ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): ગોલ્ડ ઈટીએફ પ્રોડક્ટમાં વિક્રમ નેટ ઇનફલો (રોકાણ) આવ્યાની ૨૦૦૮ અને ૨૦૧૬ ઘટનાનું સપ્ટેમ્બર મહિનામાં પુનરાવર્તન થયું છે. નવેમ્બર ૨૦૧૬ પછી સોનાના ભાવે સૌથી વધુ માસિક નકારાત્મક વાલણ અપનાવ્યા છતાં, એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ હેઠળના ગોલ્ડ ઈટીએફનું હોલ્ડીંગ બે ટકા અથવા ૬૮.૧ ટન (૪.૬ અબજ ડોલર) વધ્યું હતું.

ગત સપ્તાહાંતે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલે ગોલ્ડ ઈટીએફ ઇન્ફ્લોનો સપ્ટેમ્બર અહેવાલ રજુ કરીને કહ્યું હતું કે સોનાના ભાવ ઘટ્યા હોવા છતાં, રોકાણકારોએ આ વર્ષે અત્યાર સુધીમાં ગોલ્ડ ઈટીએફમાં ઠાલવેલા નાણાનો નવો ઐતિહાસિક વિક્રમ સર્જાયો હતો. ૨૦૨૦મા અત્યાર સુધીમાં ૧૦૦૩ ટન (૫૫.૭ અબજ ડોલર)નો નવો જાગતિક ગોલ્ડ ઇનફલો ઇન્વેસ્ટમેન્ટ આવતા કૂલ ઈટીએફ હોલ્ડીંગ પણ ન્યુ ઓલ ટાઈમ હાઈ ૩૮૮૦ ટન (૨૩૫ અબજ ડોલર) પહોચ્યું હતું. 

અહી એ નોંધવું રહ્યું કે અમેરિકા કરતા યુરોપીયન રોકાણકારોમાં ફીઝીકલ બુલિયન ખરીદવાનો દુરાગ્રહ વધુ હોય છે, અને તેથી જ એશિયનોની માફ્ક આખા જગતમાં ઈટીએફમાં રોકાણ એ બીજો વિકલ્પ હોય છે. યુરોપીયનો અને એશિયન રોકાણકારો પોતાનાં પૂર્વજોની માફક સરકારો નિષ્ફળ જાય, કરન્સી મુલ્ય ઘટી જાય કે ભૂ-રાજકીય સમસ્યા સર્જાય તેવા સમયે સોનાચાં-દીને વિશ્વસનીય સહારો ગણે છે. તેઓ હજુ પણ ઈટીએફને, અન્યોને સોપેલું જોખમ અને કાગળ પરનું વચન ગણે છે. ફીઝીકલ બુલિયન તેમને કાઊન્ટર પાર્ટી રિસ્કમાં પડવાથી દૂર રાખે છે.

આ બધા ઈતિહાસ વચ્ચે ઉત્તર અમેરિકન ફંડોએ સૌથી વધુ ગોલ્ડ ઇનફલો પ્રાપ્ત કર્યો હતો. ચીનમાં ચાર નવા ગોલ્ડ ઈટીએફ ફંડોની નોંધણી સાથે એશિયન ક્ષેત્રમાં આવો ઇનફલો ૧૭ ટકા વધ્યો હતો. યુરોપ અને અન્ય વિસ્તારોમાં અનુક્રમે ઇનફલો ૩ ટકા અને ૯ ટકા વધ્યો હતો. ભારતમાં પણ સપ્ટેમ્બરમાં નેટ ઇનફલો, ઓગસ્ટના રૂ.૯૦૭.૯ કરોડની તુલનાએ રૂ.૫૯૭.૩ કરોડ વધ્યો હતો. આમ સતત છઠ્ઠા મહિનામાં ભારતમાં પણ ગોલ્ડ ઈટીએફમાં રોકાણ વધ્યું હતું.

સોનાના ભાવ એપ્રિલથી જુલાઈ દરમિયાન ૨૨ ટકા વધ્યા હતા. ત્યાર પછી ૭ ઓગસ્ટે ભાવ ૨૦૮૯.૭ ડોલરની ઐતિહાસિક ઉંચાઈએ પહોચ્યો હતો. ત્યાર બાદ ઝડપી પુલબેક નાફાબુકીંગમાં ૨૪ નવેમ્બરે ભાવ ઘટીને ૧૮૫૭ ડોલર થયા હતા. કોમેકસ ફયુચર્સનો કમીટમેન્ટ ઓફ ટ્રેડનો તાજો અહેવાલ કહે છે કે આ ગાળામાં રોકાણકારોએ ૭૫૯ ટનનાં નેટ લોંગ પોઝીશન (તેજીના ઓળિયા) ખંખેરી નાખી હતી.

સોનામાં કામકાજનું પ્રમાણ સપ્ટેમ્બરમાં ઘટીને ૧૯૯ અબજ ડોલરનું રહી ગયું હતું જે ઓગસ્ટમાં ૨૮૮ અબજ ડોલરનું હતું. નોંધનીય તો એ પણ છે કે વૈશ્વિક ગોલ્ડ ઈટીએફમાં પણ લેવેચ, ઓગસ્ટમાં ૫.૨ અબજ ડોલરની હતી તે, સપ્ટેમ્બરમાં ઘટીને ૩.૨ અબજ ડોલર રહી ગઈ હતી. સોનાના ભાવમાં ઘટાડો, કામકાજ ઘટ્યા અને તેજીના ઓળિયા ખંખેરાયા છતાં ગોલ્ડ ઈટીએફમાં રોકાણ ધરખમ વધ્યું આનો અર્થ એ થાય કે સોનામાં લાંબાગાળાની વ્યુહાત્મક તેજીની પોઝીશન સતત બદલાઈ રહી છે.

વિશ્વના બીજા નંબરના સૌથી મોટા સુવર્ણ વપરાશકાર ભારતમાં સતત બીજા વર્ષે ચોમાસાનો વિપુલ વરસાદ વરસ્યો છે, આવી ઘટના ૧૯૫૦ના દાયકા પછી પહેલી વખત બની છે. શક્ય છે કે આને લીધે ગ્રામ્ય સ્તરે કોરોના અસર નકારાત્મક બને અને તહેવારોમાં ઐતિહાસિક પરંપરા પ્રમાણે ૬૦ ટકા ગ્રામ્ય બચત જ્વેલરી માંગમાં પાછી ફરે. આટલું જ નહિ વર્તમાન વર્ષના આખરી ત્રિમાસિકમાં કોરોના મહામારીને અંકુશમાં લેવા વેક્શીનનું બજારમાં અવતરણ થાય એવી અપેક્ક્ષા જોતા, સોનામાં તેજી પાછી ફરશે.           

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.) તા. ૧૨-૧૦-૨૦૨૦