ષની મહિલા પર દુષ્કર્મ અને ક્રૂરતાપૂર્વક હુમલો કરવામાં આવ્યો હતો. મહિલાને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. પોલીસે ઘટનાના થોડા સમય બાદ આ કેસમાં આરોપી મોહન ચૌહાણ (45) ની ધરપકડ કરી હતી. આ કેસમાં પોલીસે એક આરોપીની અટકાયત કરી છે, પણ અપરાધમાં અન્ય વધુ લોકો પણ સામેલ હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે.

સમાચાર એજન્સી પીટીઆઈ-ભાષા અનુસાર, એક પોલીસ અધિકારીએ કહ્યું કે શુક્રવારે પોલીસ કંટ્રોલ રૂમને ફોન આવ્યો કે એક પુરુષ ખૈરાની રોડ પર એક મહિલાને મારતો હતો.અધિકારીએ કહ્યું કે પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી જેથી મહિલાને શોધી શકાય. લોહીથી લથપથ મહિલાને મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત રાજાવાડી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પ્રાથમિક તપાસ મુજબ મહિલા પર દુષ્કર્મ કરવામાં આવ્યો હતો અને તેના ખાનગી અંગોમાં લોખંડના સળિયાથી હુમલો કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે આ ઘટના રસ્તાની બાજુમાં પાર્ક કરેલા ટેમ્પોની અંદર થઈ હતી. અધિકારીએ કહ્યું કે વાહનની અંદર લોહીના ડાઘ પણ મળી આવ્યા છે.