પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.મુંબઈ): મુંબઈમાં એન્કાઉન્ટર સ્પેશિય્લીસ્ટ તરીકે જાણીતા પોલીસ અધિકારી દયા નાયક હાલમાં મહારાષ્ટ્ર એટીએસના જુહુ યુનિટમાં ફરજ બજાવે છે. દયા નાયકને જાણકારી મળી હતી કે, મુંબઈમાં ગુજરાતના કેટલાક લોકો આવ્યા છે જેમની પાસે ઘાતક હથિયારો છે. જે માહિતીના આધારે મુંબઈમાં અંધેરી વિસ્તારમાં આવેલા સીટી મોલ પાસે દયા નાયક એટીએસની ટીમ સાથે વોચમાં હતા ત્યારે ગુજરાત પાસિંગની એક કારને અટકાવી તપાસ કરતાં કારમાં સવાર ત્રણ યુવકો પાસેથી બે લોડેડ પિસ્ટલ અને રૂપિયા ત્રણ લાખ રોકડા મળી આવ્યા હતા.


 

 

 

 

 

એટીએસની ટીમે ત્રણેય યુવકોને ડીટેઈન કરી એટીએસની જુહુ ખાતેની ઓફીસમાં લઈ જઈ તપાસ કરતાં રાજકોટના ધોરાજીના વતની મહોમ્મદ યુનુસ ધુણેજા, સૈયદ સોહેલ મીયા અને ઈલિયાસ મોજોઠી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તેમની તપાસ શરૂ કરતાં તેમની પાસેથી કુલ 14 મોબાઈલ મળી આવ્યા હતા. પોલીસે તેમના મોબાઈલ ફોનની તપાસ કરતાં દુબઈ, યુગાંડા અને પાકિસ્તાનથી કરોડો રૂપિયાના હવાલાઓ પાડવામાં આવ્યા હોવાની હકીકત પણ તેમના ફોનમાંથી મળી આવી છે. પોલીસ માની રહી છે કે, ગુજરાતના આ ત્રણેય યુવકો હવાલા રેકેટ ચલાવી રહ્યા હતા અને જેના માટે તેમણે મુંબઈના મીરા રોડ વિસ્તારમાં એક ફ્લેટ રાખ્યો હતો અને ત્યાંથી કારોબાર ચલાવતા હતા.

પરંતુ હવાલા રેકેટ સાથે સંકળાયેલા આ યુવકો લોડેડ હથિયાર સાથે મુંબઈમાં શા માટે ફરી રહ્યા હતા. તેની પણ મુંબઈ પોલીસ તપાસ ચલાવી રહી છે. આ ત્રણ આરોપીઓ પૈકી ઈલીયાસ મોજોઠી સામે ગુજરાતમાં પણ હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયેલો છે. મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે કે આ આરોપીઓએ મુંબઈમાં અન્ય કોઈ ગુનો આચર્યો છે કે કેમ.