જય અમીન (મેરાન્યૂઝ.મોડાસા): રાજ્યસભાના સાંસદ અને ક્ષત્રીય ઠાકોર સમાજના અગ્રણી જુગલસિંહ ઠાકોર રવિવારે બપોરે બે વાગ્યાના સુમારે અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના ઈસરોલ ગ્રામ પંચાયતના તાબા હેઠળ આવતા નાની ઈસરોલ ગામે નિર્માણ થઇ રહેલા આંગણવાડી મકાનનું લોકાર્પણ કરવા આવવાના હતા. આંગણવાડી લોકર્પણ કાર્યક્રમ અંગે ગ્રામ પંચાયતના સરપંચ જ અજાણ હોવાથી આંગણવાડી લોકર્પણ કાર્યક્રમ બંધ રાખવા સરપંચે કલેકટર સહીત મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હાલ કોરોનાના સંક્રમણનું ભય હોવાનું અને આંગણવાડીનું મકાન સંપૂર્ણ તૈયાર ન હોવાથી લોકર્પણ કાર્યક્રમ બંધ રાખવા તાકીદ કરતા વિવાદ ઉભો થતા લોકાર્પણ કાર્યક્રમ બંધ રાખવાની ફરજ પડી હતી નાની ઈસરોલ ગામે આંગણવાડી કાર્યક્રમના બદલે સાંસદનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો છે.

નાની ઈસરોલ ગામે આંગણવાડીના મકાનના લોકાર્પણ અંગેના કાર્યક્રમ અંગે રાજ્ય સભાના સાંસદ જુગલ સિંહ ઠાકોર સાથે ટેલિફોનીક વાત કરતા તેમને આ અંગે જણાવ્યું હતું કે આંગણવાડી લોકાર્પણ કાર્યક્રમ અંગે અજાણ છે. તેમનું ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા નાની ઈસરોલ ગામે સન્માન સમારોહ રાખવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું બીજીબાજુ ખુદ સાંસદ જુગલસિંહ ઠાકોરે તેમના ફેસબુક પેજ પર ઈસરોલ ગામે રવિવારે બપોરે ૨ વાગે આંગણવાડી મકાનનું લોકાર્પણ કરવાના હોવાની પોસ્ટ કરી હતી ત્યારે આંગણવાડી લોકાર્પણ કાર્યક્રમ વિવાદમાં સપડાતા સાંસદે અજાણ હોવાનું જણાવી ફેરવી તોળ્યું હતું.

ઈસરોલ ગ્રામ પંચાયતના મહિલા સરપંચનો ટેલિફોનીક સંપર્ક કરતા તેમના પતિએ ટેલિફોન પર જણાવ્યું હતું કે સાંસદ જુગલસિંહ ઠાકોર નાની ઈસરોલ ગામે આંગણવાડીના મકાનનું લોકાર્પણ કરવા આવવાના હતા તે મકાનનું કામકાજ પૂર્ણ થયું નથી અને કેટલાક સ્થાનિક અસામાજીક તત્વો એ ગ્રામ પંચાયત અને સરપંચને પણ જાણ બહાર સમગ્ર કાર્યક્રમ યોજી રહ્યાનું સોશ્યલ મીડિયા મારફતે ધ્યાને આવતા આ અંગે શનિવારે મારા પત્ની અને ઈસરોલ ગ્રામ પંચાયતના સરપંચ ચેતનાબેન અલ્પેશભાઈ પરમારે કલેક્ટરને લેખિત રજુઆત કરી આંગણવાડી લોકાર્પણ કાર્યક્રમ બંધ રાખવા રજુઆત કરી છે મકાનનું કામકાજ પરીપૂર્ણ થયું નથી અને હાલ કોરોનાની મહામારીમાં વરઘોડો કાઢી લોકાર્પણ કરવાના હોવાથી કોરોના સંક્રમણ થવાનો ભય હોવાનું જણાવ્યું હતું.

હાલ તો રાજ્યસભાના સાંસદ જુગલસિંહ ઠાકોરને સ્થાનિક નેતાઓએ સત્ય હકીકતથી વાકેફ ન કરતા અને અંદર અંદરના વિવાદનો ભોગ બનવું પડ્યું હોવાનું લોકો જણાવી રહ્યા છે નાની ઈસરોલ ગામે નવનિર્માણ થઇ રહેલ આંગણવાડી મકાનની જગ્યા અને નિર્માણ શરૂઆતથી વિવાદમાં રહ્યું છે ત્યારે આગામી સમયમાં આ વિવાદ વધુ વકરે તો નવાઈ નહીં.