મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: ગાંધીનગર જિલ્લાનાં દંતાલી, કોબા અને શેરથા ગામમાં ત્રણ હત્યાઓને અંજામ આપનારા સિરિયલ કિલિંગ મામલામાં મોટો ખુલાસો થયો છે. અત્યાર સુધી જે કિન્નરને સિરિયલ કિલર માનવામાં આવતો હતો. તેની સાથે એટીએસએ પૂછપરછ કરતાં રાની કિન્નરની આ હત્યાઓમાં સંડોવણી નહી હોવાનું સ્પષ્ટ થયું છે. જો કે, સીસીટીવીમાં જે વ્યક્તિ દેખાય છે તે હજી પોલીસ પકડથી દૂર હોવાથી આ મામલામાં ગાંધીનગર પોલીસની સાથે મુંબઇ પોલીસે પણ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગર જિલ્લામાં છેલ્લા ચાર મહિનામાં ત્રણ હત્યા કરનારા સિરિયલ કિલરે ફફડાટ ફેલાવ્યો હતો. આથી પોલીસે હત્યા સ્થળ સહિતના અનેક સીસીટીવી ફૂટેજની તપાસ કરતા હત્યારો રાની વ્યંડળ હોવાની શંકા મજબુત બની હતી. જેમાં પોલીસે આરોપીની તસવીર અને સ્કેચ તૈયાર કરીને એક પત્રિકાઓ પણ બહાર પાડી હતી. આ પત્રિકામાં ગાંધીનગર હત્યાનાં શકમંદની ગુજરાત પોલીસને જાણ કરવા માટે ૭૬૨૧૦૦૨૩૧૧ પર સંપર્ક કરો. જાણ કરનારને યોગ્ય ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. 

ગાંધીનગરમાં ગયા ઓક્ટોબરથી શરૂ થયેલા હત્યાના સિલસિલામાં ત્રણેય હત્યાઓ એકસરખી અને એક પિસ્તોલથી થઈ હોવાનું માલુમ પડતા ગાંધીનગરના એસપી મયુર ચાવડાએ સીટની રચના કરી હતી. જેમાં વિવિધ દરજ્જાના અધિકારીઓ અને એજન્સીઓને સામેલ છે. દિવસો સુધી અજાણ્યા હત્યારાને શોધવા માટે પોલીસે સંખ્યાબંધ સ્થળના સીસીટીવી ફુટેજ મેળવ્યા હતા. પણ કોઈ ચોક્કસ કડી મળવાના બદલે તમામ હત્યા સ્થળ પાસે લોંગ કોટ અને ટોપી પહેરેલી વ્યક્તિ હોવાની જાણકારી મળી હતી.પોલીસ દ્વારા આ આ વ્યકિતના સીસીટીવી ફૂટેજ સાથે તેના આધારે તૈયાર કરાયેલા ફોટોગ્રાફ અને સ્કેચને અનેક લોકોને બતાડી તેની ઓળખ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જેમાં તેની ઓળખ કિન્નર રાની તરીકે થઇ હતી.

આ સિરિયલ કિલર ગાંધીનગર જિલ્લામાં કહેર મચાવી અંડરગ્રાઉન્ડ થઈ ગયો છે. ત્યારે તે મુંબઈમાં હોવાની શક્યતા સેવવામાં આવી રહી છે. મુંબઈની લોકલ ટ્રેનમાં બે મહિલાઓની હત્યાના કેસમાં મુંબઈ પોલીસે ગાંધીનગર આવી છે.મુંબઈમાં બે મહિલાઓની લોકલ ટ્રેનમાં હત્યા કરનાર શંકાસ્પદ સીસીટીવીમાં ઝડપાયો હતો. શંકાસ્પદનો ચહેરો ગાંધીનગરના સિરિયલ કિલરને મળતો આવતો હોવાથી તપાસ કરતા અધિકારીઓની મુલાકાત કરી ચર્ચા કરી હતી.

ગાંધીનગર પોલીસ માટે પડકાર બનેલો સિરિયલ કિલિંગનો કેસ મુંબઈ પોલીસ ગાંધીનગર આવતા એક આશાનું કિરણ જન્મ્યુ છે. પોલીસે અડાલજના એક પાર્લર પર સીસીટીવીમાં ઝડપાયો હતો. હત્યાઓને ૪ માસ કરતાં વધારે સમય થવા છતાં પણ તે પકડાયો નથી. જેમાં ગાંધીનગર પોલીસ સિવાય અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને એટીએસ તપાસ કરી રહી હોવા છતાં હજુ સુધી તેનું પગેરુ શોધવામાં પોલીસ સફળ રહી નથી.