તુષાર બસિયા (મેરાન્યૂઝ.અમદાવાદ) : કેન્દ્ર સરકારે કોરોના મહામારીના લૉકડાઉન બાદ મહામારીને લગતા નિયમોને આધીન ફ્લાઇટ્સ શરૂ કરવાની છૂટ આપી દીધી છે. એરલાઇન્સોની પણ માંગણી હતી કે સરકાર દ્વારા વહેલી તકે ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવે, પરંતુ ફ્લાઇટ શરૂ કરવાની મંજૂરી બાદ કોરોનાના બહાના હેઠળ ગો-એર એરલાઇન્સે ડાંડાઇ શરૂ કરી હોય તેવી માહિતી સામે આવી રહી છે. આજે સવારે મુંબઇ એરપોર્ટ પર વતન જવા પહોંચેલા પેસેન્જર્સને રઝળપાટ કરવાનો વખત આવ્યો છે. (વીડિયો અહેવાલના અંતમાં દર્શાવ્યો છે)

સમગ્ર ધટના એ પ્રકારે છે કે મુંબઇમાં ફસાયેલા લોકો પોતાના વતન જવા માટે ગો-એર એરલાઇન્સની ફ્લાઇટ બુક કરી હતી. પેસેન્જર્સ આજે સવારે પોતાની ફ્લાઇટના નિયત સમય પ્રમાણે એરપોર્ટ પર પહોંચી ગયા હતા. તે વખતે એરપોર્ટ પર પહોંચેલા પેસેન્જર્સને જાણ થાય છે કે તેઓને જે ફ્લાઇટમાં જવાનું છે તે કેન્સલ કરવામાં આવી છે. આ કેન્સલ કરવામાં આવેલી ફ્લાઇટ્સના પેસેન્જર્સને એરલાઇન દ્વારા આગોતરી જાણ શુધ્ધા કરવામાં આવી ન્હોતી. ઉપરાંત એરપોર્ટ પર એરલાઇન્સ કે એરપોર્ટ સ્ટાફ દ્વારા પણ સંતોષકારક જવાબ આપવામાં આવતો ન હોવાનો પેસેન્જર્સ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

પેસેન્જર્સના જણાવ્યા પ્રમાણે તેઓ એ હદે ફસાયા છે કે, એરલાઇન્સના કોલ સેન્ટર પર જવાબ મળતો નથી કે એરપોર્ટ પર કોઇ સ્ટાફ જવાબ આપવા આવતું નથી. ઉપરાંત ફસાયેલા લોકો મોટાભાગે બહારના રાજ્યોના વતની છે માટે તેને રહેવાના મકાન કે હોટલ પણ ખાલી કરીને વતન વાપસી કરી રહ્યાં હોય હવે જવું તો જવું ક્યાં એ મહ્ત્વનો પ્રશ્ન છે. આમ યાત્રિકોની હાલત એરપોર્ટ પર ફસાતા કફોળી બની ગઇ છે.

હાલ યાત્રિકો સોશિયલ મીડિયાના માધ્યમથી સરકાર અને એરલાઇન્સ પાસે મદદની ગુહાર લગાવી રહ્યાં છે. છતા કોઇ ઉકેલ મળ્યો નથી માટે તેઓએ મીડીયાને જાણ કરી પોતાની વ્યથા સરકારને પહોંચાડવા મદદની ગુહાર લગાવી રહ્યાં છે.