ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): આગામી કેટલાંક સપ્તાહ સુધી બ્રાઝીલમાં વરસાદ પડશે, એવી આગાહીએ ખાંડની ભાગતી તેજીને ટૂંકાગાળા માટે બ્રેક મારી છે. આઈસીઈ રો સુગર માર્ચ વાયદો સોમવારે સાડાસાત મહિનાની ૧૪.૫૫ સેન્ટ પ્રતિ પાઉન્ડ (૪૫૪ ગ્રામ)ની ઊંચાઈ હતો તે, ગુરુવાર આવતા સુધી ૧૩.૯૩ સેન્ટ બોટમે જઈને ૧૪.૨૫ સેન્ટ બોલાયો હતો. ડીસેમ્બર વ્હાઈટ સુગર પણ ૩.૪૦ ડોલર ઘટીને ટન દીઠ ૩૮૩.૭૦ ડોલર બોલાયો હતો.

બ્રાઝીલે ઓક્ટોબર વાયદામાં ૨૬.૧૩ લાખ ટન વિક્રમ સુગર ડીલીવરી ઉતારી હતી. આનું અર્થઘટન એવું કરાઈ રહ્યું છે કે એક તરફ બજારમાંથી તેજીના સંકેત મળી રહ્યા હતા અને બીજી તરફ વેરહાઉસ ખાલી કરવા સુગરને બજારમાં ઉતારવી આવશ્યક હતી. બ્રાઝીલની સુગર મિલોએ તેમનો ઉત્પાદન વ્યૂહ ઇથેનોલથી એકાએક બદલીને સુગરમાં ફેરવી નાખતા સપ્ટેમ્બરનાં બીજા પખવાડીયામાં બ્રાઝીલનું ખાંડ ઉત્પાદન ગતવર્ષના સમાન સમય કરતા ૫૯ ટકા વધુ ૨૮.૬ લાખ ટન આવ્યું હતું.

સુગર મિલોએ ૧૪ ટકા વધુ ૪૦૨.૨ લાખ ટન શેરડીનું પીલાણ કર્યું હતું. બ્રાઝીલના યુનીકા ગ્રુપે કહ્યું હતું કે હવામાન એકાએક સુકું થવા લાગ્યું, તેથી કૃષિ શીપેદાશોની ઊપજ (યીલ્ડ) પર તેની અસર થવા લાગી, પણ બ્રાઝીલની સુગર મિલો વર્તમાન સિઝનના ઉત્પાદનના અંતિમ તબક્કામાં પહોચી છે ત્યારે સપ્ટેમ્બરમાં સુગર અને ઇથેનોલ નિકાસમાં જબ્બર વધારો થયો હતો.

બ્રાઝીલમાં હેકટર દીઠ સરેરાશ શેરડી ઊપજ ગતવર્ષથી ૧.૪ ટકા ઘટીને હેક્ટર દીઠ ૭૧.૯૭ ટન આવી હતી. થાઈલેન્ડ અને ભારતમાં ઉત્પાદન ધારણા કરતા ઓછું આવશે, તેવા અનુમાન વચ્ચે બ્રાઝીલે સપ્ટેમ્બરમાં રો સુગર નિકાસ, વર્ષાનું-વર્ષ ૮૮૮૩.૮ લાખ ડોલરથી ૧૧૧.૩ ટકા વધુ ૪૨૦૩.૬ લાખ ડોલર કરી હતી.

વિલ્મર સુગરનાં એનાલીસ્ટનું કહેવું છે કે કોરોના મહામારી અને લોકડાઉનને પગલે ભારત જેવા મહત્વમાં સુગર વપરાશકાર એશિયન દેશોમાં માંગ ઘટતા, ભાવ ઘટવાની સંભાવના વધી છે. વધુમાં ભારતની ૨૦૨૧-૨૨ની નવી મોસમની રાહતદરની  નિકાસનીતિ અંગે પણ અનિશ્ચિતતા પ્રવર્તે છે. આ નીતિ જાહેરાત કદાચ નવેમ્બર સુધી લંબાઈ શકે છે. બ્રાઝીલમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, તેના લીધે ૨૦૨૦-૨૧ના શેરડી પાકની ચિંતામાં કૈંક અંશે ઘટાડો કરે છે.

આ તરફ ઇન્ડીયન સુગર મિલ્સ એસોસિયેશન (ઈસ્મા)એ ૨૦૨૦-૨૧ના દેશના ખાંડ ઉત્પાદનનો પ્રાથમિક અંદાજ, ૨૦૧૯-૨૦ની મોસમના ૨૭૨ લાખ ટનથી ૧૨ ટકા વધુ ૩૦૫ લાખ ટન મુકયો છે. એકલા ઉત્તર પ્રદેશના ઉત્પાદનનો અંદાજ ૧૨૩ લાખ ટન મુકવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશ ભારતનો સૌથી મોટું શેરડી અને સુગર ઉત્પાદક રાજ્ય છે. ૨૦૧૯-૨૦મા આ રાજ્યમાંથી સુગર ઉત્પાદન ૧૨૬.૫ લાખ ટન આવ્યું હતું, જે ભારતના ૨૭૨ લાખ ટનના કૂલ ઉત્પાદનના ૪૫ ટકા હતું.

ભારત જેવા એશિયન દેશોમાં ખાંડ એ ખોરાકનો મહત્વનો સ્ત્રોત ગણાય છે, તેનાથી વિપરીત અમેરિકામાં સુગર ઉપયોગ બાબતે સાવધાની વધી છે. મહારાષ્ટ્રમાં ગુરુવારથી સુગર મિલોએ નવી મોસમનું શેરડી પીલાણ શરુ કર્યું છે, આ વર્ષે મહારાષ્ટ્ર સુગરનું ઉત્પાદન વધુ નહિ કરે પણ ૧૦૪ કરોડ ઇથેનોલ ઉત્પાદનનો લક્ષ્યાંક બનાવ્યો છે.      

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.) તા. ૧૫-૧૦-૨૦૨૦