મેરાન્યૂઝ નેટવર્ક.વડોદરાઃ વડોદરાના પ્રોડક્ટિવીટિ રોડ પર આવેલા શ્રી મુક્ત જ્વેલર્સ બરોડા પ્રા. લી. સામે બેન્ક ઓફ બરોડાએ સીબીઆઈની એન્ટી કરપ્શન બ્રાન્ચમાં ફરિયાદ આપી છે. બીઓબીના ડે. જનરલ મેનેજર દક્ષાબહેન શાહ દ્વારા આ ફરિયાદ કરવામાં આવી છે. મુક્ત જ્વેલર્સના હર્ષ ગોપાલભાઈ સોની સામે 420-406 કલમ અંતર્ગત છેતરપીંડી અને વિશ્વાસધાતની ફરિયાદ કરાઈ છે. 

બાબત એવી છે કે, વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં પ્રોડક્ટીવીટિ રોડ પર શ્રી મુક્ત જ્વેલર્સ બરોડા પ્રા. લી. આવેલી છે. વર્ષ 2013માં બેન્ક ઓફ બરોડા (બીઓબી) પાસેથી લેડર ઓફ ક્રેડિટ, કેશ ક્રેડિટ અને ટીમ લોન ફેસિલિટી દ્વારા તેમણે કરોડો રૂપિયાની લોન લીધી હતી. જોકે તેઓ લોન હવે સમયસર ભરી રહ્યા નથી. 2016ના ફેબ્રુઆરીમાં જ બેન્કે તેમનું એકાઉન્ટ એનપીએ જાહેર કર્યું હતું. બેન્કે ઘણીવાર જ્વેલર્સને લોન ચુકવવાની માહિતી આપી હતી. તેમણે આ બાબતમાં લેખિત જાણ પણ કરી હતી. જોકે તેમ છતાં પેઢી દ્વારા નાણા ચુકવાયા ન્હોતા જેને કારણે બેન્કે વર્ષ 2018માં તેને ડિફોલ્ટર જાહેર કર્યા હતા. જ્વેલર્સનું બાકી હાલમાં 173.63 કરોડ રૂપિયાનું છે.

બેન્ક દ્વારા જ્વેલર્સ સામે અને લોન આપવામાં મદદ કરનારા અધિકારીઓ સામે સીબીઆઈમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મુક્ત જ્વેલર્સનું ઉઠામણું થયા પછી તેના માલિક ગોપાલ સોનીનું એટેક આવતા મોત થયું હતું. જે પછી તેમનો પરિવાર પણ ગુમ હતો. તેમના બંને પુત્રો હર્ષ અને દિવ્યાંગ હજુ પણ ફરાર છે. મુક્ત જ્વેલર્સના સંચાલકો કે જે અલ્કાપુરી જેવાપોશ વિસ્તારમાં શો-રૂમ ધરાવતા હતા તે અંદાજે 500 કરોડનું ઉઠામણું કરીને રફૂચક્કર થઈ ગયા છે. 

જ્વેલર્સના માલિકોએ બેંક ઓફ બરોડામાંથી રૂ.201 કરોડ પૈકી રૂ.31 કરોડની ટર્મ લોન 13.50 ટકા વ્યાજે, 70 કરોડની કેશ ક્રેડિટ 13.35 ટકા વ્યાજે તેમજ રૂ.100 કરોડની લોન ક્રેડિટ પત્રથી 13.35 ટકા વાર્ષિક માસિક ચૂકવણીના આધારે લેવામાં આવી હતી. સંચાલકો દ્વારા 5 ઓગસ્ટ 2016 સુધીમાં વ્યાજ સહિત રૂ.192,56,19,067 રકમ ચૂકવવાની બાકી હતી. જે અંગે બેંક દ્વારા જ્વેલર્સના માલિકોને નોટિસ પણ પાઠવવામાં આવી હતી. બેંકની કોર્પોરેટ ફાઇનાન્સિયલ સર્વિસ શાખા, વડોદરા દ્વારા શ્રી મુક્ત જ્વેલર્સના સંચાલકોને રૂા.192.56 કરોડ 60 દિવસમાં ચૂકવવા માટેની નોટિસ જારી કરવામાં આવી હતી. જો કે સંચાલકોએ આ રકમ ન ભરતા બેંક દ્વારા શ્રી મુક્ત જ્વેલર્સના શો રૂમનું તાળું તોડી કબજો લેવામાં આવ્યો હતો..