મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)ની ઓફીસમાં મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના (મનસે)ના અધ્યક્ષ રાજ ઠાકરે સાથે પુછપરછ ચાલી રહી છે. પોલીસે સંભવિત ઉહાપોહને ધ્યાને લઈ 200થી વધુ મનસેના કાર્યકર્તાઓની અટકાયત કરી છે. તે સાથે જ મરીન ડ્રાઈવ, એમઆરએ માર્ગ, દાદર અને આઝાદ મેદાન પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કલમ 144 લગાવી દેવામાં આવી છે. રાજ ઠાકરે સાથેની આ પુછપરછ કોહિનૂર સીટિએનએલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીમાં આઈએલ એન્ડ એફએસ દ્વારા 450 કરોડ રૂપિયાના ઈક્વિટી ઈન્વેસ્ટમેન્ટ અને દેવાથી ડાયેલી કથિત અનિયમિતતાઓ (કૌભાંડ)ની તપાસના અંગે છે.

જેને લઈને ઈડી દ્વારા રાજ ઠાકરેને નોટિસ ફટકારી હતી. ઈડીની પુછપરછથી મહારાષ્ટ્રની રાજનીતિ ગરમાઈ ગઈ છે. શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરે પોતાના પિતરાઈ ભાઈના બચાવમાં આવ્યા છે. તેમણે કહ્યું કે આ પુછપરછથી કાંઈ બહાર નહીં આવે.

ઉલ્લેખનીય છે કે કોહિનૂર સીટીએનએલ દાદલમાં કોહિનૂર ટાવર્સના કન્સ્ટ્રક્શનનું કામ કરી રહી છે. ઈડી કંપનીની શેર હોલ્ડિંગ અને તેના ઈન્વેસ્ટમેન્ટની બારીકાઈથી તપાસ કરી રહી છે. કોહિનૂર મિલ્સ નંબર 3ને ખરીદવા માટે શિવસેનાના વરિષ્ઠ નેતા મનોહર જોશીના દિકરા ઉન્મેષ જોશી, એમએનએસ પ્રમુખ રાજ ઠાકરે અને તેમના એક અન્ય ધંધાકિય પાર્ટનરએ મળીને એક કન્સોર્ટિયમ બનાવ્યું હતું. જેમાં આઈએલ એન્ડ એફએસ ગ્રુપે પણ ઘણી મોટી રકમ ઈન્વેસ્ટ કરી હતી.

આ ગ્રુપે તેમની કંપનીમાં 225 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જે પછી વર્ષ 2008માં તેને મોટું નુકસાન ભોગવવું પડ્યું તેથી કંપનીમાં પોતાના શેર્સને ફક્ત 90 કરોડ રૂપિયામાં સરેન્ડર કરવા પડ્યા હતા. તે વર્ષે રાજ ઠાકરેએ પણ પોતાના શેર વેચી દીધા હતા અને કંસોર્ટિયમમાં બહાર નિકળી ગયા હતા. પોતાના શેર સરેન્ડર પછી પણ આઈએલ એન્ડ એફએસ ગ્રુપએ કોહિનૂર સીટીએનએલને એડવાન્સ લોન આપી, જેને કથિત રીતે કોહિનૂર કંપની ચુકવી શકી નહીં.

વર્ષ 2011માં કોહિનૂર સીટીએનએલ કંપનીએ પોતાની કેટલીક સંપત્તિઓને વેચીને રૂ.500 કરોડની લોન ચુકવવાના એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા. આ સમજુતી બાદ આઈએલ એન્ડ એફએસ ગ્રુપએ કોહિનૂર સીટીએનએલને 135 કરોડ રૂપિયાની લોન આપી દીધી. હવે ઉન્મેશનું કોહિનૂર ગ્રુપ, કોહિનૂર સીટીએનએલને નથી ચલાવતું. આ કંપની પ્રભાદેવીની એક કંપનીની થઈ ગઈ છે.

ઈડીના મની લોન્ડરિંગ તપાસમાં આઈએલ એન્ડ એફએસના ટોપ અધિકારીઓ પર આરોપ લગાવાયો છે કે વગર તપાસે અલગ અલગ પ્રાઈવેટ કંપનીઓના દ્વારા લોન વહેંચવામાં આવી. આરોપ છે કે આ લોન આપનાર માટે પર્યાપ્ત કોલૈટરલ નથી લેવાયો અને ખરાબ નાણાકિય હાલત છતાં દેવા આપવામાં આવ્યા.