મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ મુંબઈ સહિત મહારાષ્ટ્રાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થયો છે. જેને કારણે મુંબઈના ઘમા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. કુર્લા વિસ્તારના પણ આવા જ હાલ હતા. ત્યાં ગટર જામ છે અને રસ્તાઓ પર પાણી વહી રહ્યું છે. જેને જોઈને શિવસેનાના ધારાસભ્ય દિલીપ લાંડેનો પિત્તો ગયો હતો.

કુર્લાની મુખ્ય ગટરોની સફાઈ યોગ્ય ન થવાને કારણે નારાજ શિવસેના ધારાસભ્ય દિલીપ લાંડેએ કોન્ટ્રાક્ટરને કચરામાં બેસાડી દીધો અને પોતાના કાર્યકર્તાઓને કહીને નાળાઓમાંથી ગંદુ પાણી અને કચરો કઢાવડાવ્યો જે કચરો અને ગંદકી તે કોન્ટ્રાક્ટર પર નખાવડાવી દીધી હતી. ધારાસભ્યએ કહ્યું કે તેમણે આવું એટલે કર્યું કારણ કે કોન્ટ્રાક્ટરે પોતાનું કામ યોગ્ય રીતે કર્યું ન્હોતું.

આ ઘટનાનો વીડિયો પણ ઉતારવામાં આવ્યો હતો જે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ ગયો છે. જે વીડિયોમાં જોઈ શકાય છે કે ધારાસભ્ય દળ-બળ સાથે ત્યાં હાજર છે અને રસ્તા પર ખુબ પાણી વહી રહ્યું છે અને ખુલ્લી ગટરમાં જઈ રહ્યું છે. કોન્ટ્રાક્ટરને રોડ પર બેસી જવાનું કહેવામાં આવે છે.

કોન્ટ્રાક્ટર રોડ પાસે જઈને બેસી જાય છે પરંતુ ધારાસભ્યના સમર્થકોમાંથી એક શખ્સ તેને ધક્કો આપી જમીન પર પાડી દે છે. તે ઉપરાંત શિવસેના સાથે જોડાયેલા બે કાર્યકર્તાઓ નાળાથી કાઢવામાં આવેલા કચરાને કોન્ટ્રાક્ટર ઉપર નાખવાનું શરૂ કરી દે છે. વીડિયોમાં કચરો તેના માથા પર પણ નાખવામાં આવી રહ્યો છે.