મેરાન્યૂઝ નેટવર્ક, મુંબઇ: એક તરફ સરકાર શિક્ષણને મહત્વ આપી યુવાનોને અભ્યાસ કરવા પ્રોત્સાહિત કરે છે તો બીજી તરફ એવી સ્થિતિ છે કે રોજગારી નથી મળતી અને તેમાં પણ સરકારી નોકરી માટે તો કોઈપણ પોસ્ટ હોય તો હજારો ઉમેદવારો ઉમટી પડે છે. આવી જ એક ઘટના મહારાષ્ટ્રના રાજ્ય સચિવાલયના કેન્ટિનનાં વેઇટરની પોસ્ટ માટે સર્જાઇ છે જેમાં ગ્રેજ્યુએટ પણ આવેદન કરી રહ્યા છે.

 મહારાષ્ટ્ર રાજ્ય સચિવાલયના કેન્ટિનમાં વેઇટરની નોકરી માટે ભરતી બહાર પાડવામાં આવી હતી. વેઇટર માટે 13 જગ્યાઓ હતી જેની સામે 7 હજાર યુવાનોએ અરજી હતી અને તેમાં પણ મોટા ભાગના ગ્રેજ્યુએટ ઉમેદવારો છે. જ્યારે વેઇટરની પોસ્ટ માટે સરકારે શૈક્ષણિક લાયકાત માત્ર ચાર ધોરણ પાસ રાખી હતી.

એટલું જ નહીં એક સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર મંત્રાલય કેન્ટિનમાં વેઇટરની પોસ્ટ માટે 100 માર્ક્સની લેખિત પરીક્ષા પણ જોવામાં આવી હતી. આ સમગ્ર ભરતી પ્રક્રિયા ગત 31 ડિસેમ્બરે પૂર્ણ થઇ અને પાસ થયેલ ઉમેદવારોને નોકરી પર હાજર કરવાની પ્રક્રિયા શરુ થઇ છે. વેઇટરની નોકરી માટે ઉત્તિર્ણ થયેલા 13 ઉમેદવારોમાં આઠ પુરુષ અને અન્ય મહિલાઓ છે. જેમાંથી 12 ઉમેદવારો સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ છે અને એક ધોરણ 12 પાસ છે.

આ મામલે મહારાષ્ટ્ર વિધાનપરિષદના વિરોધ પક્ષના નેતા ધનંજય મુંડેએ કહ્યું કે મંત્રીઓ અને સચિવોએ શિક્ષિત વ્યક્તિનીઓની સેવા લેવા પર શરમ અનુભવવી જોઈએ. માત્ર 13 પોસ્ટ માટે 7 હજાર લોકો ઉમેદવારી કરે તે સ્થિતિ દેશ અને મહારાષ્ટ્રમાં રોજગારીની શું હાલત છે તે દર્શાવી રહી છે. કમનસિબી છે કે ચોથુ ધોરણ પાસની યોગ્યતાવાળી જગ્યા પર સ્નાતક યુવાનોએ ઉમેદવારી કરવી પડે છે.